દિગ્ગજ ઓલરાઉન્ડર ક્રિસ કેઈન્સને બંને પગે પેરાલિસીસ

Thursday 02nd September 2021 11:46 EDT
 
 

કેનબેરાઃ ન્યૂઝીલેન્ડના એક સમયના દિગ્ગજ ઓલરાઉન્ડર ક્રિકેટર ક્રિસ કેઈન્સને બંને પગે પેરાલિસીસ થઈ ગયો છે. કેનબેરામાં વસતાં કેઇન્સને ધોરી નસ અંદરથી ફાટી જતાં બેભાન હાલતમાં સારવાર માટે સિડનીની હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સર્જરી કરવામાં આવી હતી, જે પછી તેને કરોડરજ્જુમાં સ્ટ્રોક આવ્યો હતો. આ પછી તે પેરાલિસીસનો ભોગ બન્યો હતો.
૫૧ વર્ષનો કેઈન્સ કેનબેરામાં આવેલા તેના ઘરે પાછો ફર્યો છે. જોકે તેની હાલત અત્યંત ગંભીર છે, એમ તેના વકીલ આરોન લોઈડને ટાંકીને એક ન્યૂઝીલેન્ડ મીડિયાના રિપોર્ટમાં જણાવાયું છે. રિપોર્ટ અનુસાર, જણાવે છે કે, સિડનીમાં કેઈન્સનો જીવ બચાવવા માટે ઇમરજન્સી સર્જરી કરાઇ હતી. આ દરમિયાન જ તેને કરોડરજ્જુમાં સ્ટ્રોક આવ્યો હતો અને તેના કારણે તેના બંને પગે પેરાલિસીસ થઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયાની કરોડરજ્જુ અંગેની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેની હાલતમાં નોંધપાત્ર સુધારો થયો છે, પણ તેને સંપૂર્ણપણે ભયમુક્ત કહી ન શકાય.
ન્યૂઝીલેન્ડના એક સમયના દિગ્ગજ ઓલરાઉન્ડર કેઈન્સે તેની કારકિર્દીમાં ૬૨ ટેસ્ટમાં ૩,૩૨૦ રન કરવાની સાથે ૨૧૮ વિકેટ ઝડપી હતી. જ્યારે ૨૧૫ વન-ડેમાં તેણે ૪૯૫૦ રનની સાથે ૨૦૧ વિકેટ મેળવી હતી. તેણે બે ટી-૨૦ ઈન્ટરનેશનલમાં પણ ભાગ લીધો હતો. કેઈન્સના પિતા લાન્સ કેઈન્સ પણ ન્યૂઝીલેન્ડ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂક્યા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter