બીજી ટી૨૦માં પણ વિન્ડીઝનો પરાજયઃ ભારતની ૨-૦થી અજેય સરસાઇ

Monday 05th August 2019 11:11 EDT
 
 

લાઉડર હિલ (ફ્લોરિડા)ઃ અમેરિકાના ફ્લોરિડા સ્ટેટના લાઉડર હિલમાં રમાયેલી બીજી ટવેન્ટી૨૦ મેચમાં પણ વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ટીમ ઇંડિયાએ ૩ મેચની સિરિઝમાં ૨-૦થી અજેય સરસાઇ મેળવી છે. રવિવારે સેન્ટ્રલ બ્રોવાર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમમાં બીજી ટી૨૦માં ભારતે ટોસ જીતીને પહેલાં બેટિંગ લીધી હતી. ભારતે ઓપનર રોહિત શર્માની અડધી સદીના સહારે ૨૦ ઓવરમાં પાંચ વિકેટ ૧૬૭ રન બનાવ્યા હતા. આમ વેસ્ટ ઇન્ડિઝને વિજય માટે ૧૬૮ રનનો લક્ષ્યાંક મળ્યો હતો.

વેસ્ટ ઇન્ડિઝે ૧૫.૩ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ૯૮ રન કર્યા હતા. આ સમયે ખરાબ વાતાવરણને કારણે મેચ અટકાવવી પડી હતી. મેચના આ નિર્ણાયક તબક્કે પોલાર્ડ ૮ રને અને શિમરોન હેટમાયર ૬ રને મેદાનમાં હતા. જોકે ખરાબ મોસમના કારણે મેચ ફરી શરૂ થઇ શકે તેમ ન હોવાથી ડકવર્થ લૂઇસના નિયમ મુજબ પરિણામ જાહેર થયું હતું. નિયમ અનુસાર ૧૬૮ રનના લક્ષ્યાંકનો પીછો કરતાં વિન્ડીઝે આ સમયે ૧૫.૩ ઓવરમાં ૧૨૦ રન બનાવવા જરૂરી હતા. જોકે તેણે ૯૮ રન જ કર્યા હોવાથી ભારતને ૨૨ રને વિજયી જાહેર કરાયું હતું.

પ્રથમ ટી૨૦

લો-સ્કોરિંગ બનેલી પ્રથમ ટ્વેન્ટી૨૦ મેચમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને ચાર વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી હતી. ત્રીજી ઓગસ્ટે રમાયેલી મેચમાં વેસ્ટ ઇન્ડિઝના નવ વિકેટે ૯૫ રનના જવાબમાં ભારતે ૧૭.૨ ઓવરમાં છ વિકેટના ભોગે ૯૮ રન કરીને વિજયી પ્રારંભ કર્યો હતો. ભારતની ઇનિંગ્સમાં મુખ્ય યોગદાન રોહિત શર્માના ૨૪ રનનું હતું. કોહલી તથા પાંડેએ ૧૯-૧૯ રન કર્યા હતા. ટી૨૦માં ભારત સામે વેસ્ટ ઇન્ડિઝનો આ લોએસ્ટ સ્કોર હતો. આ પહેલાં ૨૦૧૮માં કોલકતાના ઇડન ગાર્ડન્સમાં કેરેબિયન ટીમે ૧૦૯ રન કર્યા હતા. વિન્ડીઝ માટે પોલાર્ડે ૪૯ રનનું યોગદાન આપ્યું હતું. ભારત માટે નવદીપ સૈનીએ ડેબ્યૂ મેચમાં ૧૭ રનમાં સર્વાધિક ત્રણ વિકેટ ખેરવી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter