ટીમ ઇંડિયાનો એડિલેડ વિજયઃ ‘મેન ઓફ ધ મેચ’ ચેતેશ્વર

Wednesday 12th December 2018 05:14 EST
 
 

એડિલેડઃ ઓસ્ટ્રેલિયન લોઅર ઓર્ડર બેટ્સમેનોના મરણિયા પ્રયાસ છતાં ટીમ ઇંડિયાએ વિરાટ કોહલીના નેતૃત્વમાં અહીં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ૩૧ રને વિજય મેળવ્યો છે. ટીમ ઇંડિયાએ એડિલેડમાં મેળવેલા આ શાનદાર વિજયમાં સૌરાષ્ટ્રના બેટ્સમેન ચેતેશ્વર પૂજારાનું નિર્ણાયક યોગદાન છે. પ્રથમ ઇનિંગમાં શાનદાર ૧૨૩ રન અને બીજી ઇનિંગમાં ૭૧ રન બનાવનાર ચેતેશ્વર પૂજારાને મેન ઓફ ધ મેચ થયો હતો. આ વિજય સાથે ભારતે ચાર મેચની સિરીઝમાં ૧-૦થી લીડ મેળવી છે.
ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ૧૦ વર્ષ બાદ પ્રથમ વાર કોઈ ટેસ્ટ મેચ જીતી છે. આ પહેલાં ભારતે ૨૦૦૮માં ઓસ્ટ્રેલિયા સામે પર્થ ટેસ્ટ જીતી હતી. જ્યારે એડિલેડ ઓવલમાં ભારતને ૧૫ વર્ષ બાદ જીત મળી છે. આ મેદાન પર છેલ્લે ભારતે ૨૦૦૩માં ટેસ્ટમેચ જીતી હતી. તે વખતે દ્રવિડે ભારતને ચાર વિકેટે યાદગાર જીત અપાવી હતી.
ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયાનો ૧૨મો પ્રવાસ છે, જે પૈકી ૪૫ મેચમાં આ માત્ર છઠ્ઠી જીત છે. આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતાં ૨૫૦ રન કર્યા હતા, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમ ૨૩૫ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે બીજી ઇનિંગમાં ૩૦૭ રન કર્યા હતા. પ્રથમ દાવની ૧૫ રનની સરસાઈ ઉમેરાતાં ઓસ્ટ્રેલિયાને જીત માટે ૩૨૩ રનનો ટાર્ગેટ મળ્યો હતો. લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલા ઓસ્ટ્રેલિયાને ૨૯૧ રનમાં આઉટ કરીને ભારતે ઇતિહાસ રચ્યો છે.
ખરા અર્થમાં ‘ધ વોલ’
એડિલેડમાં અત્યાર સુધીમાં ભારત માત્ર બે જ ટેસ્ટ જીત્યું છે અને યોગાનુયોગ આ બન્ને મેચમાં ભારતના ત્રીજા ક્રમના બેટ્સમેને નિર્ણાયક દેખાવ કરતાં મેન ઓફ ધ મેચ જાહેર થયા હતા. ૨૦૦૩માં ગાંગુલીની કેપ્ટન્સીમાં વિજયી બનેલી ટીમમાં દ્રવિડના પ્રથમ ઈનિંગમાં ૨૩૩ રન અને બીજી ઈનિંગમાં અણનમ ૭૨ રન નિર્ણાયક હતા અને તે મેન ઓફ ધ મેચ બન્યો હતો. આ ઘટનાના ૧૫ વર્ષ બાદ ભારતે ઓસ્ટ્રેલિયાને એડિલેડમાં હરાવ્યું છે, ત્યારે પુજારાની પ્રથમ ઈનિંગના ૧૨૩ રન અને બીજી ઈનિંગના ૭૧ રને નિર્ણાયક ભૂમિકા ભજવી છે અને તે મેન ઓફ ધ મેચ થયો હતો.
ઓસ્ટ્રેલિયાના પૂંછડિયા બેટસમેનોના સંઘર્ષને કારણે ૩૨૩ રનના વિશાળ ટાર્ગેટ છતાં ભારત માત્ર ૩૧ રને હાર્યું હતું. આમ પુજારાની ઈનિંગ ભારતના વિજયમાં પાયારૂપ હતી. પુજારા વિના ભારતની આ ઐતિહાસિક જીત શક્ય જ ન બની હોત. દ્રવિડની નિવૃત્તિ બાદ પુજારાને ‘ધ વોલ’નું ઉપનામ ચાહકોએ આપ્યું હતું, જે તેણે સાર્થક કર્યું છે.

પુજારાની વિનમ્રતાઃ જીતનો શ્રેય બોલર્સને

એડિલેડમાં ભારતની ઐતિહાસિક જીતમાં મહત્વની ભૂમિકા ભજવનારા ચેતેશ્વર પુજારાએ મેચ બાદ ખુબ વિનમ્રતા સાથે કહ્યું હતું કે, જીતનો શ્રેય ખરેખર તો ભારતીય બોલર્સને ફાળે જવો જોઈએ. પુજારાએ ઊમેર્યું કે, ઓસ્ટ્રેલિયામાં અગાઉ રમવાનો અનુભવ આ વખતે મને ખુબ જ કામ લાગ્યો. મેં તેના આધારે જ તૈયારીઓ પણ કરી હતી. જોકે મને લાગે છે કે, અમારી ટીમના બેટીંગ યુનિટે હજુ પણ રમતમાં સુધારો કરવાની જરૂર છે. પુજારાએ કહ્યું કે, આ વિજય માટે માટે ખુબ જ મહત્વનો છે. આઠ વર્ષનો હતો, ત્યારથી મારા પિતા (અરવિંદ પુજારા)એ મને ક્રિકેટનું કોચિંગ આપવાનું શરૂ કર્યું હતું. મને વિશ્વાસ છે કે, તેઓ આજે મારા પર ગર્વ અનુભવતા હશે.

ભારતીય ટીમની જીતના હીરો

ચેતેશ્વર પૂજારા: પૂજારાએ આ મેચની પ્રથમ ઇનિંગમાં ૧૨૩ રન બનાવ્યા હતા જ્યારે બીજી ઇનિંગમાં મહત્ત્વપૂર્ણ ૭૧ રન બનાવ્યા હતા.
અશ્વિન: ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂકતાં પ્રથમ ઇનિંગમાં ૩૪ ઓવરમાં ૫૭ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે બીજી ઇનિંગમાં ૫૨.૫ ઓવરમાં ૯૨ રન આપીને ત્રણ વિકેટ મેળવી હતી.
શમી: પેસ બોલર શમીએ આ મેચમાં કુલ પાંચ વિકેટ ઝડપી હતી. શમીએ ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગમાં ૧૬.૪ ઓવરમાં ૫૮ રન આપી બે વિકેટ ઝડપી. બીજી ઇનિંગમાં તેણે ૨૦ ઓવરમાં ૬૫ રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી.
બુમરાહ: પેસ બોલર જસપ્રીત બુમરાહનું પણ આ મેચમાં ઘણું યોગદાન રહ્યું હતું. તેણે આ મેચમાં છ વિકેટ ઝડપી હતી. પ્રથમ ઇનિંગમાં બુમરાહે ૨૪ ઓવરમાં ૪૭ રન આપી ત્રણ અને બીજી ઇનિંગમાં ૨૪ ઓવરમાં ૬૮ રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી.
ઋષભ પંત: આ મેચમાં વિકેટકીપિંગ કરનાર ઋષભ પંતના વિકેટ પાછળના યોગદાનને ભૂલી શકાય તેમ નથી. પંતે આ ટેસ્ટમાં ૧૧ કેચ ઝડપી ટેસ્ટમાં સૌથી વધુ કેચ ઝડપવાના રેકોર્ડની બરાબરી કરી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter