ઇંગ્લેન્ડના ભૂતપુર્વ કેપ્ટન ટેડ ડેક્સટરનું નિધન

Wednesday 01st September 2021 11:40 EDT
 
 

લંડનઃ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન ટેડ ડેક્સટરનું બીમારીના કારણે વુલ્વરહેમ્પટન ખાતે નિધન થયું છે. એમસીસીએ આ જાણકારી આપતા કહ્યું હતું કે તાજેતરની બીમારી બાદ ૨૫ ઓગસ્ટે બપોરે વુલ્વરહેમ્પટનના કોમ્પટન હોસ્પીસ ખાતે તેમનું નિધન થયું હતું. આ સમયે તેમનો પરિવાર તેમની સાથે હતો.
મિડલ ઓર્ડર બેટ્સમેન અને મીડિયમ પેસ બોલર ડેક્સટરે ૧૯૫૮થી ૧૯૬૮ની વચ્ચે ૬૨ ટેસ્ટ રમી હતી અને આ દરમિયાન તેમણે ૩૦ મેચમાં ઇંગ્લેન્ડની ટીમનું નેતૃત્વ પણ કર્યું હતું. તેમણે ૪૭.૮૯ની સરેરાશથી ૪૫૦૨ રન બનાવવા ઉપરાંત ૬૬ વિકેટ પણ ઝડપી હતી. પેસ બોલિંગ સામે પોતાનો દબદબો મેળવાનાર ડેક્સટરે નવ સદી ફટકારી હતી, જેમાં છ ઇનિંગ્સ તો ૧૪૦ પ્લસ સ્કોરની રહી હતી. તેમણે ૧૯૫૬થી ૧૯૬૮ સુધી પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં ૨૧ હજાર કરતાં વધારે રન બનાવ્યા હતા અને ૪૧૯ વિકેટ પણ હાંસલ કરી હતી.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ ડેક્સટરના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો અને આઇસીસીના અધિકારી જ્યોફ એર્લાડિસે જણાવ્યું હતું કે ડેક્સટર પોતાના યુગના સૌથી પરંપરાગત બેટ્સમેનોમાંના એક હતા. તેમણે ખેલાડીઓની રેન્કિંગ તૈયાર કરવામાં મદદ કરી હતી જે આજે પણ લોકપ્રિય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter