ઈંદોરમાં ઓસીઝને હરાવી ટીમ ઇન્ડિયા વન-ડે ક્રિકેટમાં નંબર વન

Tuesday 26th September 2017 12:55 EDT
 
 

ઇંદોરઃ રોહિત શર્મા (૭૧) અને અજિંક્ય રહાણે (૫૫)ની પ્રથમ વિકેટ માટે શતકીય ભાગીદારી બાદ હાર્દિક પંડયાની આક્રમક અર્ધી સદી (૭૮)ની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયાને ત્રીજી વન-ડેમાં પાંચ વિકેટે હરાવી પાંચ વન-ડેની સિરીઝમાં ૩-૦ની અજેય લીડ મેળવી છે. આ વિજય સાથે ભારતીય ટીમે વન-ડે રેન્કિંગમાં સાઉથ આફ્રિકાને પછાડી નંબર વનનું સ્થાન મેળવ્યું છે.
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતાં ફિન્ચના ૧૨૪ રન અને સ્મિથના ૬૩ રનની મદદથી નિર્ધારિત ૫૦ ઓવરમાં છ વિકેટે ૨૯૩ રન કર્યા હતા. જવાબમાં ભારતે ૪૭.૫ ઓવરમાં પાંચ વિકેટે લક્ષ્ય હાંસલ કર્યું હતું.

રેન્કિંગમાં સાઉથ આફ્રિકાને પછાડયું

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટે હરાવીને શ્રેણી જીતવાની સાથે જ આઇસીસી વન-ડે રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ શ્રેણીની શરૂઆત પહેલા ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાની સાથે સંયુક્તપણે બીજા સ્થાને હતી. જોકે, ભારતે ઓસ્ટ્રેલિયાને સતત ત્રણ મેચમાં હરાવી સાઉથ આફ્રિકાને પાછળ ધકેલી પ્રથમ સ્થાન મેળવી લીધું છે. હાલમાં ભારતીય ટીમ ૧૨૦ પોઇન્ટ સાથે પ્રથમ, સાઉથ આફ્રિકા ૧૧૯ અને ઓસ્ટ્રેલિયા ૧૧૪ પોઇન્ટ સાથે અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. ભારતીય ટીમે આ સાથે ઓસ્ટ્રેલિયા સામે એક સિરીઝમાં સતત ત્રણ વન-ડે પણ જીતી હતી. આ પહેલાં ભારતીય ટીમ એકેય વખત એક સિરીઝમાં સતત ત્રણ વન-ડે જીતી નહોતી. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ ટેસ્ટમાં પણ નંબર વનનાં સ્થાને છે.

કોહલીનો સતત ચોથો શ્રેણીવિજય

ભારતીય ટીમે કોહલીની કેપ્ટનશિપ હેઠળ સતત ચોથો વન-ડે શ્રેણીવિજય મેળવ્યો છે. આ પહેલાં ભારતે ઇંગ્લેન્ડ સામે ૨-૧થી, વેસ્ટ ઇન્ડીઝ સામે ૩-૧થી, શ્રીલંકા સામે ૫-૦ અને ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં ૩-૦થી શ્રેણીમાં વિજય મેળવ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે હજુ બે મેચ રમવાની બાકી છે અને તે પહેલા જ ભારતીય ટીમે શ્રેણી કબ્જે કરી છે.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter