કાળિયાર શિકાર કેસમાં સલમાન દોષિતઃ સૈફ અલી ખાન, તબ્બુ, નીલમ સોનાલી બેંદ્રે નિર્દોષ જાહેર

Thursday 05th April 2018 03:04 EDT
 
 

જોધપુરઃ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન પર ચાલેલા કાંકાણી કાળા હરણના શિકારના કેસમાં જોધપુર કોર્ટે સલમાન ખાનને દોષિત જાહેર કર્યો છે. જોધપુર કોર્ટે સલમાનને દોષિત જાહેર કરીને પાંચ વર્ષની જેલની સજા આપી છે. આ ઉપરાંત સલમાનને રૂ. ૧૦૦૦૦નો દંડ કરવામાં આવ્યો છે. સલમાન ખાનને કોર્ટમાંથી સીધો જોધપુર સેન્ટ્રેલ જેલ લઈ જવામાં આવશે. ૧૯૯૮ના આ કેસમાં સલમાન સિવાય એકટર સૈફ અલી ખાન, તબ્બુ, નીલમ, અને સોનાલી બેંદ્રે પણ આરોપી હતા, પણ સલમાન ખાનને કોર્ટે દોષિત જાહેર કર્યો છે. જ્યારે બાકીના તમામ આરોપીને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસમાં સલમાનને ઓછામાં ઓછી એક વર્ષ અને વધુમાં વધુ છ વર્ષની સજાની જોગવાઈ હતી. સલમાન ખાને કોર્ટમાં પોતાના પર લાગેલા દરેક આરોપ નકાર્યા હતા. સલમાન ખાનના વકીલે કહ્યું હતું કે, અમે આ નિર્ણયને સેશન્સ કોર્ટમાં પડકારીશું. 

સલમાને આરોપ નકાર્યા

સલમાન ખાને કોર્ટમાં પોતાના પર લાગેલા દરેક આરોપ નકાર્યા હતા. સલમાન ખાનના વકીલે કહ્યું છે કે, અમે આ નિર્ણયને સેશન્સ કોર્ટમાં પડકારીશું. સલમાનના વકીલની દલીલ હતી કે તેને ઉપલી કોર્ટમાં નિર્દોષ જાહેર કરાયો છે તેથી ઓછી સજા મળે. સલમાનની સાથે નિર્દોષ જાહેર થયેલા અન્ય સ્ટાર્સ કોર્ટમાં જ હાજર રહ્યા હતા. સલમાનના વકીલે દલીલો પૂરી કરી અને સરકારી વકીલે છ વર્ષની સજાની માગણી કરી હતી. સલમાનને સજા ત્રણ વર્ષથી વધુની થઈ છે તો સેશન કોર્ટમાં કેસ જશે.

પરિવાર સલમાનની પડખે

આ મુશ્કેલીના સમયમાં સલમાનનો આખો પરિવાર તેની સાથે ઉભો છે, બહેન અર્પિતા અને અલવીરા સલમાન સાથે કોર્ટમાં હાજર રહી હતી. આ કેસમાં આરોપી હતા તે કલાકારો નિર્દોષ જાહેર થયા બાદ પણ કોર્ટમાં હાજર રહ્યા હતા. સલમાનના નજીકના લોકોએ કહ્યું કે સલમાન ચુકાદાની એક રાત પહેલાં જ જોધપુર પહોંચી ગયો હતો. જોધપુરની હોટલમાં આખી રાત તે જાગતો રહ્યો હતો. જોકે આ મામલે ચિંતિત સલીમ ખાને પુત્ર સલમાન માટેના કોર્ટના નિર્ણય અંગે અગાઉ કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો.

સલમાન પર કેટલા કેસ?

આ મામલે સલમાન પર ચાર કેસ છે. ત્રણ હરણનો શિકાર અને ચોથો આર્મ્સ એક્ટનો. તે સમયે સલમાનના રૂમમાંથી તેની ખાનગી પિસ્તોલ અને રાઈફલ પણ મળી આવી હતી. પરંતુ આ હથિયારોના લાયસન્સની સમય મર્યાદા પૂરી થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે સલમાન પર જોધપુર ઘોડા ફાર્મ હાઉસમાં ભવાન ગામમાં ૨૭મી અને ૨૮મી સપ્ટેમ્બર ૧૯૯૮ની રાતે હરણના શિકારનો આરોપ છે. કાંકાણી ગામમાં પહેલી ઓક્ટોબર અને બીજી કાળા હરણનો શિકાર કરવાનો આરોપ છે. દરેક કેસમાં સૈફ અલી ખાન, નીલમ, તબ્બુ અને સોનાલી બેન્દ્રે આરોપી હતા.

ઘટના

આરોપ છે કે ૧૯૯૮માં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ ફિલ્મના શૂટિંગ દરમિયાન કેટલાક સ્ટાર્સે કાળા હરણનો શિકાર કર્યો હતો. સલમાન ખાન પર આરોપ હતો કે તેમણે જે બંદૂકથી કાળા હરણનો શિકાર કર્યો તે બંદૂકનું લાઇસન્સ પણ તેમની પાસે નહોતું. જો કે જાન્યુઆરી ૨૦૧૭માં આર્મ્સ એકટ સાથે જોડાયેલા આ કેસમાં સલમાનને જોધપુર કોર્ટે નિર્દોષ છોડી દીધો હતો. આ કેસ સાથે જોડાયેલા બે બીજા કેસમાં સલમાન ખાનને રાજસ્થાન હાઇ કોર્ટે જુલાઇ ૨૦૧૬માં પુરાવાના અભાવમાં નિર્દોષ છોડી દીધા હતા. તેની વિરુદ્ધ રાજસ્થાન સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. ત્રીજો કેસ રાજસ્થાનના કાંકાણી ગામમાં પહેલી ઓક્ટોબર ૧૯૯૮ની રાત્રે બે કાળા હરણના શિકારનો છે.

હરણના શિકારનો મામલો

બે ચિંકારા શિકારના કેસમાં સલમાન ખાનને પહેલી વખત ૧૭મી ફેબ્રુઆરી ૨૦૦૬ના રોજ જોધપુરની નીચલી કોર્ટે એક વર્ષની સજા સંભળાવી હતી. આરોપ છે કે જોધપુરની પાસે આવેલા ભવાદ ગામમાં ૨૬મી અને ૨૭મી સપ્ટેમ્બર ૧૯૯૮ની રાત્રે શિકાર કર્યો હતો. સલમાન ખાન પર હરણના શિકારના કુલ ચાર કેસ નોંધાયેલા હતા. ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના શુટિંગ દરમ્યાન સપ્ટેમ્બર - ઓક્ટોમ્બર ૧૯૯૮માં સલમાન સહિત અન્ય અભિનેતાઓ પર આરોપ છે. આ કેસમાં સલમાન ખાનની સાથે સૈફ અલી ખાન, તબ્બુ, સોનાલી બેન્દ્રૈ, અને નીલમ પર પણ શિકાર માટે સલમાનને ઉશ્કેરવાનો આરોપ છે. સલમાન સહિત આરોપીઓ પર મથાનિયા અને ભવાદમાં બે ચિંકારાના શિકારના બે અલગ-અલગ કેસ, કાંકાણીમાં હરણ શિકાર મામલો અને લાઇસન્સ સમાપ્ત થયા બાદ પણ રાયફલ રાખવાનો (આર્મ્સ એકટ) આરોપ છે.

૨૦૦૬માં સલમાનને સજા

સલમાનને કાળા હરણના શિકાર કેસમાં ૧૦ એપ્રિલ ૨૦૦૬ના રોજ પાંચ વર્ષની સજા થઇ હતી. શિકારનો આ કેસ જોધપુરના મથાનિયાની પાસે ઘોડા ફાર્મમાં ૨૮-૨૯ સપ્ટેમ્બર ૧૯૯૮ની રાતનો છે. પરંતુ બાદમાં જોધપુર હાઇ કોર્ટમાંથી જામીન મળી ગયા. ૨૫ જુલાઇ ૨૦૧૬ના રોજ રાજસ્થાન હાઇકોર્ટે સલમાનને નિર્દોષ જાહેર કરી દીધો હતો. આ કેસમાં કુલ ૧૨ આરોપી હતા.

એક સપ્તાહ જેલમાં હતો સલમાન

કાળા હરણ શિકારના આ ચર્ચિત મામલામાં સલમાન એક સપ્તાહ માટે જેલમાં પણ રહી ચૂકયો છે. નીચલી કોર્ટે સલમાનને દોષિત ગણાવતા બે અલગ-અલગ કેસમાં એક અને પાંચ વર્ષની સજા સંભળાવી હતી. સલમાનની વિરુદ્ધ સપ્ટેમ્બર ૧૯૯૮માં વન્યજીવ સંરક્ષણ અધિનિયમની કલમ ૫૧ અંતર્ગત કેસ નોંધાયો હતો. ઘોડા ફાર્મ હાઉસ શિકાસ કેસમાં સલમાનને ૧૦થી ૧૫ એપ્રિલ ૨૦૦૬ સુધી ૬ દિવસ જોધપુર સેન્ટ્રલ જેલમાં રહેવું પડ્યું. સેશન્સ કોર્ટ દ્વારા આ સજાની પુષ્ટિ કરવા પર સલમાનને ૨૬ થી ૩૧ ઓગસ્ટ ૨૦૦૭ સુધી જેલમાં રહેવું પડ્યું હતું. હરણ શિકારનો ત્રીજો કેસ કંકાણી ગામમાં પહેલી ઓક્ટોબર ૧૯૯૮ની રાત્રે બે કાળા હરણના શિકારનો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter