ગુનીત મોંગા અને પ્રિયંકા ચોપરા દ્વારા નિર્મિત ‘અનુજા’ ફિલ્મ આ વર્ષના ઓસ્કર એવોર્ડ્સ માટે બેસ્ટ લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરીમાં નોમિનેટ થઇ છે. 97મા ઓસ્કર એવોર્ડ્સ સમારોહમાં આ ફિલ્મ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. બેસ્ટ લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ક્વોલિફાય થયેલી કુલ 180 ફિલ્મોમાંથી માત્ર પાંચ ફિલ્મો નોમિનેટ થઇ છે. ગુનીતની આ ત્રીજી ફિલ્મને ઓસ્કર જીતવાની તક છે. આ અગાઉ તેની ‘ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ’ અને ‘પીરીયડઃ એન્ડ ઓફ સેન્ટેન્સ’ ફિલ્મો બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ માટેનો ઓસ્કર એવોર્ડ જીતી ચૂકી છે. એડમ ગ્રેવ્સ દ્વારા દિગ્દર્શિત ‘અનુજા’ ફિલ્મમાં બે બહેનોની વાર્તા છે, જેઓ આ શોષણખોર દુનિયામાં ખુશી અને તક મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે. ફિલ્મમાં ‘અનુજા’ નામની નવ વર્ષની બાળકી પોતાની બહેન સાથે ભણતર અને ફેક્ટરીમાં કામ કરવા વચ્ચે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવા મજબૂર બને છે. ફિલ્મમાં સજદા પઠાન અને અનન્યા શાનબાગ મુખ્ય ભૂમિકામાં છે. પ્રિયંકા ચોપરા અને અનીતા ભાટિયા ફિલ્મની એક્ઝિક્યૂટિવ પ્રોડયુસર છે. ઓસ્કર એવોર્ડ્સ સમારોહ બીજી માર્ચે લોસ એન્જલસમાં યોજાશે.