વિશ્વતખ્તે ‘ગાંધીની બકરી’

Saturday 10th July 2021 05:22 EDT
 
 

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક ગૌરવજનક સમાચાર આવ્યા છે. ગુજરાતી ફિલ્મ ‘ગાંધીની બકરી’ હવે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થવા જઈ રહી છે. ૧૪ જેટલી ગુજરાતી ફિલ્મ્સને ડિરેક્ટ કરનારા નિર્માતા નિર્દેશક ઉત્પલ મોદીની આ ફિલ્મ જાણીતા હિન્દી સાહિત્યકાર સર્વેશ્વર દયાળ સક્સેનાના રાજકીય વ્યંગાત્મક નાટક ‘બકરી’ પર આધારિત છે. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મ સાતમી જુલાઈએ રજૂ થવાની છે. મતલબ કે આ અંક તમારા હાથમાં પહોંચશે ત્યાં સુધીમાં ફિલ્મ રજૂ થઇ હશે.
૧૯૭૫માં દેશ પર લદાયેલી કટોકટીના અંધાર યુગ પર રાજકીય કટાક્ષ કરતું ‘બકરી’ નાટક લખાયું હતું. જેમાં ભારતની રાજકીય - સામાજિક વ્યવસ્થામાં સ્થાપિત હિતો કઈ રીતે પ્રજાને મૂર્ખ બનાવે છે એ વાત પ્રતીકાત્મક રીતે રજૂ કરવામાં આવી હતી અને વાર્તામાં કેન્દ્રસ્થાને છે એક બકરી. આ ફિલ્મમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામનો પોતાના લાભ માટે ઉપયોગ કરવાની વૃત્તિ દેશના રાજકારણમાં કેવી ફૂલીફાલી રહી છે એના પર આ એક કટાક્ષ છે. કેટલાક ભણેલાગણેલા જાગૃત લોકો આ ખેલનો પર્દાફાશ કરવાનો પ્રયત્ન કરે છે પણ શું તેઓ સફળ થશે? દુનિયાભરમાં વિવિધ ફેસ્ટિવલ્સમાં રજૂ થઇ ચૂકેલી ફિલ્મ ‘ગાંધીની બકરી’ હવે કાનમાં પહોંચી થશે.
‘ગાંધીની બકરી’ ફિલ્મમાં અર્ચન ત્રિવેદી, મનીષ પાટડિયા, કિરણ જોષી, ડિમ્પલ ઉપાધ્યાય, શૈલેન્દ્ર વાઘેલા અને ગોપી દેસાઈ જેવા જાણીતા કલાકારો અભિનય કરી રહ્યા છે. ફિલ્મનાં ગીતો જાણીતા ગુજરાતી સાહિત્યકાર ચિનુ મોદીની કલમે લખાયા છે. જ્યારે ફિલ્મમાં સંગીત જાણીતા નાટ્યકાર નિમેષ દેસાઈના ‘બકરી’ નાટકમાંથી લેવામાં આવ્યું છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter