ફિલ્મ રિવ્યુઃ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન

Friday 16th November 2018 05:45 EST
 
 

યશરાજ ફિલ્મ્સની રૂ. ૩૦૦ કરોડના ખર્ચે બનેલી ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાં’ આઠમી નવેમ્બરે સિનેમાગૃહોમાં આવી ચૂકી છે. દિવાળીના તહેવારે રજૂ થયેલી આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, આમિર ખાન, કેટરિના કૈફ અને ફાતિમા સના શેખ મુખ્ય ભૂમિકામાં છે. ૧૭૫૦ના દાયકામાં ગુલામ હિન્દુસ્તાનને આઝાદ બનાવવા માટેનું સપનું જોતા એક રાજાની આ વાર્તા છે.

વાર્તા રે વાર્તા

રોનકપુર નગરના રાજા બેગને અંગ્રેજોની ગુલામીમાં જીવવું મંજૂર નથી હોતું. તે ગુપ્ત રીતે તેના દીકરા અને સેનાપતિ ખુદાબક્ષ (અમિતાભ બચ્ચન)ને અંગ્રેજો સામે લડવાની તૈયારી માટે આજુબાજુના વિસ્તારની હિલચાલ માટે મોકલે છે. જોકે, અંગ્રેજોને આ વાતની જાણ થઈ જાય છે અને અંગ્રેજો બેગના દીકરા અસ્લમને પકડીને તોપ સાથે બાંધીને લઈ આવે છે. રાજા પાસેથી તે જાગીર છીનવી લે છે અને તેના પરિવારને મારી નાંખે છે. ખુદાબક્ષ માત્ર રાજાની દીકરી ઝફીરા બેગ (ફાતિમા સના શેખ)ને બચાવી શકે છે અને તે આઝાદ નામે અંગ્રેજો સામે લડવા માટે ટુકડી ઊભી કરે છે. ઝફીરા પણ વન જંગલો અને દરિયાકિનારે મોટી થાય છે અને ખુદાબક્ષે તેને સારી બાણાવરી શીખવી હોય છે. અંગ્રેજો આઝાદને પકડવા માટે હિન્દુસ્તાની ઠગ ફિરંગી મલ્લાહ (આમિર ખાન)ને લાલચ આપે છે. એ પછી ફિરંગી આઝાદને પકડાવે છે કે પોતે જ આઝાદીની લડાઈમાં જોડાય છે એના ટ્વિસ્ટ અને ટર્ન્સ માણવા માટે ફિલ્મ જોવી રહી.

કથા પટકથા દમદાર

વિજય કૃષ્ણ આચાર્ય દિગ્દર્શિત આ ફિલ્મની કથા, પટકથા અને તેની માવજત ખૂબ જ સુંદર છે. સમુદ્રી જહાજનાં ફાઈટ સીન અત્યંત રોમાંચક છે. અમિતાભ બચ્ચન, આમિર ખાન અને ફાતિમા સના શેખ ત્રણેયની એક્ટિંગ પણ સારી છે. આ ઉપરાંત ફિલ્મનું મ્યુઝિક અને બેકગ્રાઉન્ડ સ્કોર પણ સાંભળવામાં મજા આવે એવાં છે.
ઉલ્લેખનીય છે કે ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાં'ને અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ મળી છે. ફિલ્મને રિલીઝ સાથે જ બોક્સ ઓફિસ પર રૂ. બાવન કરોડની ધમાકેદાર કમાણી થઈ હતી. હાલમાં ફિલ્મે રૂ. ૧૦૦ કરોડ ક્લબમાં એન્ટ્રી મેળવી લીધી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter