એક્ટર અને સ્ટેન્ડ અપ કોમેડીઅન વીર દાસ હાલ ખૂબ ઉત્સાહી છે, કારણ કે તે 25 નવેમ્બરે ન્યૂ યોર્ક ખાતે યોજાનારા એમિ એવોર્ડ્ઝનું સંચાલન કરનારો પહેલો ભારતીય હશે. તાજેતરમાં જ વીર દાસ ‘કોલ મી બે’માં જોવા મળ્યો છે, જેમાં તેના એક સેન્સેશનલ જર્નાલિસ્ટના રોલને વખાણવામાં આવ્યો છે. વીર દાસે થોડા સમય પૂર્વે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ ન્યૂઝ સાથે શેર કર્યા હતાં. જેમાં એક ન્યૂઝ પીસની સાથે ‘હોસ્ટ વીર દાસ’ લખેલી તસવીર શેર કરી હતી. વીર દાસ આ પ્રતિષ્ઠિત એવોર્ડને હોસ્ટ કરનાર પહેલો ભારતીય બનશે. પોસ્ટમાં તેણે લખ્યું, ‘તમારા સહકારને કારણે, એક ભારતીય એમિનો સંચાલક (ભારતના ઝંડા અને હાથ જોડેલા ઇમોજી). આ વર્ષે એમિનું સંચાલન કરવા માટે હું ઉત્સુક છું. ક્રેઝી. મારી પસંદગી કરવા માટે આપનો આભાર. અતિ ગૌરવાન્વિત અને ઉસ્તુક!’
આ પોસ્ટ પર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તેના હૃતિક રોશન, ક્રિતિ સેનન, બિપાશા બાસુ, શેફાલી શાહ, પ્રોડ્યુસર ગુનીત મોંગા, સુમોના ચક્રવર્તી અને અન્ય ઘણા મિત્રોએ તેના પર શુભેચ્છાઓનો વરસાદ કરી દીધો હતો. વીરે પોતાની ખુશી વ્યક્ત કરતાં જણાવેલું, ‘ઇન્ટરનેશનલ એમિઝનું સંચાલન કરવા માટે હું ખૂબ ખુશ છું. દુનિયાભરના શ્રેષ્ઠ ફિલ્મ મેકર્સ આ પ્રતિષ્ઠિત ઇવેન્ટમાં એક મંચ પર આવે છે. આ જીવન બદલી નાખે એવી ઘટનાનો મને રૂબરૂ સાક્ષી બનવાની તક મળશે.’
જો વીર દાસનો એમિઝ સાથેનો ઇતિહાસ જોવામાં આવે તો તે પહેલી વખત 2021માં તેના શો ‘વીર દાસઃ ફોર ઇન્ડિયા’ માટે નોમિનેટ થયો હતો. જ્યારે 2023માં નેટફ્લિક્સના શો માટે તેને એવોર્ડ મળ્યો હતો. તાજેતરમાં તેણે સ્ટેન્ડ અપ કોમેડીની ઇન્ટરનેશનલ ‘માઇન્ડફૂલ ટુર’ કરી હતી. આ ઉપરાંત તે નેટફ્લિક્સ અને એમેઝોન માટે કેટલાક શો અને સિરીઝ પ્રોડ્યુસ પણ કરી ચૂક્યો છે.