એક દસકા બાદ ભારત એશિયા હોકી કપ ચેમ્પિયન

Tuesday 24th October 2017 15:18 EDT
 
 

ઢાકાઃ ભારતીય ટીમે એશિયા કપ મેન્સ હોકી ટૂર્નામેન્ટની રોમાંચક ફાઈનલમાં મલેશિયાને ૨-૧થી હરાવીને ટાઇટલ જીતી લીધું છે. આ સાથે જ ભારત ૧૦ વર્ષ બાદ ફરી એક વખત એશિયા કપ ચેમ્પિયન બન્યું છે. ભારતે છેલ્લે ૨૦૦૭માં એશિયા કપમાં ચેમ્પિયન બન્યું હતુ, જે પછી આ પહેલી વખત ભારતીય મેન્સ હોકી ટીમે ટૂર્નામેન્ટ જીતીને નવા વર્ષને ટ્રોફી સાથે આવકાર્યું છે. ૨૨ ઓક્ટોબરે ઢાકામાં રમાયેલી ફાઇનલમાં ભારતીય હોકી ટીમ તરફથી રમનદીપ સિંહે અને ત્યાર બાદ લલિત કુમાર ઉપાધ્યાયે ગોલ ફટકાર્યા હતા. મલેશિયા તરફથી એકમાત્ર ગોલ શહરીલ સાબાહે નોંધાવ્યો હતો.
ભારતે આ સાથે ત્રીજી વખત એશિયા કપ જીતી લીધો છે. આ અગાઉ ભારતે ૨૦૦૩માં પાકિસ્તાનને ૪-૩થી હરાવીને અને ત્યાર બાદ ૨૦૦૭માં ૭-૨થી કોરિયાને હરાવીને એશિયા કપ જીત્યો હતો. આ પછી ૨૦૧૩માં રમાયેલા એશિયા કપમાં ભારત ફાઈનલમાં કોરિયા સામે ૨-૩થી હાર્યું હતું, પણ ભારતે ૨૦૧૭નો એશિયા કપ જીતીને શ્રેષ્ઠતા સાબિત કરી હતી.

ભારતનો દબદબો

એશિયા કપમાં ગત વખતના રનર્સઅપ ભારતને સુપર ફોરમાં સાઉથ કોરિયા સામેની પ્રથમ મેચ ૨-૨થી ડ્રો કરવી પડી હતી. આ પછી ૧૯ ઓક્ટોબરે દિવાળીની રાત્રે રમાયેલી મેચમાં ભારતે ૬-૨થી મલેશિયાને કચડી નાંખ્યું હતું. ભારત તરફથી આકાશદીપ, હરમનપ્રીત, એસ.કે. ઉથપ્પા, ગુરજંત સિંહ, એસ.વી. સુનિલ અને સરદાર સિંહે ગોલ ફટકાર્યા હતા. આ પછી ૨૧ ઓક્ટોબરે ભાઈબીજના દિવસે રમાયેલી મેચમાં ભારતે ૪-૦થી પાકિસ્તાનને કચડી નાંખ્યું હતું. ભારત તરફથી સતબીર, હરમનપ્રીત, ગુરજંત અને લલિત ઉપાધ્યાયે ગોલ ફટકાર્યા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter