ટી20 સિરીઝઃ ભારતનો ઈંગ્લેન્ડ સામે ૨-૧થી શ્રેણીવિજય

Tuesday 10th July 2018 14:51 EDT
 
 

બ્રિસ્ટલઃ ઓપનર રોહિત શર્માની ટી૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રીજી સદી અને વિરાટ કોહલીના ૪૩ રનની મદદથી ભારતીય ટીમે યજમાન ઇંગ્લેન્ડને સાત વિકેટે હરાવીને ત્રણ મેચની સિરીઝ ૨-૧થી જીતી છે.
રવિવારે રમાયેલી મેચમાં ટોસ ગુમાવીને પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી ઇંગ્લેન્ડની ટીમે ઓપનર જેસન રોયના ૬૮, બટલરના ૩૪ અને હેલ્સના ૩૦ રનની મદદથી ૨૦ ઓવરમાં નવ વિકેટ ગુમાવી ૧૯૮ રન કર્યા હતા. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ ચાર વિકેટ ઝડપી હતી. ૧૯૯ રનના જવાબમાં ભારતે રોહિત શર્માના અણનમ ૧૦૦ અને કોહલીના ૪૩ રનની મદદથી ૧૮.૪ ઓવરમાં વિજય હાંસલ કર્યો હતો.

રોહિતની બેવડી સિદ્ધિ

રોહિત આંતરરાષ્ટ્રીય ટી૨૦ ક્રિકેટમાં ત્રણ સદી ફટકારનાર વિશ્વનો ત્રીજો બેટ્સમેન બન્યો છે. ન્યૂઝીલેન્ડના કોલિન મુનરોએ પણ ત્રણ સદી ફટકારી છે. આ ઉપરાંત તેણે આ મેચમાં ૧૯ રન બનાવવાની સાથે ટી૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨,૦૦૦ રન પૂર્ણ કરવાની સિદ્ધિ મેળવી હતી. રોહિત શર્મા ભારતનો બીજો અને વિશ્વનો પાંચમો બેટ્સમેન બન્યો છે. રોહિતે ૨૦૦૦ રન ૧૪૭૬ બોલમાં પૂર્ણ કર્યા છે અને તે બોલની દૃષ્ટિએ વિરાટ કરતા આગળ નીકળી ગયો છે. કોહલીએ ૧૪૮૪ બોલમાં બે હજાર રન પૂર્ણ કર્યા છે.

ધોનીના પાંચ કેચ

ધોનીએ આ મેચમાં પાંચ કેચ ઝડપ્યા હતા, જે ટી૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં માત્ર બીજી વખત બન્યું છે. ધોનીએ આ મેચમાં જેસન રોય, એલેક્સ હેલ્સ, મોર્ગન બેરિસ્ટો અને પ્લીકેના કેચ ઝડપ્યા હતા. આ સાથે તેણે ટી૨૦માં કેચની અર્ધી સદી પૂર્ણ કરી હતી. તેના હવે ટી૨૦ ઇન્ટરનેશનલ મેચમાં બાવન કેચ થઈ ગયા છે.

સતત છઠ્ઠો શ્રેણીવિજય

ભારતે આ સાથે સતત છઠ્ઠી સિરીઝ પોતાના નામે કરી હતી. ભારતીય ટીમે ગત વર્ષે નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડ સામે ઘરેલુ સિરીઝમાં જીત મેળવી હતી. આ પછી શ્રીલંકા સામે ૩-૦થી સાઉથ આફ્રિકા સામે ૨-૧થી જીત મેળવી હતી. જ્યારે શ્રીલંકામાં યોજાયેલી ત્રીકોણીય ચેમ્પિયન સિરીઝમાં ચેમ્પિયન બની હતી અને આયર્લેન્ડ સામે ૨-૦થી સિરીઝ પણ પોતાના નામે કરી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter