ટીમ ઇંડિયાએ ઓવલમાં ઓસ્ટ્રેલિયાને રગદોળ્યું

Wednesday 12th June 2019 05:44 EDT
 
 

લંડનઃ ટીમ ઇંડિયાએ વર્લ્ડ કપની ૧૪મી અને પોતાની બીજી લીગ મેચમાં ઓસ્ટ્રેલિયાને ૩૬ રને હરાવીને સતત બીજો વિજય મેળવ્યો છે. રવિવારે ઓવલમાં રમાયેલી મેચમાં ભારતે ટોસ જીતીને પહેલો દાવ લઈને ઓસ્ટ્રેલિયાને વિજય માટે ૩૫૩ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ભારતે શિખર ધવનના ૧૧૭ રનની મદદથી પાંચ વિકેટે ૩૫૨ રન કર્યા હતા. જવાબમાં ડેવિડ વોર્નર તથા સ્ટિવ સ્મિથની અડધી સદી છતાં ઓસ્ટ્રેલિયન ટીમ ૩૧૬ રન જ નોંધાવી શકી હતી.
ભારત તરફથી ભુવનેશ્વર કુમાર અને બુમરાહે ૩-૩ વિકેટ ઝડપીને ઓસ્ટ્રેલિયાના કાંગરા ખેરવી નાખ્યા હતા. મેન ઓફ ધ મેચ ધવનની સદી ઉપરાંત કોહલીએ ૮૨ તથા રોહિત શર્માએ ૫૭ રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. ભારતે આમ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાના સતત ૮ જીતના વિજયરથને રોક્યો છે.

મેચ જીત્યો, પણ ધવન ગુમાવ્યો

ટીમ ઇંડિયાએ મેચ તો જીત્યો છે, પણ શિખર ધવન ગુમાવ્યો છે. આ જ મેચમાં ઇજાગ્રસ્ત શિખર ધવનને ડોક્ટર્સે ત્રણ અઠવાડિયા આરામ કરવા સલાહ આપી છે. બેટિંગ દરમિયાન ડાબા હાથના અંગૂઠામાં ઇજા થતાં ધવનને સોજો આવી ગયો હતો.
મંગળવારે ઇજાગ્રસ્ત હાથનું સ્કેનિંગ કરાયા બાદ ડોક્ટર્સે ઇજાને ગંભીર ગણાવતા તેને ત્રણ સપ્તાહ ક્રિકેટ રમવા મનાઇ ફરમાવી છે. ઓસ્ટ્રેલિયા સામેની મેચના હીરો ધવનને નાથન કુલ્ટર નાઈલનો ઉછળતો બોલ વાગ્યો હતો, પરંતુ ઈજા છતાં તે રમતો રહ્યો હતો. અંગુઠામાં ઇજા સાથે તેણે ૧૧૭ રન ફટકાર્યા હતા. બાદમાં દર્દ વધતાં તે ફિલ્ડીંગમાં પણ ઉતર્યો નહોતો. તેના સ્થાને જાડેજાએ ફિલ્ડીંગ કરી હતી.

હવે ધવનના સ્થાને કોણ?

ભારતીય ટીમ પાસે ઓપનિંગ બેટ્સમેન તરીકે રાહુલનો ઓપ્શન છે. રાહુલે પહેલાં કેટલીક મેચમાં ઓપનિંગ કરી છે. ધવનના સ્થાને ટીમમાં કોને તક મળશે તે હજુ નક્કી થયું નથી, પણ સૂત્રોના મતે, ટીમ તરફથી શ્રેયસ ઐયરનું નામ પણ અપાયું છે. અલબત્ત, હાલની સ્થિતિ જોતાં નિષ્ણાતોનાં મતે ઋષભ પંતને ટીમમાં સામેલ કરી શકાય તેમ છે. જો પસંદગી સમિતિ, કોચ અને કેપ્ટન સર્વસંમત થયા તો દિલ્હીનો ૨૧ વર્ષનો બેટ્સમેન ઋષભ પંત ઇંગ્લેન્ડ જવા રવાના થઇ શકે છે.

ઓવલમાં ધવનનું પ્રદર્શન

ધવને ઓવલમાં કુલ પાંચ મેચ રમી છે. ઓસ્ટ્રેલિયા સામેની મેચ ઉપરાંત પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝ સામે પણ આ મેદાન ઉપર એક-એક મેચ રમી છે. આ પાંચ મેચમાં ધવને ત્રણ સદી અને એક અડધી સદી નોંધાવી છે. ધવને ૨૦૧૭માં શ્રીલંકા સામે ૧૨૮ બોલમાં ૧૨૫ તથા ૨૦૧૩માં વેસ્ટ ઇન્ડિઝ સામે ૧૦૭ બોલમાં ૧૦૨ રન કર્યા હતા.

ધવન સૌથી આગળ

ધવને ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં સદી ફટકારીને અનોખા રેકોર્ડ બનાવ્યા છે. તેણે આ વર્લ્ડ કપમાં પહેલી સદી નોંધાવી હતી. આ સાથે જ તે આઈસીસી ટૂર્નામેન્ટ (ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ કપ)માં સૌથી વધુ સદી કરનારો એક્ટિવ ખેલાડી બન્યો છે. અત્યાર સુધી સચીન અને ગાંગુલી ૭-૭ સદી સાથે પહેલા ક્રમે હતા. ત્યારબાદ ૬ સદી સાથે ધવન, પોન્ટિંગ અને સંગાકારા બીજા સ્થાને હતા. આ તમામ ખેલાડીઓમાંથી હાલ માત્ર શિખર ધવન એક્ટિવ છે જ્યારે બાકીના ખેલાડીઓ નિવૃત્ત થઈ ગયા છે.

હાર્દિક અડધી સદી ચૂક્યો

હાર્દિક પંડયાએ ૨૭ બોલમાં ધમાકેદાર ૪૮ રન કર્યા હતા. તે માત્ર બે રન માટે વર્લ્ડ કપમાં પ્રથમ અડધી સદી ચૂક્યો હતો. તેણે ચાર બાઉન્ડ્રી તથા ત્રણ સિક્સર ફટકારી હતી. કમિન્સની બોલિંગમાં તે કવર ઉપર એરોન ફિન્ચના હાથે કેચઆઉટ થયો હતો. બીજી તરફ કેપ્ટન કોહલીએ વન-ડેમાં ૫૦મી તથા વર્લ્ડ કપમાં બીજી અડધી સદી નોંધાવી હતી. તેણે ૭૭ બોલમાં ૮૨ રન કર્યા હતા. ધોનીએ ૧૪ બોલમાં ૨૭ તથા લોકેશ રાહુલે ત્રણ બોલમાં ૧૧ રન ફટકાર્યા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter