શક્તિને મંજૂર છે શ્રદ્ધા-રોહનનો સંબંધ

Sunday 12th September 2021 09:29 EDT
 
 

શક્તિ કપૂરે તાજેતરમાં જ ખુલાસો કર્યો છે તેણે દીકરી શ્રદ્ધા અને તેના મિત્ર રોહન શ્રેષ્ઠના સંબંધોને સ્વીકારી લીધા છે. શક્તિ કપૂરે આ અંગે જણાવ્યું કે આજના યુવાનોની વિચારસરણી અલગ છે અને તેની દીકરી શ્રદ્ધા પણ તેમાંથી એક છે. તે એક સ્વતંત્ર યુવતી છે એટલે તેને પોતાના જીવનનો અધિકાર લેવાનો સંપૂર્ણ હક્ક છે. મારે આ મામલે ચૂપ જ રહેવું જોઈએ અને જીવનમાં તે શું કરી રહી છે તે જોઇને તેનો આનંદ લેવો જોઈએ.
શક્તિ કપૂરે વધુમાં જણાવ્યું હતું કે, તેના માટે માત્ર એક જ વસ્તુ મહત્ત્વ ધરાવે છે અને તે એ છે બન્ને સ્વસ્થ રહે અને કંઈ પણ અઘટિત ન બને. શક્તિ કપૂરે લાગણીસભર અવાજે કહ્યું હતું કે તેને શ્રદ્ધાના કામ પર ગર્વ છે અને તેની નવી સિદ્ધિઓથી ખુશ છે.
શું શ્રદ્ધા નજીકના ભવિષ્યમાં લગ્ન કરી રહી છે? તેવા પ્રશ્નના ઉત્તરમાં શક્તિ કપૂરે જણાવ્યું હતું કે હું આ અંગે નથી જાણતો, બાકી આ સમાચાર છેલ્લા છ મહિનાથી આવી રહ્યા છે. શ્રદ્ધાના પ્રશંસકો આ જાણવા માટે ખૂબ આતુર છે તે સાચું, પરંતુ તેના લગ્ન ત્યારે જ થશે જ્યારે તે ઈચ્છશે.
તમને જણાવી દઈએ કે શક્તિ કપૂરે આ પહેલાં એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે રોહન એક પારિવારિક મિત્ર છે, હું તેના પિતાને ઘણા વર્ષોથી જાણું છું. રોહન અવારનવાર અમારી પાસે આવતો હોય છે, પરંતુ તેણે ક્યારેય લગ્ન માટે શ્રદ્ધાનો હાથ માંગ્યો નથી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter