મુકેશ અંબાણી હવે ફૂટબોલના મેદાનમાં

રિલાયન્સ જૂથના સર્વેસર્વા લિવરપૂલ ક્લબ ખરીદવાની સ્પર્ધામાં

Saturday 19th November 2022 07:18 EST
 
 

લંડન: ક્રિકેટવિશ્વમાં આગવું સ્થાન ધરાવતી આઇપીએલ (ઇંડિયન પ્રીમિયર લીગ)માં મુંબઇ ઇંડિયન્સની માલિકી ધરાવતા દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી હવે ફૂટબોલના મેદાનમાં ઉતરવા માટે સજ્જ થઇ રહ્યા છે. રિલાયન્સ જૂથના સર્વેસર્વા મુકેશ અંબાણી દુનિયાની પ્રસિદ્ધ ઇંગ્લિશ ફૂટબોલ ક્લબ લિવરપૂલ એએફસી ખરીદવાની સ્પર્ધામાં ઉતર્યા છે.

અગ્રણી દૈનિક ‘ધ મિરર’માં પ્રકાશિત અહેવાલ મુજબ ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઈપીએલ) ક્લબના વર્તમાન માલિક ફેનવે સ્પોર્ટ્સ ગ્રૂપ (FSG) લિવરપૂલને વેચવા માગે છે. ગ્રૂપે ઓક્ટોબર 2010માં મર્સીસાઇડ ક્લબની ખરીદી કરી હતી. અહેવાલો અનુસાર FSG પોતાની ક્લબને ચાર બિલિયન પાઉન્ડ (આશરે 381 બિલિયન રૂપિયા)માં વેચવા માગે છે. રિપોર્ટ અનુસાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક અને મેનેજિંગ ડિરેક્ટર અંબાણીએ ક્લબ વિશે તમામ જાણકારી પ્રાપ્ત કરી છે. ‘ફોર્બ્સ’ના રેટિંગમાં દુનિયાના આઠમા નંબરના ધનિક તરીકે બિરાજમાન અંબાણીના મુંબઇ સ્થિત વડા મથક કે કંપની સાથે જોડાયેલા લોકો તરફથી આ વિશે હજુ પુષ્ટિ કરાઇ નથી. અંબાણીની સંપત્તિ કુલ 90 બિલિયન પાઉન્ડ હોવાનો અંદાજ છે.

થર્ડ પાર્ટીએ ખરીદવામાં રસ દાખવ્યો : એફએસજી
2010માં લિવરપૂલ ક્લબનું સુકાન સંભાળનારી FSGએ સપ્તાહની શરૂઆતમાં ફુટબોલ જગતને ચોંકાવી દીધું હતું. તેણે કહ્યું હતું કે તે પોતાની ક્લબને વેચવા માટે તૈયાર છે અને બોલીની રાહ જોઇ રહ્યું છે. FSGએ નિવેદનમાં કહ્યું હતું કે, ઇપીએલ ક્લબોની માલિકીમાં તાજેતરમાં ઘણા પરિવર્તનો જોવા મળ્યા છે અને માલિકીમાં પરિવર્તનની ઘણી અફવાઓ પણ છે. FSG હેઠળ જર્ગેન ક્લોપની ટીમને ઘણી સફળતા પ્રાપ્ત થઇ છે. જેમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રીમિયર લીગ ખિતાબ, ચેમ્પિયન્સ લીગ, એફએ કપ, કારાબાઓ કપ અને યુરોપિયન સુપર કપમાં વિજય સામેલ છે.
યુએસ-મિડલ ઇસ્ટમાંથી પણ ઓફર
અમેરિકા અને મિડલ ઇસ્ટના દેશોમાંથી પણ ક્લબના અધિગ્રહણ માટે રસ જોવા મળી રહ્યો છે. મુકેશ અંબાણીની કંપની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) ક્રિકેટ ટીમ મુંબઇ ઇન્ડિયન્સની માલિક છે અને ઇન્ડિયન સુપર લીગ ફૂટબોલ સ્પર્ધા આયોજિત કરવા ઉપરાંત અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘની વ્યવસાયિક ભાગીદાર પણ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter