આઇપીએલનું કાઉન્ટડાઉન શરૂઃ ૨૩ માર્ચે ચેન્નઇ-બેંગ્લોરની ટક્કર

Friday 01st March 2019 11:59 EST
 
 

નવી દિલ્હીઃ ટ્વેન્ટી૨૦ ક્રિકેટના મહાકુંભ તરીકે જાણીતી આઇપીએલ ટૂર્નામેન્ટનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની હજુ બાકી હોવાથી આયોજકોએ માત્ર પહેલા બે સપ્તાહનું ૧૭ મેચનું ટાઇમટેબલ જાહેર કર્યું છે, જે અનુસાર ૨૩ માર્ચે ચેન્નઇ સુપરકિંગ્સ અને બેંગ્લોર રોયલ ચેલેન્જર્સ વચ્ચે મેગા મુકાબલો થશે. આયોજકોએ ટૂર્નામેન્ટના ઝાકઝમાળભર્યા ઉદ્ઘાટન સમારંભ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવાના બદલે આ વખતે તે નાણાં પુલવામા આતંકી હુમલાના શહીદ જવાનોના પરિવારનો ફાળવવાની જાહેરાત કરી છે.
આઇપીએલના ઈતિહાસમાં પહેલી વખત આ રીતે અડધો કાર્યક્રમ જાહેર કરાયો છે. શરૂઆતના બે સપ્તાહમાં કુલ ૧૭ મેચ રમાશે. બાકીની મેચોનો કાર્યક્રમ ચૂંટણી તારીખો જાહેર થયા બાદ જે તે સ્થળોના આયોજકોની સાથે વાતચીત કર્યા બાદ નક્કી કરાશે. પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સના હોમ ગ્રાઉન્ડ પર રમાશે.
આઇપીએલે જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર ૧૭ મુકાબલામાં તમામ ટીમો આમને-સામને ટકરાશે. કાર્યક્રમ અનુસાર દરેક ટીમોને ઘરઆંગણે બે મેચોના આયોજનની તક મળી છે. જ્યારે દિલ્હી એકમાત્ર એવી ટીમ છે, જે ત્રણ મેચોની યજમાની કરશે. બે સપ્તાહમાં આઠ સ્થળોએ મુકાબલા થશે. દરેક ટીમોને ઓછામાં ઓછી ચાર મેચો રમવા મળશે, જ્યારે દિલ્હી અને બેંગ્લોર પાંચ-પાંચ મેચો રમશે.
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે આઇપીએલનો કાર્યક્રમ તો અધરો જાહેર કર્યો જ છે, પરંતુ મેચોનો સમય પણ જાહેર કર્યો નથી. સામાન્ય રીતે આઇપીએલમાં બપોરની મેચ ભારતીય સમય પ્રમાણે સાંજના ૪ વાગ્યાથી અને બીજા રાઉન્ડની રાત્રિ મેચ ૮ વાગ્યાથી શરૂ થતી હોય છે.
લોકસભાની ચૂંટણીને કારણે અગાઉ બે વખત આઇપીએલ મેચો વિદેશમાં યોજવાની ફરજ પડી હતી. ૨૦૦૯માં તો આખી આઇપીએલ સાઉથ આફ્રિકામાં યોજાઈ હતી. જ્યારે ૨૦૧૪માં આઇપીએલની કેટલીક મેચો યુએઈમાં રમાડાઇ હતી.
આ વર્ષે મે મહિનામાં ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપ યોજાઇ રહ્યો હોવાથી આઇપીએલ કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે. અત્યાર સુધી આઇપીએલની મેચો એપ્રિલના પ્રથમ સપ્તાહથી શરૂ થતી હતી. વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ૨૩મી માર્ચને શનિવારથી આઇપીએલની સિઝન શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. ઈંગ્લેન્ડની ભૂમિ પર ૩૦મી મે થી ૧૪મી જુલાઈ સુધી આઇસીસી વન-ડે વર્લ્ડ કપ રમાશે.

ઉદ્ઘાટન સમારંભ નહીં

દર વખતે યોજાતો આઇપીએલનો ઝાકમઝોળભર્યો ઉદ્દઘાટન સમારંભ આ વર્ષે નહીં યોજાય. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)નો વહીવટ સંભાળતી કમિટી ઓફ એડમિનિસ્ટ્રેશન (સીઓએ) દ્વારા નિર્ણય લેવાયો છે કે ઉદ્દઘાટન સમારંભ માટે ફાળવાયેલા નાણાં પુલવામા આતંકી હુમલામાં માર્યા ગયેલા સુરક્ષા જવાનોના પરિવારજનોની મદદ માટે આપી દેવાશે.
ઉલ્લેખનીય છે કે આઇપીએલની ઓપનિંગ સેરેમની હંમેશા યાદગાર રહે છે કારણ કે તેમાં બોલિવૂડના ટોચના સિતારાઓ પર્ફોર્મ કરે છે અને તેની પાછળ જંગી ખર્ચ કરાય છે. જોકે જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારના દુઃખમાં સહભાગી થવા માટે ૧૨મી આઇપીએલના ઉદ્દઘાટન ટાણે સમારંભ નહીં યોજવાનો નિર્ણય લેવાયો છે.

બે સપ્તાહનું સમયપત્રક

-- માર્ચ --
૨૩ ચેન્નઈ વિ. બેંગ્લોર (ચેન્નઈ)
૨૪ કોલકાતા વિ. હૈદરાબાદ (કોલકતા)
૨૪ મુંબઈ વિ. દિલ્હી (મુંબઈ)
૨૫ રાજસ્થાન વિ. પંજાબ (જયપુર)
૨૬ દિલ્હી વિ. ચેન્નઈ (દિલ્હી)
૨૭ કોલકાતા વિ. પંજાબ (કોલકતા)
૨૮ બેંગ્લોર વિ. મુંબઈ (બેંગ્લોર)
૨૯ હૈદરાબાદ વિ. રાજસ્થાન (હૈદરાબાદ)
૩૦ પંજાબ વિ. મુંબઈ (મોહાલી)
૩૧ હૈદરાબાદ વિ. બેંગ્લોર (હૈદરાબાદ)
૩૧ ચેન્નઈ વિ. રાજસ્થાન (ચેન્નઈ)
-- એપ્રિલ --
૧ પંજાબ વિ. દિલ્હી (મોહાલી)
૨ રાજસ્થાન વિ. બેંગ્લોર (જયપુર)
૩ મુંબઈ વિ. ચેન્નઈ (મુંબઈ)
૪ દિલ્હી વિ. હૈદરાબાદ (દિલ્હી)
૫. બેંગ્લોર વિ. કોલકાતા (બેંગ્લોર)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter