યુરો ફૂટબોલ કપમાં પરાજયના પગલે ઈંગ્લિશ સમર્થકોનું તોફાન અને હાથાપાઈ

Wednesday 14th July 2021 05:37 EDT
 
 

લંડનઃ રવિવાર, ૧૧ જુલાઈએ યુરો કપ ૨૦૨૦ની ફાઈનલમાં પરાજય બાદ ઇંગ્લિશ ફૂટબોલ સમર્થકો ઇટાલિયન ફેન્સ સાથે મરામારીમાં ઉતરી આવ્યા હતા. પિકાડિલી સર્કસ અને લિસેસ્ટર સ્ક્વેર પાસે ઇંગ્લેન્ડ અને ઈટાલીના દર્શકો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. પોલીસે મહામહેનતે સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ૧૯ પોલીસ ઓફિસર ઈજાગ્રસ્ત થયા હતા અને ૪૯ લોકોની ધરપકડ કરાઈ હતી. ફાઈનલમાં પહોંચીને ઇંગ્લેન્ડની ટીમે વિશ્વભરમાં વાહ વાહ મેળવી હતી, પરંતુ, સમર્થકોની નીચલા સ્તરની હરકતોએ ટીમના પ્રદર્શન ઉપર કાળી ટીલી લગાવી દીધી હતી. સમર્થકોએ પોતાના ખેલાડીઓને રંગભેદી ટીપ્પણીઓના શિકાર બનાવ્યા હતા. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને આ હરકતને વખોડી કાઢી હતી.

ઇંગ્લેન્ડ ૫૫ વર્ષથી કોઈ મેજર ટાઇટલ જીતી શક્યું નથી અને હોમગ્રાઉન્ડમાં ફાઈનલ રમાતી હોવાના કારણે ઇંગ્લિશ સમર્થકોને પોતાના દેશની ટીમ પાસેથી મોટી આશા હતી. ઇંગ્લેન્ડના સમર્થકો હજારોની સંખ્યામાં વેમ્બલી સ્ટેડિયમ પહોંચી ગયા હતા. પેનલ્ટી શૂટઆઉટમાં પરિણામ પોતાની ટીમની તરફેણમાં ના આવતા આ ઇંગ્લિશ સમર્થકોએ વેમ્બલી સ્ટેડિમની આસપાસ આતંક મચાવ્યો હતો અને રસ્તાઓ ઉપર ગુડાંગીરી કરીને ઇટાલિયન સમર્થકો ઉપર લાતો તથા મુક્કા વરસાવ્યા હતા. ફુટબોલ ફેન્સે સ્ટેડિયમની બહાર બોટલો ફેંકીને તથા ઈટાલી વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શનો કર્યા હતા. આ દરમિયાન ઈટાલી અને ઇંગ્લેન્ડના ફેન્સ સામ-સામે આવી ગયા હતા અને એકબીજા સાથે હાથાપાઈ પણ કરી હતી.  વેમ્બલી સ્ટેડિયમની બહાર નીકળી રહેલા ઇટાલિયન સમર્થકોને મારી કપડાં ફાડી નાંખ્યાં હતા તેમજ એશિયન અને અશ્વેત લોકોને ટાર્ગેટ બનાવ્યા હતા. પોલીસે મહામહેનતે આવા અસામાજિક તત્વોને શાંત પાડ્યા હતા.

પોતાના જ ખેલાડીઓની રંગભેદી ટીપ્પણીઓ

પેનલ્ટી શૂટઆઉટ ચૂકવા સાથે પરાજય માટે જવાબદાર ઇંગ્લેન્ડના ત્રણ ખેલાડી માર્કસ રશફોર્ડ, બુકાયો સાકા અને જેડન સાંચો પણ સોશિયલ મીડિયામાં ઇંગ્લિશ સમર્થકોની રંગભેદી ટીપ્પણીઓના શિકાર બન્યા હતા. ઈંગ્લિશ ફૂટગોલ સમર્થકોએ પોતાના જ ખેલાડીઓ માટે રંગભેદી કરી હતી. આ સંદર્ભે વડા પ્રધાન બોરિસ જ્હોન્સને પણ આકરી ઝાટકણી કાઢતા ટ્વિટ કર્યું હતું કે આ પ્રકારના નિમ્નસ્તરીય વ્યવહાર કરનારા લોકોને પોતાના ઉપર શરમ આવવી જોઈએ. દરમિયાન, ઈંગ્લિશ ખેલાડી માર્કસ રશફોર્ડે જણાવ્યું હતું કે તે પેનલ્ટીને ગોલમાં ન ફેરવી શકવા બાબતે લોકોની ટીકાઓ સહન કરવા તૈયાર છે પરંતુ, હું કોણ છું અને ક્યાંથી આવ્યો છું તે મુદ્દે માફી માગવા જરા પણ તૈયાર નથી. માન્ચેસ્ટરના વિધિંગ્ટન ખાતે રેશફોર્ડના મ્યુલરને લોકોએ બગાડી નાખ્યું હતું.

ફાઇનલ મેચની શરુઆતથી જ પોલીસ અને ફુટબોલ ફેન્સ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. વેમ્બલી સ્ટેડિયમ બહાર યુરો કપની ફાઇનલ મેચના કિકઓફ સમયે ટિકિટ વગરના દર્શકો પણ સ્ટેડિયમમાં ધસી આવ્યા હતા. લગભગ ૧૦ હજાર કરતાં વધારે સમર્થકો સ્ટેડિયમની બહાર એકત્ર થયા હતા. સમગ્ર લંડનમાં મેચ પહેલાં જ ફાસ્ટફૂડ તથા બિયરના કેન્સ તથા બોટલ્સ સહિત વિવિધ ગંદકીનો ઢગલો ખડકાયો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter