અનુ મલિકે લાંબા લખાણ સાથે સોના મહાપાત્રાને કહ્યું શટ અપ!

Wednesday 20th November 2019 07:45 EST
 
 

સંગીતકાર અનુ મલિકે મીટુ ઝુંબેશમાં પોતાના પરના મીટુના આરોપો અંગે અંતે વાત કરી છે. તેમણે સોના મહાપાત્રાને કહ્યું છે કે શટ અપ! ટ્વિટર પર લાંબા ખુલ્લા પત્રમાં અનુ મલિકે લખ્યું છે કે, મીટુ ઝુંબેશ દરમિયાન મારા પર લાગેલા આક્ષેપો માટે મારા મૌનને મારી નબળાઈ સમજવામાં આવી છે.
છેલ્લાં એક વર્ષમાં મારા પર કેટલાંક એવા આરોપો લાગ્યા જે કામ મેં કર્યાં જ નથી. હું આટલા દિવસ સુધી ચૂપ રહ્યો અને રાહ જોતો રહ્યો કે સત્ય સામે આવશે. જોકે, હવે મને એ વાતનો અહેસાસ થયો કે મારા મૌનને નબળાઈ સમજવામાં આવે છે. જ્યારથી મારા પર ખોટા આક્ષેપો થયાં ત્યારથી મારી પ્રતિષ્ઠા અને મારા તથા મારા પરિવારની માનસિક પરિસ્થતિ પર ઘણી જ ખરાબ અસર પડી છે. આ તમામ આરોપોએ મને તથા મારા કરિયરને બરબાદ કરી નાંખ્યું છે. વધુમાં અનુ મલિકે કહ્યું કે, મારા જીવનના આ તબક્કે મારા પર આટલા ગંદા અને ડરામણા આક્ષેપો થયાં. આ પહેલાં આ અંગે કેમ સવાલ ન થયાં? આ તમામ આરોપો ત્યારે પણ કેમ લાગ્યા જ્યારે હું ટીવી પર પાછો આવ્યો. બે દીકરીઓના પિતા હોવાને નાતે હું આવું વિચારી પણ શકતો નથી. શો ચાલુ જ રહશે, પરંતુ આ હસતા ચહેરાની પાછળ હું ઘણી જ તકલીફમાં છું. મારે બસ ન્યાય જોઈએ.
અનુ મલિક વિરુદ્ધના આરોપો
ઉલ્લેખનીય છે કે ‘ઈન્ડિયન આઈડલ’ની સિઝન ૧૧ની જજ પેનલમાં સામેલ થયા બાદ અનુ મલિક પર યૌનશોષણના આરોપો લાગ્યાં હતાં. ગાયિકા સોના મહાપાત્રા, નેહા ભસીન તથા શ્વેતા પંડિતે અનુ મલિક પર છેડતી અને યૌનશોષણના આરોપ લગાવ્યા હતા. શ્વેતા પંડિત તથા સોના મહાપાત્રાએ અનુ મલિકને ‘ઈન્ડિયન આઈડલ’માં જજ બનાવવા પર વિરોધ પ્રગટ કર્યો હતો. જોકે, કાશ્મીરા શાહ તથા હેમા સરદેસાઈએ અનુ મલિકની તરફેણ કરી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter