મેરેથોન દોડમાં પુરુષો કરતાં મહિલા સ્પર્ધકોનું વધેલું પ્રમાણ

સ્ત્રીઓની પ્રથમ મેરેથોન દોડનો આરંભ લોસ એન્જલસમાં ૧૯૮૪ની સમર ઓલિમ્પિક્સથી કરાયોઃ ૧૯૦૮માં લંડનમાં ઓલિમ્પિક ગેમ્સ વેળાએ દોડનું અંતર વધારાઈને ૨૬.૨ માઈલઃ

Wednesday 09th October 2019 02:55 EDT
 
 

લંડનઃ મેરેથોન દોડ સ્ત્રી અને પુરુષોની દોડશક્તિ અને સહનશક્તિનું માપ દર્શાવે છે ત્યારે આ સ્પર્ધામાં ભાગ લેનારી સ્ત્રીસ્પર્ધકોની સંખ્યા પુરુષો કરતાં વધતી જાય છે. આજે મેરેથોન દોડનારી સ્ત્રીઓની સંખ્યા ૫૦ ટકા કરતા વધી છે. એક અભ્યાસ અનુસાર સ્ત્રીસ્પર્ધકોનું પ્રમાણ ૧૯૮૬માં ૨૦ ટકા હતું, જે ૨૦૧૮માં વધીને ૫૦ ટકાથી થોડું ઉપર હતું. અભ્યાસનું અન્ય તારણ એ છે કે દોડવીરની સરેરાશ વય પણ વધી છે. ૨૦૧૮માં સામાન્ય દોડવીર સરેરાશ ૩૯.૨ વર્ષના અને મેરેથોન દોડવીરની સરેરાશ વય ૪૦ વર્ષની હતી.

ડેનિશ ફર્મ ‘રન રીપિટ’ અને ‘ઈન્ટરનેશનલ એસોસિયેશન ઓફ એથેલેટિક્સ ફેડરેશન’ના સંયુક્ત અભ્યાસ અનુસાર મેરેથોન દોડના ઈતિહાસમાં સૌપ્રથમ વખત ૨૦૧૮માં પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ વધુ રહ્યું હતું. મહિલા મેરેથોન દોડવીરની સંખ્યા નાટ્યાત્મકપણે વધી છે. ૧૯૮૬માં મેરેથોન દોડનારી સ્ત્રીઓનું પ્રમાણ માત્ર ૨૦ ટકા હતું જે, ૧૯૧૮માં સૌપ્રથમ વધીને ૫૦ ટકાથી થોડું ઉપર ગયું હતું.

અન્ય મહત્ત્વનું તારણ એ છે કે મેરેથોન દોડવીરની સરેરાશ વય પણ વધી છે. મેરેથોન દોડવીરની સરેરાશ વય ૧૯૮૬માં ૩૮ વર્ષ હતી જે, ૨૦૧૮માં વધીને ૪૦ વર્ષની થઈ હતી. ૧૯૮૬માં સામાન્ય દોડવીરની સરેરાશ વય ૩૫.૨ વર્ષની હતી જે, ૨૦૧૮માં વધીને ૩૯.૩ વર્ષ થઈ હતી. મહિલા દોડવીરની સરેરાશ વય ૩૯ વર્ષ અને પુરુષ દોડવીની સરેરાશ વય ૪૦ વર્ષની રહી હતી.

પુરુષ અને સ્ત્રીની સંખ્યામાં ભારે બદલાવ આવતા મેરેથોન આયોજકો પણ મૂંઝવણમાં પડ્યા છે. તેઓ કહે છે કે આજના મેરેથોન દોડવીર પોતાનો દોડવાનો સમય મહત્તમ કરવાના બદલે અનુભવ હાંસલ કરવામાં વધુ રસ ધરાવે છે. સિદ્ધિનું વિશેષ મહત્ત્વ રહ્યું નથી. યુવાવર્ગ જિમ, ક્રેસફિટ, યોગ અને બાઈકિંગની સાથે ટુંકી અને મેનેજ થઈ શકે તેવી દોડમાં વધુ ભાગ લેતા થયો છે.

સ્ત્રીઓની પ્રથમ મેરેથોન દોડનો આરંભ લોસ એન્જલસમાં ૧૯૮૪ની સમર ઓલિમ્પિક્સથી કરવામાં આવ્યો હતો. મહિલા દોડવીરની સૌથી વધુ ૫૯ ટકા સંખ્યા આઈસલેન્ડમાં છે તે પછી ૫૮ ટકા સાથે યુએસ આવે છે અને તે પછીન્ ક્રમે કેનેડા, આયર્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા છે. પુરુષ દોડવીરની સૌથી વધુ સંખ્યા સ્વીટ્ઝર્લેન્ડ, જાપાન, ભારત, ઈટાલી અને કોરિયામાં છે. પુરુષ અને સ્ત્રી બંને માટે મેરેથોન પૂર્ણ કરવાનો સરેરાશ સમય પણ ઊંચે ગયો છે. પુરુષો માટે ૧૯૮૮માં સરેરાશ ફિનિશ ટાઈમ ત્રણ કલાક અને ૪૫ મિનિટ હતો જે, ૨૦૧૮માં વધીને ચાર કલાક અને ૨૧ મિનિટ થયો હતો. સ્ત્રીઓ માટે ૧૯૮૮માં સરેરાશ ફિનિશ ટાઈમ ચાર કલાક અને ૧૩ મિનિટ હતો જે, ૨૦૧૮માં વધીને ચાર કલાક અને ૫૧ મિનિટ થયો હતો.

મેરેથોન દોડ બાબતે દંતકથા એવી છે કે પર્શિયન આર્મી હુમલો કરવા આવી રહ્યું છે તેની ચેતવણી આપવા ફિલિપ્પાઈડસ નામની વ્યક્તિ મેરેથોન નગરથી દોડીને એથેન્સ પહોંચી હતી. મેરેથોનથી એથેન્સ વચ્ચેનું અંતર લગભગ ૨૫ માઈલ છે. પ્રથમ ઓલિમ્પિક ગેમ્સ ૧૮૯૬માં રમાઈ ત્યારે પ્રથમ મેરેથોન સ્પર્ધા થઈ હતી જેમાં ૪૦,૦૦૦ મીટર અથવા ૨૪.૮૫ માઈલ અંતર હતું. આ સ્પર્ધામાં ૨૫ દોડવીરે ભાગ લીધો હતો અને નવ સ્પર્ધક ફિનિશલાઈન પાર કરી શક્યા હતાં. વિજયી ફિનિશ ટાઈમ બે કલાક ૫૮ મિનિટનો હતો. ૧૯૦૮માં લંડનમાં ઓલિમ્પિક ગેમ્સ રમાઈ ત્યારે રોયલ પરિવારના બોક્સને સમાવી લેવાય તેની ચોકસાઈ સાથે અંતર વધારાઈને ૨૬.૨ માઈલ કરાયું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter