લોર્ડ કમલેશ પટેલ YCCCના નવા ચેરમેનઃ ધરમૂળ ફેરફારની ખાતરી

Wednesday 17th November 2021 05:01 EST
 
 

લંડનઃ યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ (YCCC)ને ધમરોળી રહેલા રેસિઝમ કૌભાંડના પગલે રોજર હટને ચેરમેનપદેથી રાજીનામું આપ્યું હતું અને લોર્ડ કમલેશ પટેલને નવા ચેરમેન તરીકે નિયુક્ત કરાયા હતા. રેસિઝમ કૌભાંડ મુદ્દે રિપોર્ટમાં પૂર્વ કાઉન્ટી ખેલાડી અઝીમ રફિકે રંગભેદી કનડગત અને ધાકધમકીના આક્ષેપો સાચા હોવાનું બહાર આવ્યા પછી મુખ્ય સ્પોન્સરોએ ક્લબ સાથે છેડો ફાડ્યો હતો અને રાજકીય દબાણ વધ્યું હતું. આમ છતાં, યોર્કશાયર ક્લબે શિસ્તભંગના કોઈ પગલા નહિ લેતા ભારે હોબાળો મચ્યો હતો.

ક્લબના નવા ચેરમેન તરીકે નિયુક્ત થયા પછી લોર્ડ કમલેશ પટેલે જણાવ્યું હતું કે ક્લબે તેની ભૂલોમાંથી શીખવાનું છે. ભરોસો પાછો મેળવી કોમ્યુનિટીઓ સાથે સંબંધોનું નવનિર્માણ કરવાનું છે. લોર્ડ પટેલે તાકીદના અને ધરમૂળ ફેરફારોની પણ ખાતરી આપી છે. ઉલ્લેખનીય છે કે લોર્ડ પટેલે કામગીરી સંભાળવાની સાથે જ ક્લબે અઝીમ રફિકને રેસિયલ ભેદભાવ અને કનડગત બદલ છ આંકડાની રકમનું વળતર આપવાની ઓફર કરી હતી. રફિકે આ જાહેરાતને આવકારી હતી. લોર્ડ પટેલ અને રફિક વચ્ચે છ કલાક લાંબી મીટિંગ ચાલી હતી. લોર્ડ પટેલે રેસિઝમ સામે આગળ આવવામાં રફિકની હિંમતને બિરદાવી હતી.

પૂર્વ ચેરમેન હટને નિવેદનમાં જણાવ્યું હતું કે બોર્ડના એક્ઝિક્યુટિવ મેમ્બર્સ અને સીનિયર મેન્જમેન્ટના સભ્યો માફી માગવા ઈચ્છુક ન હતા. તેમણે કહ્યું હતું કે,‘હું અઝીમની બીનશરતી માફી માગું છું. અમે પરિસ્થિતિની ગંભીરતા સમજવા તથા કાળજી અને પસ્તાવો દર્શાવવા બોર્ડના એક્ઝિક્યુટિવ મેમ્બર્સને સમજાવી ન શક્યા મતે બદલ દિલગીર છીએ.’ હટને ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)ની ટીકા કરતા કહ્યું હતું કે રફિકના આક્ષેપોની જાણ થતાં જ તેમણે ECBનો સંપર્ક સાધ્યો હતો પરંતુ, તેઓ કોઈ પગલાં લેવા ખચકાતા હતા અને મદદનો ઈનકાર કરી દીધો હતો.

લોર્ડ કમલેશ પટેલ ૧૯૬૦ના દાયકાની શરૂઆતમાં કેન્યાથી બ્રેડફોર્ડ આવ્યા ત્યારે તેમની વય એક વર્ષની હતી. બાળપણથી ક્રિકેટ સાથે સંકળાયેલા રહેવાથી તેઓ આજે જે સ્થાને છે ત્યાં પહોંચ્યા છે. તેઓ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના સીનિયર ઈન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર બનનારા પ્રથમ બ્રિટિશ એશિયન છે. લોર્ડ પટેલે ઈનર-સિટી બ્રેડફોર્ડમાં સોશિયલ વર્કર તરીકે ડ્રગ મિસયુઝ અને માનસિક આરોગ્યની સમસ્યાઓ મુદ્દે પાયાનું કામ કર્યું છે. તેમને ૧૯૯૯માં OBE એવોર્ડ એનાયત કરાયો હતો અને ૨૦૦૬માં બેરોન પટેલ ઓફ બ્રેડફોર્ડના ટાઈટલ સાથે આજીવન ઉમરાવ બનાવાયા હતા. તેમણે ગોર્ડન બ્રાઉન સરકારમાં મિનિસ્ટર તરીકે પણ સેવા આપી છે.

(રેસિઝમ મુદ્દે કપિલ દૂદકીઆની કોલમ પાન નંબર ૪ પર વાંચવા વિનંતી છે. )


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter