બોલિવૂડ સ્ટાર સૈફ અલી ખાન પર જીવલેણ હુમલો કરનાર આરોપી ઝડપાઇ ગયો છે અને ગંભીર ઇજાગ્રસ્ત સૈફ હોસ્પિટલમાંથી ઘરે પણ આવી ગયો છે, પરંતુ કેટલાક સવાલ હજુ પણ અનુત્તર છે. જેમ કે, હુમલામાં એક કરતાં વધુ લોકો સંડોવાયેલા છે? હુમલાખોરનો ઇરાદો શું હતો? સૈફ જીવલેણ ઇજા છતાં આટલો જલદી હરતોફરતો કઇ રીતે થયો? સૈફે દાવો કર્યો છે કે હુમલાખોરે એક કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. બીજી તરફ, પોલીસે આ ગુનામાં વધુ વ્યક્તિઓની સંડોવણીની શંકા દર્શાવી છે. 16 જાન્યુઆરીના બાંદરામાં ઘરમાં ઘૂસીને સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલો કરાયો હતો. પોલીસે આ ગુનામાં બાંગ્લાદેશી હુમલાખોર શરીફુલ ઈસ્લામ શહેઝાદ મોહમ્મદ રોહિલ્લા અમીન ફકીર ઉર્ફે વિજય દાસ (30)ની ધરપકડ કરી છે.
હુમલાખોરની ઓળખ અંગે મતભેદ
સૈફ પર થયેલા હુમલાના કેસમાં નવો વળાંક આવ્યો છે. ફોરેન્સિક લેબની તપાસ મુજબ સૈફના ઘરમાં સીસીટીવી કેમેરામાં કેદ વ્યક્તિ અને પોલીસે જેની ધરપકડ કરી છે તે બંને વ્યક્તિ અલગ અલગ છે. સીસીટીવી ફૂટેજની તપાસ કરતા જાણકારી મળી છે કે જે વ્યક્તિ સૈફના ઘરમાં ઘૂસતો અને બહાર નીકળતા જોવા મળી છે અને પોલીસે જેની ધરપકડ કરી છે, તે બંને અલગ વ્યક્તિ છે. ફોરેન્સિક રિપોર્ટમાં કહેવાયું છે કે, ‘સૈફના ઘેરના સીસીટીવી ફુટેજમાં જોવા મળતી વ્યક્તિની શારીરિક બનાવટ, ઊંચાઈ અને ચહેરો પોલીસ દ્વારા જેની ધરપકડ થઈ છે તે આરોપીથી બિલકુલ અલગ છે.’
આ મારો પુત્ર નથીઃ શરીફૂલના પિતા
આરોપી શરીફૂલના પિતા રુહેલ અમીન ફકીરે પણ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેનું કહેવું છે કે હું શહેઝાદનો પિતા છું, ધ્યાનથી ફોટો જોયો બાદ જ આ કહું છું. સૈફના ઘરે સીસીટીવીમાં દેખાતો શકમંદ મારો પુત્ર નથી. જેની ધરપકડ કરાઇ છે તે મારો પુત્ર છે. શકમંદની ઉંચાઇ પણ મારા પુત્ર જેટલી નથી. મેં ફોટો મારા પરિવારને પણ બતાવ્યો છે. શહેઝાદના પિતાનું નિવેદન પોલીસના દાવાથી વિરોધાભાસી છે.
રિક્ષાચાલકનો આભાર માન્યો
ચાકુથી હુમલામાં ગંભીરપણે જખમી સૈફ અલીને હોસ્પિટલમાં લઈ જનારા રિક્ષા ડ્રાઇવરને અભિનેતા મળ્યો હતો અને મદદ માટે આભાર માન્યો હતો. સૈફે તેને પૈસા આપ્યા હતા અને જ્યારે પણ જરૂર પડે ત્યારે તેને તમામ મદદની ખાતરી આપી હતી. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લેતા પહેલા ખાન રિક્ષા ડ્રાઇવર ભજનસિંહ રાણાને મળ્યો હતો. આ સમયે સૈફે હોસ્પિટલમાં પહોંચાડવા મદદ કરવા બદલ અભિનેતાએ આભાર માન્યો હતો. ડ્રાઇવર રાણાએ કહ્યું કે તેમણે મારી પ્રશંસા કરી હતી. સૈફ અને તેના પરિવાર તરફથી આશીર્વાદ મળ્યા હતા. ખાને મને તેમની માતા (શર્મિલા ટાગોર) સાથે પરિચય કરાવ્યો હતો અને હું તેમને પગે લાગ્યો હતો. તેમને જે યોગ્ય લાગ્યા તે પૈસા મને આપ્યા અને કહ્યું કે જ્યારે પણ મને મદદની જરૂર હોય ત્યારે તમામ મદદની ખાતરી આપી હતી.
સૈફની ઝડપી રિકવરી સામે સવાલ
શિવસેના નેતા સંજય નિરુપમે સૈફ પર થયેલા હુમલા પરત્વે ગંભીર સવાલ ઉઠાવ્યા છે. સૈફ આટલો જલદી સાજા થઈ ગયો તે મુદ્દે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. શિવસેના નેતાનું કહેવું છે કે ખંજરનો અઢી ઇંચનો ઘા થયો હતો અને સર્જરી થઈ હતી. પરંતુ સૈફ ચાર દિવસ પછી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ગયા અને લગભગ ઉછળતા કૂદતા ઘેર પાછા ફર્યા. એવું લાગ્યું કે કાંઈ થયું જ નથી. શું આટલી જલદી રિકવરી સંભવ છે?