મુંબઇઃ ક્રિકેટ રસિયાઓ માટે આનંદના સમાચાર છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી લડાઈને પગલે અધવચ્ચેથી પડતી મુકાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ટૂર્નામેન્ટની બાકી મેચોનો 17મી મેથી પ્રારંભ થશે જ્યારે ફાઇનલ મેચ ત્રીજી જૂને રમાશે. બીસીસીઆઈએ સોમવારે નવા કાર્યક્રમની જાહેરાત કરી હતી જેમાં બાકી રહેલી લીગ મેચો છ સ્ટેડિયમ પર રમાશે.
નવા કાર્યક્રમ મુજબ બાકીની મેચો બેંગલોર, જયપુર, દિલ્હી, લખનૌ, મુંબઈ અને અમદાવાદમાં રમાશે. ગુજરાત ટાઇટન્સ તેની બે મેચ 22 અને 25 મેના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમશે જ્યારે એક મેચ 18 મેના રોજ દિલ્હી કેપિટલ્સ સામે નવી દિલ્હી ખાતે રમશે. ગુજરાત તેના ઘરઆંગણે 22મીએ લખનૌ સુપર જાયન્ટ્સ અને 25મીએ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમશે.