મુંબઇને હરાવી ગુજરાત પ્રથમ વખત રણજી ચેમ્પિયન

Monday 16th January 2017 12:12 EST
 
 

ઇન્દોરઃ કેપ્ટન પાર્થિવ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાતની ટીમે ૪૧ વખતના ચેમ્પિયન મુંબઇને હરાવી પહેલી વખત રણજી ટ્રોફી ટાઇટલ જીત્યું છે. પાર્થિવ પટેલે કેપ્ટન ઇનિંગ્સ રમતાં વિષમ પરિસ્થતિમાં નોંધાવેલી સદીની મદદથી ગુજરાતે મુંબઈને પાંચ વિકેટે પરાજય આપ્યો હતો. ગુજરાતને આ ગૌરવ અપાવનાર પાર્થિવ પટેલે ૨૪ ચોગ્ગા સાથે ઝમકદાર ૧૪૩ રન ફટકાર્યા હતા.
વિજય માટે મળેલા ૩૧૨ રનના લક્ષ્યાંકને ગુજરાતે પાંચ વિકેટના ભોગે હાંસલ કરીને મેચના પાંચમા અને અંતિમ દિવસ ૧૩ જાન્યુઆરીએ ઐતિહાસિક જીત મેળવી હતી. આ સાથે જ ગુજરાતની ટીમ રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બનનાર ૧૬મી ટીમ બની છે. ગુજરાત આ પહેલાં ૧૯૫૦-૫૧માં રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોંચી હતી તે વખતે હોલકર (અત્યારના મધ્ય પ્રદેશની) ટીમ સામે પરાજય થયો હતો.
રણજી ટ્રોફીના ઇતિહાસમાં માત્ર બીજી વખત ફાઇનલમાં પહોંચલી ગુજરાતને ૩૧૨ રનનો જંગી ટાર્ગેટ મળ્યો હતો. સામે ૪૧ વખતની ચેમ્પિયન મુંબઈની ટીમ હતી અને તેની સામે ગુજરાતનો રેકોર્ડ પણ ઘણો નિરાશાજનક રહ્યો હતો. આથી શરૂઆતમાં દબાણ ગુજરાતની ટીમ પર હતું અને ૮૯ રનના સ્કોરે ત્રણ વિકેટ પણ ગુમાવી દીધી હતી. આ સમયે કેપ્ટન પાર્થિવ પટેલે ટીમને મુશ્કેલીમાંથી ઉગારતાં મનપ્રીત જુનેજા સાથે ૧૧૬ રનની ભાગીદારી નોંધાવી ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. મનપ્રીત ૫૪ રન બનાવીને આઉટ થયા બાદ પાર્થિવ પટેલે રુજુલ ભટ્ટ સાથે ૯૪ રનની ભાગીદારી નોંધાવતાં ટીમને વિજયની નજીક પહોંચાડી હતી. પાર્થિવ પટેલ ૧૪૩ રન બનાવીને આઉટ થયા બાદ રુજુલ ભટ્ટ અને ચિરાગ ગાંધીએ ઔપચારિકતા પૂર્ણ કરતાં ગુજરાતને ચેમ્પિયન બનાવ્યું હતું.

વિજયનો વિશ્વાસ હતોઃ પાર્થિવ

ગુજરાતે વિજય પંથે દોરી ગયેલા કેપ્ટન પાર્થિવ પટેલે કહ્યું હતું કે સિઝન પહેલાં અમારી તૈયારીઓ ઘણી સારી હતી જેને કારણે અમારો દેખાવ સારો રહ્યો હતો. અમે ખુશ છીએ કે, પ્રથમ વખત રણજી ટ્રોફી જીતવામાં સફળ રહ્યા છીએ. ૩૧૨ રનનો લક્ષ્યાંક આસાન નહોતો, પરંતુ અમે જાણતા હતા કે મેચ જીતી શકીએ તેમ છીએ ત્યારે મેં પ્રયાસ કર્યો અને આક્રમક તેમજ કેટલાક જોખમભર્યા શોટ રમ્યા હતા જેનો ફાયદો મળ્યો. મુંબઈ સામેની આ ઇનિંગ મારી કારકિર્દીની સૌથી શ્રેષ્ઠ ઇનિંગ પૈકી એક હતી.

ખરાબ ફિલ્ડિંગથી હાર્યાઃ આદિત્ય

મુંબઇ રણજી ટીમના ટીમના કેપ્ટન આદિત્ય તરેએ પરાજય બાદ કહ્યું હતું કે મેચમાં અમારી ફિલ્ડિંગ ઘણી ખરાબ રહી હતી જેને કારણે અમે હાર્યા હતા. અમારા બોલરોએ સારી બોલિંગ કરી હતી, પરંતુ ફિલ્ડરોનું ખરાબ પ્રદર્શન ખરાબ રહ્યું હતું. પ્રથમ ઇનિંગમાં અમે મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા હતા, પરંતુ બીજી ઇનિંગમાં અમે સારી બેટિંગ કરતાં મોટો સ્કોર કર્યો હતો. જોકે હાર મળતાં બહુ દુઃખ થયું છે.

ગુજરાત તમામ ફોર્મેટમાં ચેમ્પિયન

ગુજરાતની ટીમ સી. કે. નાયડુ, સૈયદ મુસ્તાક અલી, વિજય હઝારે ટૂર્નામેન્ટમાં અગાઉ ચેમ્પિયન બની હતી જ્યારે હવે રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બનતાં ગુજરાતે ડોમેસ્ટિક ક્રિકેટના તમામ ફોર્મેટ જેમ કે, ટ્વેન્ટી૨૦ વન-ડે અને પાંચ દિવસીય મેચમાં ચેમ્પિયન બની છે. ગુજરાતે ૨૦૧૫-૧૬માં સી. કે. નાયડુ વન-ડે ટ્રોફી જીતી હતી. આ પૂર્વે વર્ષ ૨૦૧૨-૧૩માં અને ૨૦૧૪-૧૫માં સૈયદ મુસ્તાક અલી ટી-૨૦ ચેમ્પિયનશિપ જીતી હતી. જ્યારે ૨૦૧૫-૧૬માં વિજય હઝારે ટ્રોફી પર કબજો જમાવ્યો હતો. ગુજરાત હવે રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બનતાં ત્રણેય નેશનલ ટાઇટલ જીતનાર પાંચમી ટીમ બની છે. ગુજરાત પહેલાં તામિલનાડુ, બરોડા, બંગાળ અને ઉત્તર પ્રદેશ આ સિદ્ધિ મેળવી ચૂક્યાં છે. પાર્થિવ પટેલ ત્રણેય ટ્રોફી જીતનાર પ્રથમ કેપ્ટન પણ બની ગયો છે.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter


અમારા માટે અમૂલ્ય છે આપનો અભિપ્રાય

વાચક મિત્રો,

યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરમાં પત્રકારત્વનો અભ્યાસ કરી રહેલાં દિપાલી લિંબાચીયા હાલમાં ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઈસ’માં અખબાર પ્રકાશન ક્ષેત્રે કામગીરીનો અનુભવ મેળવી રહ્યા છે. તેમણે વાચકોની પસંદ-નાપસંદ, તેમને ગમતા વિષયોની જાણકારી મેળવવા એક નાનકડી પ્રશ્નોતરી તૈયાર કરી છે. આપ આપના કિંમતી સમયમાંથી થોડીક મિનિટો ફાળવીને આ પ્રશ્નોત્તરીના જવાબ આપશો તો અમે આપના આભારી થઇશું.

- પ્રશ્નોત્તરીનો ઓનલાઇન જવાબ આપવા માટે ક્લિક કરો આ વેબલિન્કઃ http://www.abplgroup.com/AAA-Assets/R-D/Dipali-Limbachia


- તંત્રી