આઇપીએલની સાત સિઝનના સાત વિવાદ

Saturday 25th April 2015 07:50 EDT
 
 

IPLની અગાઉની સાત સિઝનના વિવાદ
કોલકાતા: આઈપીએલની આઠમી સિઝન ધીમે ધીમે રંગ જમાવી રહી છે. આઈપીએલે ટ્વેન્ટી૨૦ ફોર્મેટમાં ભારત સહિત સમગ્ર વિશ્વમાં એક અલગ ઓળખ ઊભી કરી છે. આઈપીએલમાં યુવા ખેલાડીઓને પોતાની ટેલેન્ટ બતાવવાનું એક પ્લેટફોર્મ મળી રહ્યું છે ત્યારે ૨૦૦૮થી લઈને ૨૦૧૪ સુધી ઘણા વિવાદ પણ સર્જાયા છે. પરિણામે આઈપીએલની પ્રતિષ્ઠા ખરડાઇ પણ છે. અત્યાર સુધીમાં રમાયેલી સાત સિઝન દરમિયાન થયેલા મુખ્ય વિવાદનો અહીં ઉલ્લેખ છે.
• વર્ષ ૨૦૦૮ઃ બોલર હરભજન સિંહે શ્રીસંતને લાફો માર્યો. આઈપીએલની પ્રથમ સિઝનમાં ૨૫મી એપ્રિલે પંજાબે મુંબઈને પરાજય આપ્યો હતો. આ મેચમાં મુંબઈની હાર બાદ હરભજન સિંહે પોતાનો પિત્તો ગુમાવીને પંજાબના બોલર શ્રીસંતને લાફો માર્યો હતો.
• વર્ષ ૨૦૦૯ઃ આઇપીએલના તત્કાલીન ચેરમેન લલિત મોદી પર આરોપ. ૨૦૦૯માં ભારતમાં લોકસભાની ચૂંટણીને કારણે સાઉથ આફ્રિકામાં ટૂર્નામેન્ટ રમાઈ હતી, પરંતુ તે વખતે આઈપીએલના ચેરમેન રહેલા લલિત મોદી સામે ફોરેન એક્સેચન્જ નિયમોના ઉલ્લંઘનનો આરોપ લાગ્યો હતો.
• વર્ષ ૨૦૧૦ઃ શશી થરુર વિવાદના વંટોળમાં. કોચી ટસ્કર્સ કેરળને આઈપીએલમાં લાવવા માટે મહત્ત્વનો ભાગ ભજવનાર શશી થરુરની ભૂમિકા સ્પષ્ટ થતાં તેમને યુપીએ સરકારના પ્રધાન પદેથી રાજીનામું આપવું પડયું હતું.
• વર્ષ ૨૦૧૧ઃ કોચી ટસ્કર્સ ટૂર્નામેન્ટમાંથી આઉટ. કોચી ટસ્કર્સ ટીમ ફ્રેન્ચાઇઝી આઇપીએલની ફી ભરવામાં નિષ્ફળ જતાં તેને ટૂર્નામેન્ટમાંથી પડતી મૂકવામાં આવી હતી.
• વર્ષ ૨૦૧૨ઃ ‘કિંગ ખાન’ શાહરુખને વાનખેડેમાં પ્રવેશ પર પ્રતિબંધ. કોલકતા નાઇટરાઇડર્સ ટીમ આઈપીએલમાં પ્રથમ વખત ચેમ્પિયન બની ત્યારે જીતની ખુશીમાં ટીમનો માલિક શાહરુખ ખાન પોતાના બાળકો સાથે પીચ પર પહોંચી ગયો હતો. જ્યાં સિક્યુરિટી ગાર્ડે તેને રોકતાં વિવાદ થયો હતો. આ પછી મુંબઈ ક્રિકેટ એસોસિયેશને શાહરુખ ખાન પર વાનખેડે સ્ટેડિયમમાં પ્રવેશવા પર પાંચ વર્ષનો પ્રતિબંધ લગાવ્યો હતો.
• વર્ષ ૨૦૧૩: સ્પોટ ફિક્સિંગનો વિવાદ. રાજસ્થાન રોયલ્સના ત્રણ ખેલાડીઓ શ્રીસંત, અજિત ચંદેલા અને અંકિત ચવ્હાણનની સ્પોટ ફિક્સિંગ મામલે ધરપકડ થઈ હતી. ત્યારબાદ રાજસ્થાન રોયલ્સના સહમાલિક રાજ કુન્દ્રા અને ચેન્નઇ સુપરકિંગ્સ ટીમના પ્રિન્સિપાલ તથા શ્રીનિવાસનના જમાઈ ગુરુનાથ મયપ્પન સામે સ્પોટ ફિક્સિંગ અને મેચને સંબંધિત માહિતી આપવાનો આરોપ મૂકાયો હતો.
• વર્ષ ૨૦૧૪ઃ શ્રીનિવાસનની હકાલપટ્ટી. ૨૦૧૩માં શ્રીનિવાસનના જમાઈ ગુરુનાથ મયપ્પન સામે આરોપ સિદ્ધ થયા બાદ સુપ્રીમ કોર્ટે શ્રીનિવાસનને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)નું અધ્યક્ષ પદ છોડી દેવા ફરજ પાડી હતી. શ્રીનિવાસન્ સામે આઈપીએલમાં થયેલી સ્પોટફિક્સિંગને નજરઅંદાજ કરવાના પણ દોષિત જાહેર કરાયા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter