ઓપરેશન કરાઓકેઃ હિન્દી ફિલ્મ કલાકારો રોકડા લઇને નેતાઓના પ્રચાર માટે તૈયાર

Saturday 23rd February 2019 07:20 EST
 
 

નવી દિલ્હીઃ ચર્ચાસ્પદ ન્યૂસ રિપોર્ટ અને સનસનીખેજ સ્ટિંગ ઓપરેશન માટે જાણીતા ન્યૂસ પોર્ટલ કોબરા પોસ્ટ ફરી સમાચારમાં છે. આ વખતે તેણે હિન્દી ફિલ્મઉદ્યોગના અભિનેતા-અભિનેત્રીઓને ખુલ્લા પાડ્યા છે. લોકસભા ચૂંટણીની સિઝન આવી ગઇ છે ત્યારે કેટલી બોલિવૂડ સેલિબ્રિટીસ રૂપિયા લઇને કોઇ ચોક્કસ રાજકીય પક્ષનો પ્રચાર કરવા તૈયાર થઇ જાય છે તે ચકાસવા કોબરા પોસ્ટે આ સ્ટિંગ ઓપરેશન કર્યું હતું, અને તેમાં ઘણાં ફિલ્મ કલાકારો ખુલ્લા પડી ગયા છે. કોબરા પોસ્ટનું આ સ્ટિંગ ઓપરેશન સ્પષ્ટ કરે છે કે કોઇ ફિલ્મ કલાકાર એક યા બીજા રાજકીય પક્ષની તરફદારી કરતી જોવા મળે, કોઇ રાજકીય પક્ષ મામલે અભિપ્રાય આપતી હોય તો દરેક વખતે તેઓ ‘મન કી બાત' જ કરે છે તેવું માની લેવાની જરૂર નથી! તેમાંથી ઘણાં લોકો પૈસા લઇને ‘ધન કી બાત’ કરતા હોય તેવું પણ બની શકે છે.
કોબરા પોસ્ટના સ્ટિંગ ઓપરેશનમાં કેટલાય એક્ટર્સ અને સિંગર્સ આવી ઓફર સ્વીકારતાં કેમેરામાં ઝડપાયા છે. આ યાદી ઘણી લાંબી છે. ઉલ્લેખનીય છે કે કોબરા પોસ્ટે ગયા વર્ષે આવી જ રીતે પૈસા લઇને રાજકીય પ્રચાર કરવા તૈયાર થઇ ગયેલા મીડિયા હાઉસનો પર્દાફાશ કર્યો હતો. આ વખતે તેમણે પૈસા લઈને રાજકારણીઓ અને રાજકીય પક્ષોની પ્રશંસા કે તેમની સામે નફરત ફેલાવતાં હોય તેવાં સ્ટેટમેન્ટ કરવાનો ઘટસ્ફોટ કર્યો છે.
‘ઓપરેશન કરાઓકે’ શીર્ષક હેઠળના સ્ટિંગ અનુસાર હિન્દી ફિલ્મોના ચાર ડઝન કલાકારો આ ‘ગોરખધંધા’માં સામેલ થવા તૈયાર થઇ ગયા હતા. તેઓ રાજકીય પ્રમોશન્સ માટે રૂ. બે લાખથી પચાસ લાખની ફી અને તે પણ રોકડામાં લે છે. આ આંકડો માત્ર સોશ્યલ મીડિયા પર મેસેજ પોસ્ટ કરવાનો છે.
કોબરા પોસ્ટના વડા અનિરુદ્ધ બહલે એક પત્રકાર પરિષદમાં આ માહિતી આપતા કહ્યું હતું કે ‘કેટલાકે તો આઠ મહિનાના કરાર માટે રૂ. ૨૦ કરોડની ફી લીધી છે.’ જોકે, ચાર એક્ટર્સ - વિદ્યા બાલન, અરશદ વારસી, રઝા મુરાદ અને ટીવી સ્ટાર સૌમ્યા ટંડને તેમની માન્યતાથી વિપરીત તેમના ફેન્સને ગેરમાર્ગે દોરતી કન્ટેન્ટ પોસ્ટ કરવાનો ઇનકાર કર્યો હતો.
કોબરા પોસ્ટે જણાવ્યું હતું કે તેના પત્રકારો ત્રણ મોટા રાજકીય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતાં પબ્લિક રિલેશન્સ ફર્મના કર્મચારીઓ તરીકે પોતાની જાતને રજૂ કરીને ૩૬ જેટલી સેલિબ્રિટીસનો સંપર્ક સાધ્યો હતો. આમાંથી ઘણા કિસ્સામાં તેઓ સત્તાવાર એજન્ટો અથવા મેનેજરો થકી સ્ટાર આર્ટિસ્ટ્સને મળ્યા હતા.
અનિરુદ્ધ બહલ કહે છે કે અમારા પત્રકારોએ સેલિબ્રિટીસને સવાલ કર્યો હતો કે શું તેઓ ટ્વિટર, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર એક રાજકીય પક્ષને પ્રમોટ કરવાનું પસંદ કરશે? લગભગ તમામે ચોક્કસ ફી લઈને તેમ કરવા તૈયારી દર્શાવી હતી. એટલું જ નહીં, કેટલાકે તો આ કન્ટેન્ટ સાચી લાગે તે માટે તેમાં પોતાની રીતે ફેરફાર કરવાની પણ ઓફર કરી હતી.

કલાકારોએ રોકડા માગ્યા હતા

મિનિષા લાંબા, ટીવી પર્સનાલિટી અમન વર્મા અને એક્ટર શક્તિ કપૂરે તો તમામ રકમ રોકડમાં ચુકવવાની માગણી કરી હતી. તેઓ તેમની ફી પરની વેરાની જવાબદારીથી બચવા માગતા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નોટબંધીના પગલાંને ઐતિહાસિક ગણાવનાર શક્તિ કપૂરે તો તમામ પૈસા બ્લેકમાં લેવાનું કહ્યું હતું. તેણે કહ્યું હતું કે ‘નંબર વન મેં મત ડાલો.’ તમને ૨૦ ટકા રકમ વ્હાઇટમાં અપાશે તેમ કહેવાતાં મિનિષા લાંબા તો હતાશ થઇ ગઇ હોવાનું અનિરુદ્ધ બહલે કહ્યું હતું. મિનિષાએ કહ્યું હતું કે ‘પરંતુ તમે તો કહેતા હતા કે તમામ પૈસા કેશમાં મળશે.’ એક્ટ્રેસ મહિમા ચૌધરીએ આવું કન્ટેન્ટ પોસ્ટ કરવા માટે એક કરોડ રૂપિયા માગ્યા હતા. તેણે તો બેધડક કહ્યું હતું કે ‘ભાજપ તો કુછ ભી દે સકતી હૈ. એ તો મહિનાના એક કરોડ પણ આપી શકે છે.’ મહિમાથી પણ એક ડગલું આગળ વધીને એક્ટર સોનુ સુદે તો તેની ‘સેવા’ માટે ૨૦ કરોડ રૂપિયા માગ્યા હતા. સુદે કહ્યું હતું કે તેના મેસેજ અત્યંત મજબૂત અને સારા હશે.

રૂપિયા માટે અભિપ્રાય આપવા તૈયાર...

જેકી શ્રોફ, શક્તિ કપૂર, વિવેક ઓબેરોય, સોનુ સૂદ, અમીષા પટેલ, મહિમા ચૌધરી, શ્રેયસ તલપડે, પુનીત ઇસ્સાર, સુરેન્દ્ર પાલ, પંકજ ધીર અને તેનો દીકરો નિકિતન ધીર, તિસ્કા ચોપરા, દીપશિખા નાગપાલ, અખિલેન્દ્ર મિશ્રા, રોહિત રોય, રાહુલ ભટ્ટ, સલીમ જૈદી, રાખી સાવંત, અમન વર્મા, હિતેન તેજવાની, ગૌરી પ્રધાન, ઇવલિન શર્મા, મિનિષા લાંબા, કોયના મિત્રા, પૂનમ પાંડે અને સની લીઓની
જાણીતા કોમેડિયનો રાજુ શ્રીવાસ્તવ, સુનિલ પાલ, રાજપાલ યાદવ, ઉપાસના સિંહ, કૃષ્ણા અભિષેક અને વિજય ઇશ્વરલાલ પવાર
ગાયકો અભિજીત ભટ્ટાચાર્ય, કૈલાશ ખેર, મીકા સિંહ અને બાબા સહેગલનો સમાવેશ થાય છે તો કોરિયોગ્રાફરમાં ગણેશ આચાર્ય અને ડાન્સર સંભાવના શેઠનો સમાવેશ થાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter