વન-ડે ટીમમાં પંડ્યા, બુમરાહ, પટેલને સ્થાન, યુવરાજ આઉટ

Wednesday 16th August 2017 11:22 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પસંદગીકારોએ શ્રીલંકા સામેની પાંચ વન-ડે અને એક ટ્વેન્ટી-૨૦ સિરિઝ માટેની ટીમમાં ઓલરાઉન્ડર યુવરાજ સિંહને સામેલ કર્યો નથી. જ્યારે સ્પિનર રવિન્દ્ર જાડેજા અને અશ્વિનની સાથે સાથે મીડિયમ પેસર ઉમેશ યાદવ અને મોહમ્મદ શમીને આરામ આપવાનો નિર્ણય લીધો છે.
ભારતીય ટીમમાં લોકેશ રાહુલ અને મનીષ પાંડેએ એન્ટ્રી મેળવી છે. તો વડોદરાના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાની સાથે ગુજરાતના અક્ષર પટેલ અને જસપ્રીત બુમરાહને પણ ટીમોમાં સ્થાન આપવામાં આવ્યું છે.
શ્રીલંકા પ્રવાસમાં ભારત યજમાન ટીમ સામે તારીખ ૨૦મી ઓગસ્ટે દમ્બુલ્લામાં પ્રથમ વન-ડે મેચ રમશે. ભારતીય ટીમમાં શાર્દૂલ ઠાકુર, યજુવેન્દ્ર ચહલને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
ભારત છેલ્લે જૂન-જુલાઈમાં વિન્ડિઝ સામે રમ્યું હતું તે ટીમ અને હાલની ટીમમાં સાત ફેરફારો જોવા મળી રહ્યા છે. રોહિત શર્માને ટીમના વાઈસ કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે કેપ્ટન કોહલીએ વન-ડેમાં પણ સુકાન સંભાળવાનો નિર્ણય લીધો છે. ભારતે રિષભ પંત અને દિનેશ કાર્તિક જેવા ક્રિકેટરોને ટીમમાંથી પડતા મૂક્યા હતા.
ભારતીય ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શીખર ધવન, રાહુલ પાંડે, રહાણે, ધોની, જાધવ, હાર્દિક પંડયા, અક્ષર પટેલ, ચહલ ઠાકુર, બી. કુમાર, કુલદીપ, બુમરાહ


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter