ટોક્યો પેરાલિમ્પિક: પાંચ ગોલ્ડ સહિત ૧૯ મેડલ જીતીને ભારતે ઇતિહાસ રચ્યો

Wednesday 08th September 2021 06:01 EDT
 
 

નવી દિલ્હીઃ જપાનની રાજધાની ટોક્યોમાં રવિવારે સંપન્ન થયેલા પેરાલિમ્પિક રમતોત્સવમાં અંતિમ દિવસે ભારતે વધારે બે મેડલ હાંસલ કર્યા તે સાથે ભારતીય ખેલાડીઓએ ૧૯ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. જપાનના યજમાનપદે યોજાયેલા રમતોત્સવમાં ભારતીય ખેલાડીઓએ વિવિધ કેટેગરીમાં કુલ પાંચ ગોલ્ડ, આઠ સિલ્વર અને છ બ્રોન્ઝ મેડલ જીત્યા છે. દિવ્યાંગ ખેલાડીઓના આ મહાકુંભમાં ભારતીય એથ્લીટ્સે શાનદાર પ્રદર્શન કરીને એક નવું સીમાચિન્હ સ્થાપિત કરી દીધું છે. અત્યાર સુધીના પેરાલિમ્પિક્સમાં ભારતનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
આ અગાઉ ભારતે ૫૩ વર્ષમાં ૧૧ પેરાલિમ્પિક્સમાં ભાગ લેતાં કુલ ૧૨ મેડલ જીત્યા હતા, અર્થાત ટોક્યો ગેમ્સમાં ભારતે પાછલી તમામ ગેમ્સમાં જીતેલા મેડલની તુલનાએ ૪૨ ટકા વધારે મેડલ હાંસલ કર્યા છે. ટોક્યો પેરાલિમ્પિકમાં મેડલની શરૂઆત મહેસાણાની ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે સિલ્વર મેડલ સાથે કરી હતી અને ૧૯મો મેડલ રવિવારે બેડમિન્ટન ખેલાડી કૃષ્ણા નાગરે ગોલ્ડ મેડલના રૂપમાં અપાવ્યો હતો.
સૌથી વધુ ૮ મેડલ એથ્લેટિક્સમાં
ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતના ખેલાડીઓએ સૌથી વધારે આઠ મેડલ એથ્લેટિક્સમાં મેળવ્યા છે, જેમાં એક ગોલ્ડ, પાંચ સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ સામેલ છે. શૂટિંગમાં બે ગોલ્ડ, એક સિલ્વર અને બે બ્રોન્ઝ સહિત પાંચ મેડલ મળ્યા છે. બેડમિન્ટનમાં બે ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ સહિત ચાર મેડલ મળ્યા છે. આ ઉપરાંત ટેબલ ટેનિસમાં એક સિલ્વર અને આર્ચરીમાં એક બ્રોન્ઝ મેડલ મળ્યો છે. ૨૦૧૬ રિયો પેરાલિમ્પિક્સમાં ભારતને બે ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ મળી કુલ ચાર મેડલ મળ્યા હતા, તે અગાઉનું બેસ્ટ પરફોર્મન્સ હતું.
ચીન પહેલા ક્રમે, બ્રિટન બીજા સ્થાને
રવિવારે પૂર્ણ થયેલી ટોક્યો પેરાલિમ્પિક્સમાં ચીનના ખેલાડીઓએ તેમની સર્વોપરિતા સતત જાળવી રાખી હતી. ચીને ૯૬, ગોલ્ડ, ૬૦ સિલ્વર અને ૫૧ બ્રોન્ઝ મેડલ સાથે કુલ ૨૦૭ મેડલ હાંસલ કરીને નંબર વન દેશ બન્યો હતો. બીજા ક્રમે ગ્રેટ બ્રિટન ૪૧ ગોલ્ડ, ૩૮ સિલ્વર અને ૪૫ બ્રોન્ઝ સહિત કુલ ૧૨૪ મેડલ સાથે બીજા ક્રમે રહ્યું હતું. ત્રીજા ક્રમે યુનાઈટેડ સ્ટેટ્સે ૩૭ ગોલ્ડ, ૩૬ સિલ્વર અને ૩૧ બ્રોન્ઝ સાથે કુલ ૧૦૪ મેડલ મેળવ્યા હતા.
ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન
ભારતીય ટીમે ટોક્યો ઓલિમ્પિક્સમાં આ વર્ષે સાત મેડલ હાંસલ કર્યા હતા, જે તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. તેના પછી ટીમ ઇન્ડિયાએ પેરાલિમ્પિક્સમાં પણ ઇતિહાસ રચી દીધો છે. તેમણે પાંચ ગોલ્ડ, આઠ સિલ્વર અને છ બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે. કુલ ૧૯ મેડલ સાથે ભારત ટોક્યો પેરાલિમ્પિક્સની મેડલ ટેલિમાં ૨૪મા સ્થાને રહ્યું છે. નોંધનીય છે કે ભારત તરફથી નવ અલગ અલગ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં ૫૪ પેરા એથ્લીટે ભાગ લીધો હતો. ટોક્યો અગાઉ કોઈ પેરાલિમ્પિક્સમાં ભારત ગોલ્ડ કે સિલ્વર કે બ્રોન્ઝ મેડલ બેથી વધારે મેળવી શક્યું નહોતું. ભારતે ટોક્યોમાં આ ત્રણે મેડલમાં નવો રેકોર્ડ સ્થાપિત કરી દીધો છે.
અવિસ્મરણીય સિદ્ધિઃ વડા પ્રધાન
ભારતીય પેરા-એથ્લીટ્સના શાનદાર પ્રદર્શનની પ્રસંસા કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતની ઐતિહાસિક મેડલ જીત દરેકેદરેક ભારતીયની યાદમાં કોતરાઈ જશે અને એથ્લીટ્સની પેઢીઓને પ્રેરણા આપશે.
અવનિએ અપાવ્યો પ્રથમ ગોલ્ડ
પેરા-શૂટર અવનિ લેખરાએ દેશને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. જયપુરની આ મહિલા શૂટરે મહિલાઓ માટેની ૧૦ મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ એસએચ૧ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અવનિએ ફાઇનલમાં ૨૪૯.૬ પોઇન્ટ મેળવ્યા હતા. તેણે વિશ્વવિક્રમની પણ બરાબર કરી હતી.
સુહાસ પ્રથમ આઇએએસ અધિકારી
ટોક્યો પેરાલિમ્પિક્સમાં બેડમિન્ટનમાં સુહાસે ભારતને ત્રીજો મેડલ અપાવ્યો હતો. ગૌતમ બુદ્ધ નગર (નોઇડા)ના ૩૮ વર્ષીય જિલ્લાધિકારી (ડીએમ) તરીકે ફરજ બજાવતા સુહાસ પેરાલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતનારો પ્રથમ આઇએએસ અધિકારી બન્યો છે. સુહાસે રવિવારે સિલ્વર મેડલ જીતીને ભારતના મેડલના ટોટલને ૧૮ ઉપર પહોંચાડ્યો હતો.
પહેલા ફક્ત ત્રણ ગોલ્ડ જીત્યા હતા
ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતે જીતેલા પાંચ ગોલ્ડ મેડલમાં કૃષ્ણા નાગરની પહેલા પ્રમોદ ભગતે બેડમિન્ટનમાં, મનીષ નરવાલે નિશાનેબાજીમાં, સુમિત અંટિલે ભાલાફેંકમાં અને અવનિ લેખરાએ નિશાનેબાજીમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યાં હતાં. ગોલ્ડ મેડલ વિજેતાઓની વાત કરીએ તો કૃષ્ણા નાગર પેરાલિમ્પિક્સમાં અત્યાર સુધીમાં ગોલ્ડ જીતનારો આઠમો ભારતીય ખેલાડી હતો. ભારતને પેરાલિમ્પિકમાં પ્રથમ ગોલ્ડ મેડલ ૧૯૭૨માં મુરલીકાંત પેટકરે અપાવ્યો હતો. તે પછી દેવેન્દ્ર ઝાઝરિયાએ ૨૦૦૪માં એથેન્સમાં અને ૨૦૧૬માં રિયોમાં ભાલાફેંકમાં ભારતને ગોલ્ડ મેડલ અપવ્યા હતા. ૨૦૧૬માં રિયો ગેમ્સમાં જ મરિયપ્પન થંગાવેલુંએ ઊંચા કૂદકામાં ભારતને ગોલ્ડ અપાવ્યો હતો.
સુમિત અંટિલે વિશ્વ વિક્રમ સાથે જીત્યો ગોલ્ડ
ભારતના સ્ટાર એથ્લીટ સુમિત અંટિલે પુરુષોની ભાલફેંક સ્પર્ધા એફ૬૪માં વિશ્વવિક્રમ રચવા સાથે સાથે ગોલ્ડ મેડલ પણ જીતી લીધો હતો. તેણે ૬૮.૫૫ મીટરનો થ્રો કરીને ઇતિહાસ રચ્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter