ક્લાર્ક અને પત્ની કેલીના છૂટાછેડાઃ ક્લાર્કને સાશા સાથેના સંબંધ નડ્યાં?

Saturday 22nd February 2020 08:06 EST
 
 

મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાને ૨૦૧૫માં વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ કેપ્ટન માઇકલ ક્લાર્કનું અંગત જીવન ખોરંભે પડ્યું છે. માઇકલ ક્લાર્કે તેની પત્ની કેલીથી છૂટાછેડા લીધા છે. ૧૨ ફેબ્રુઆરીએ માઇકલ ક્લાર્કે એક નિવેદનમાં આ જાણકારી આપી હતી. ક્લાર્કે સાત વર્ષ પહેલાં કૈલી સાથે લગ્ન કર્યા હતા અને બંનેને એક પુત્રી પણ છે. જોકે બંને વચ્ચે મનમેળ રહ્યો ન હોવાની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી હતી અને માઇકલ ક્લાર્ક છેલ્લા પાંચ મહિનાથી અલગ મકાનમાં રહેતો હતો. આ વાત મીડિયામાં આવી નહોતી, પરંતુ હવે ક્લાર્કે છૂટાછેડાની વાતને સમર્થન આપતું નિવેદન જારી કર્યું છે.
મીડિયા સાતેન વાતચીતમાં માઇકલ ક્લાર્કે કહ્યું, ‘અમે આ મુશ્કેલ નિર્ણય લીધો છે, થોડા સમયથી છૂટા પડ્યા હોવાથી. અમે અલગ પડી રહ્યા છીએ. અમે એકબીજાને માન આપીએ છીએ અને અમે નિર્ણય કર્યો છે કે બંનેના જુદા થવું તેમના હિતમાં છે.’ ઓસ્ટ્રેલિયન મીડિયામાં એવી ચર્ચા છે કે આ છૂટાછેડા માટે ક્લાર્કે કેલીને ૪૦ મિલિયન ડોલર ચૂકવ્યા છે.
વર્ષ ૨૦૧૮ માં ઓસ્ટ્રેલિયન મીડિયાને ટાંકીને એવા અહેવાલો આવ્યા હતા કે માઇકલ ક્લાર્ક તેની સહાયક સાથે રિલેશનશિપમાં છે. તેની સહાયકનું નામ સાશા આર્મસ્ટ્રોંગ છે, જે તેની ક્રિકેટ એકેડેમી સંભાળે છે. ક્લાર્ક અને સાશાના કેટલાક ફોટોગ્રાફ્સ મીડિયામાં પ્રસિદ્ધ થયા હતા, જેમાં તેઓ લક્ઝરી યાટમાં જોવા મળે છે. તસવીરોમાં બંને વચ્ચે ઘણી નિકટતા હતી. આથી આશંકા વ્યક્ત કરાઇ રહી છે કે ક્લાર્કે આ સંબંધના કારણે તેની પત્ની કેલીને છૂટાછેડા આપી દીધા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter