વર્લ્ડ કપની હાર પછીના કેટલાક દિવસો અત્યંત કપરા હતાઃ કોહલી

Monday 05th August 2019 10:33 EDT
 
 

લાઉડરહિલઃ આઇસીસી વર્લ્ડ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીતવા માટે હોટ ફેવરિટ ગણાતી ટીમ ઈન્ડિયા સેમી-ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે આઘાતજનક ધબડકા બાદ હારીને બહાર ફેંકાઈ હતી. કરોડો ભારતીય ક્રિકેટચાહકોના દિલ તોડી નાંખનારા આ પરાજયના ત્રણ સપ્તાહ બાદ કેપ્ટન કોહલીએ કહ્યું છે કે વર્લ્ડ કપની સેમી-ફાઈનલમાંથી બહાર ફેંકાઇ જવું ખૂબ જ આઘાતજનક હતું. તેણે કહ્યું હતું કે અન્ય ટીમો ફાઈનલની તૈયારી કરી રહી હતી, જ્યારે અમે બહાર ફેંકાઈ ચૂક્યા હતા. આ પરિસ્થિતિ અમારા માટે અસહ્ય હતી. તે દિવસો પસાર કરવા અત્યંત મુશ્કેલ હતા. રોજ સવારે ઊઠતાંની સાથે પરાજ્યની હતાશા ઘેરી વળતી હતી.
મીડિયા સાથેની વાતચીતમાં કોહલીએ કહ્યું કે, વર્લ્ડ કપ રમાઇ રહ્યો હતો, ત્યાં સુધી અમારી હાલત આવી જ રહી હતી. જોકે, ધીરે ધીરે કળ વળી. અમે પ્રયાસ કર્યો હતો અને જિંદગી પણ તેની લયમાં ફરી ગોઠવાઈ ગઈ. અમે પ્રોફેશનલ ખેલાડીઓ છીએ અને અમારે સતત આગળ વધતા રહેવાનું હોય છે. દરેક ટીમો વર્લ્ડ કપ બાદની સફર શરૂ કરી ચૂકી છે અને અમે પણ તેમાંથી બાકાત નથી. આજે જ્યારે પાછા વળીને વર્લ્ડ કપ તરફ જોઇએ છીએ ત્યારે રંજ અનુભવાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter