ભારત જૂનિયર હોકી વર્લ્ડ કપમાં ચેમ્પિયન

Wednesday 21st December 2016 05:05 EST
 
 

લખનઉઃ ભારતની જૂનિયર હોકી ટીમે રવિવારે ૧૫ વર્ષ જૂના ઈતિહાસનું પુનરાવર્તન કર્યું છે. ભારતે રવિવારે મેજર ધ્યાનચંદ મેદાનમાં રમાયેલા જૂનિયર હોકી વર્લ્ડ કપમાં બેલ્જિયમને પરાજય આપીને ફરી એક વખત ટાઇટલ કબ્જે કર્યું છે. ફાઈનલમાં ભારતે આક્રમક રમત દાખવતા બેલ્જિયમને ૨-૧થી રગદોળીને ૧૫ વર્ષ બાદ ફરી આ સિદ્ધિ હાંસલ કરી છે.
ભારતે મેચ શરૂ થયાની આઠમી મિનિટે જ પહેલો ગોલ કરીને તેના આક્રમક અંદાજનો પરચો દેખાડ્યો હતો. ગુરજંત સિંહે પહેલો ગોલ કરીને ભારતને લીડ અપાવી હતી. ત્યારબાદ મેચની ૨૨મી મિનિટે સિમરનજીત સિંહે બીજો ગોલ કરીને ભારતનો વિજય નક્કી કરી લીધો હતો. મેચના પહેલા હાફમાં જ ભારત તરફથી બે ગોલ કરવામાં આવતા બેલ્જિયમની ટીમ દબાણમાં આવી ગઈ હતી. આ પછી મેચની ૭૮મી મિનિટ સુધી બેલ્જિયમની ટીમ ગોલ કરવા માટે સંઘર્ષ કરતી રહી. આ દરમિયાન બેલ્જિયમે ૭૮મી મિનિટે એક ગોલ કર્યો અને થોડી સરસાઈ મેળવવાનો પ્રયાસ કર્યો. જોકે જર્મન ખેલાડીઓ બાકીની થોડીક મિનિટમાં બીજો ગોલ કરવામાં ફાવ્યા નહીં અને ભારતે ફરીથી ઈતિહાસ રચ્યો. આમ ભારતે બીજી વખત જૂનિયર હોકી વર્લ્ડ કપ પોતાના નામે કરી લીધો હતો.

ભારત ત્રીજી વખત ફાઈનલમાં

અત્યાર સુધીમાં ભારતીય ટીમ ત્રણ વખત જૂનિયર હોકી વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી છે. ૨૦૦૧માં ઓસ્ટ્રેલિયાના હોબાર્ટમાં ભારતે આર્જેન્ટિનાને ૬-૧થી પરાજય આપીને ટ્રોફી પોતાના નામે કરી હતી. તે પહેલાં ૧૯૯૭માં ઈંગ્લેન્ડમાં રમાયેલાં વર્લ્ડ કપ દરમિયાન ઓસ્ટ્રેલિયાએ ભારતને પરાજય આપ્યો હતો. આ ઉપરાંત ૧૧ વર્ષ પહેલાં રોટરડમમાં બ્રોન્ઝ મેડલના મુકાબલા દરમિયાન સ્પેને પેનલ્ટી શૂટઆઉટમાં ભારતને પરાજય આપ્યો હતો.

૧૧ વર્ષ જૂનો પરાજય સરભર: કોચ હરેન્દ્ર સિંહ

ભારતીય ટીમના કોચ હરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, ૧૧ વર્ષ જૂનો પરાજય સરભર કરવા માટે આ વખતે અવસર પ્રાપ્ત થયો હતો. આ વખતની ટીમના ખેલાડીઓમાં વિજયની ભૂખ જોવા મળી રહી હતી. આ કારણે જ આ ખેલાડીઓ ખાલી હાથે પાછા ફરે તેમ જણાતું નહોતું. બંને ટીમ આક્રમક રમત માટે જાણીતી હતી તેથી ટક્કર બરાબર જામશે તેમ લાગતું હતું. ૧૧ વર્ષ પહેલાંની હાર હજી પણ મને ખૂંચતી હતી. અમે આકરી મહેનત કરીને આ ટીમ તૈયાર કરી હતી. અમે આ લોકોને એક ટીમ તરીકે રમતા શીખવ્યું હતું. મેં ખેલાડીઓને કહ્યું હતું કે, આપણે મેડલ જીતવાનો છે અને તેનો રંગ કયો હશે તે હવે તમારે નક્કી કરવાનું છે.

મેદાન પર ચક દે મોમેન્ટ

બેલ્જિયમને હરાવતાની સાથે જ કેપ્ટન હરજીત સિંહના નેતૃત્વમાં ટીમના ખેલાડીઓએ ભાંગડા કરવા સાથે ઉજવણી શરૂ કરી દીધી હતી. અખિલેશ યાદવે ભારતની વિજેતા ટીમને વર્લ્ડ કપ ટ્રોફી આપી હતી. ૧૦,૦૦૦ ચાહકોથી ખીચોખીચ ભરેલા સ્ટેડિયમમાં પણ દર્શકો ઉજવણીના મૂડમાં આવી ગયા હતા. બીજી તરફ ૧૧ વર્ષે પરાજયનો બદલો લેવામાં સફળતાથી ટીમના કોચ હરેન્દ્ર સિંહ ખુશ હતા. પોતાના માથેથી પરાજયનો ભાર ઉતરી ગયો હોવાથી હરેન્દ્ર સિંહ પોતાના આંસુઓને કાબૂમાં રાખી શક્યા નહોતા.

આ ખેલાડીઓ છવાયા

ફાઈનલ મેચમાં ભારતને વિજય અપાવવા બદલ ગુરમંત સિંહને પ્લેયર ઓફ ધ ફાઈનલ જાહેર કરાયો હતો. આ ટૂર્નામેન્ટમાં દરેક મેચમાં અલગ અલગ ખેલાડીઓ ઊભરી આવ્યા હતા. ગુરજંત સિંહ, મંદીપ સિંહ જેવા સ્ટ્રાઈકરની રમત હોય કે પછી મીડફિલ્ડ પર ટીમના કેપ્ટન હરજીત સિંહનું પોતાનું પ્રદર્શન હોય. તમામ છવાઇ ગયા હતા. દીપસન તીર્કી અને હરમનપ્રિત સિંહે ડિફેન્ડર તરીકે પોતાની પ્રતિભા રજૂ કરી હતી. સેમિ-ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ગોલકીપર વિકાસ દહિયા સુપરસ્ટાર બન્યો હતો.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter


અમારા માટે અમૂલ્ય છે આપનો અભિપ્રાય

વાચક મિત્રો,

યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરમાં પત્રકારત્વનો અભ્યાસ કરી રહેલાં દિપાલી લિંબાચીયા હાલમાં ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઈસ’માં અખબાર પ્રકાશન ક્ષેત્રે કામગીરીનો અનુભવ મેળવી રહ્યા છે. તેમણે વાચકોની પસંદ-નાપસંદ, તેમને ગમતા વિષયોની જાણકારી મેળવવા એક નાનકડી પ્રશ્નોતરી તૈયાર કરી છે. આપ આપના કિંમતી સમયમાંથી થોડીક મિનિટો ફાળવીને આ પ્રશ્નોત્તરીના જવાબ આપશો તો અમે આપના આભારી થઇશું.

- પ્રશ્નોત્તરીનો ઓનલાઇન જવાબ આપવા માટે ક્લિક કરો આ વેબલિન્કઃ http://www.abplgroup.com/AAA-Assets/R-D/Dipali-Limbachia


- તંત્રી