ફિલ્મરિવ્યુઃ સોનુ કે ટીટુ કી સ્વીટી

Wednesday 07th March 2018 07:49 EST
 
 

કાર્તિક આર્યન, નુસરત ભરૂચા, સનીસિંહ અભિનિત અને લવ રંજન ડિરેક્ટેડ ફિલ્મ ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ બે મિત્રોની મૈત્રી વચ્ચેની સુંદર કહાની છે. રંગીલા પંજાબી કલ્ચરને ફિલ્મમાં સુંદર રીતે વણી લેવાયું છે. વળી, એમ્સ્ટર્ડેમ જેવા વિદેશી લોકેશન પણ ફિલ્મમાં દેખાય છે.
વાર્તા રે વાર્તા
સોનુ (કાર્તિક આર્યન) અને ટીટુ (સની સિંહ) બે બાળપણના મિત્રો છે. સોનુની મમ્મી તે તેર વર્ષનો હતો ત્યારે જ મૃત્યુ પામી હતી એટલે એની પરવરિશ ટીટુના પરિવાર સાથે થઈ છે. બંનેની દોસ્તી જબરદસ્ત પાક્કી છે. સોનુ ટીટુ માટે બહુ પઝેસિવ પણ છે. ટીટુ તેના બ્રેકઅપ પછી લગ્ન કરીને સેટલ થવાનું વિચારે છે. મેરેજ બ્યુરો થકી તેને સ્વીટી (નુસરત ભરૂચા) મળે છે. સોનુને સ્વીટી અતિસંસ્કારી ઘરની ડાહીડમરી અને પરફેક્ટ શાદી મટીરિયલ ગર્લ હોવાનો દેખાવ કરતી લાગે છે. તેને સ્વીટી માટે અનેક શંકાઓ જાય છે. તે ટીટુને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે ‘યે લડકી સહી નહીં હૈ’, પણ સીધા સાદા ટીટુને સ્વીટી ખૂબ ગમતી હોય છે. વળી, બીજી બાજુ ટીટુ - સ્વીટીની સગાઈ પછી તરત જ સ્વીટી સોનુને કહે છે કે તું સાચું સમજે છે હું તું જેવી ધારે છે એવી જ છું, પણ ટીટુને તું સમજાવી નહીં શકે. એ પછી સોનુ મનમાં ગાંઠ વાળી લે છે કે એ ટીટુને સ્વીટીથી બચાવીને જ રહેશે. અંતે ટીટુ સ્વીટીના લગ્નના દિવસે સ્વીટી સોનુને ટોણો મારે છે કે ‘દોસ્ત ઔર લડકી મેં હંમેશાં લડકી હી જીતતી હૈ’! અંતે ફિલ્મમાં દોસ્તી જીતે છે કે લડકી એના માટે ફિલ્મ જોવી રહી.
વાસ્તવિક લાગતાં કેરેક્ટર
‘એસકેટીકેએસ’ એટલે કે ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ એક હળવી ફૂલ પણ ઇમોશનલ કોમેડી ફિલ્મ છે. ફિલ્મમાં ટીટુના કરોડપતિ દાદા ‘ઘસીટારામ’નું પાત્ર આલોકનાથે ભજવ્યું છે. પોતાની ‘બાબુજી’ ઇમેજથી સાવ વિપરીત ઐય્યાશ પંજાબી દાદાનું પાત્ર આલોકનાથે બખૂબી નિભાવ્યું છે. આ સિવાયના અન્ય પાત્રો પણ આપણી આસપાસના કોઈ રિચ મોડર્ન ઘરનાં હોય એટલાં વાસ્તવિક લાગે છે. ફિલ્મમાં મોટાભાગના ગીતો પાર્ટીસોંગ છે. લાંબા સમય પછી હનીસિંહે આ ફિલ્મ માટે ‘દિલ ચોરી’ આપ્યું છે. રોચક કોહલીનું અરિજિતસિંહના અવાજમાં ગવાયેલું ‘મેરા યાર’ પણ કર્ણપ્રિય ઇમોશનલ સોંગ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter