શિલ્પા શેટ્ટી - રાજ કુન્દ્રા સામે હવે છેતરપિંડીનો કેસ

Wednesday 17th November 2021 05:42 EST
 
 

પોર્ન ફિલ્મોના કેસમાં ફસાયેલા રાજ કુન્દ્રા અને તેની અભિનેત્રી-પત્ની શિલ્પા શેટ્ટીની મુશ્કેલીઓ ખતમ થવાનું નામ નથી લઈ રહી. રાજ કુન્દ્રા સામે હવે છેતરપિંડીના એક કેસમાં ફરિયાદ નોંધાઇ છે અને તેની સાથે શિલ્પા શેટ્ટીનું નામ પણ જોડાયું છે. મુંબઈ પોલીસે રાજ અને શિલ્પા સામે કેસ દાખલ કર્યો છે. નિતિન બરઈ નામના વ્યક્તિએ આ ફરિયાદ નોંધાવીને સ્ટાર કપલ સામે રૂ. ૧.૫૧ કરોડની છેતરપિંડી કરવાનો આરોપ મૂક્યો છે.
ફરિયાદીનું કહેવું છે કે, ૨૦૧૪-૧૫માં એક ફિટનેસ કંપનીના માધ્યમથી મારી સાથે આ છેતરપિંડી કરવામાં આવી હતી. શિલ્પા અને રાજ કુન્દ્રાએ દેશભરના રોકાણકારો પાસેથી પૈસા ઉઘરાવ્યા હતા. નિયત સમય બાદ મેં જ્યારે મારા નાણાં પાછા માંગ્યા ત્યારે શિલ્પા અને રાજ કુન્દ્રાએ મને ધમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે, પોર્ન ફિલ્મોના આરોપસર જેલમાં ધકેલાયેલા રાજ કુન્દ્રાનો લાંબો સમય કસ્ટડીમાં રહ્યા બાદ ૨૧ સપ્ટેમ્બરે જામીન પર છુટકારો થયો છે. છેતરપિંડીની આ પોલીસ ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ શિલ્પા શેટ્ટીએ ટ્વિટર પર ખુલાસો કરી પોતાના પર મૂકાયેલા છેતરપિંડીના તમામ આક્ષેપો ફગાવી દીધા હતા.
જેલમાંથી બહાર આવ્યા બાદ રાજ મીડિયાથી અને સોશ્યિલ લાઈફથી અંતર જાળવી રહ્યો છે. રાજ કુંદ્રાએ થોડા દિવસ પહેલા જ તેના સોશિયલ મીડિયા ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરી નાખ્યા છે. શિલ્પા હિમાચલ પ્રદેશમાં પરિવાર સાથે વેકેશન પર હોવાના અહેવાલ છે. આ દરમિયાન શિલ્પા અને રાજની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. જેમાં શિલ્પા રાજનો હાથ પકડીને મંદિરમાં દર્શન કરતી જોવા મળે છે. શિલ્પાની આ તસવીરો હિમાચલ પ્રદેશના ચામુંડા દેવી મંદિરની છે. શિલ્પાએ મંદિરની મુલાકાતની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. પોર્નોગ્રાફી કેસ બાદ લાંબા સમય પછી શિલ્પા રાજ સાથે જાહેરમાં જોવા મળી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter