વર્લ્ડ કપ વિજયનું વિરાટ સ્વપ્ન રોળાયુંઃ ભારત ટૂર્નામેન્ટમાંથી આઉટ

Thursday 11th July 2019 05:45 EDT
 
 

માન્ચેસ્ટરઃ ભારતનું વધુ એક વખત ક્રિકેટ વર્લ્ડ કપ જીતવાનું સપનું રોળાયું છે. ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે બુધવારે રમાયેલી વર્લ્ડ કપની પહેલી સેમિ-ફાઈનલમાં પરાજય થતાં જ ભારત ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઇ ગયું છે. ન્યૂઝીલેન્ડે ૧૮ રને વિજય સાથે ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. મંગળવારે શરૂ થયેલી સેમિ-ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કર્યું હતું. વરસાદના વિઘ્નથી અડધી મેચ બીજા દિવસે રમાઇ હતી. ન્યૂઝીલેન્ડે ભારતને ૨૪૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો જોકે વિશ્વમાં શ્રેષ્ઠ ગણાતું ભારતનું ટોપ ઓર્ડર સેમિ-ફાઈનલમાં કૌવત દાખવી શક્યું નહોતું.

૪૫ મિનિટની ખરાબ રમતથી હાર્યા

સેમિ-ફાઇનલમાં પરાજય બાદ વ્યથિત કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, ‘૪૫ મિનિટની ખરાબ રમતે અમને બહાર કરી દીધા. આ સ્વીકારવું મુશ્કેલ છે. ધોનીના રનઆઉટથી પરિણામમાં અંતર વધ્યું. જાડેજાએ શાનદાર પ્રદર્શન કર્યું.’ ઉલ્લેખનીય છે કે ટૂર્નામેન્ટ અગાઉ કોહલીએ કહ્યું હતું કે ૨૫૦ રન પણ ડિફેન્ડ કરી શકાય છે. સેમિ-ફાઇનલમાં આ વાત સાચી સાબિત થઈ.
મેચમાં ન્યૂઝીલેન્ડે ૮ વિકેટના ભોગે ૨૩૯ રન કર્યા હતા. જેમાં રોઝ ટેલરના ૭૪ રન મુખ્ય હતા. જવાબમાં ટીમ ઇન્ડિયાએ પ્રથમ કલાકમાં ૧૦ ઓવરમાં ૨૪ રનમાં જ ૪ વિકેટ ગુમાવી દીધી હતી. ધોનીનું ૪૯મી ઓવરમાં રનઆઉટ થવું ટર્નિંગ પોઇન્ટ રહ્યું. ટીમ ઇન્ડિયા ૪૯.૩ ઓવરમાં ૨૨૧ રન કરી આઉટ થઈ હતી. ૩૭ રન આપી ૩ વિકેટ લેનાર હેનરી મેન ઓફ ધ મેચ રહ્યો. ન્યૂઝીલેન્ડ સતત બીજી વાર ફાઇનલમાં પહોંચ્યું છે.

ત્રીજી વખત સેમિ-ફાઇનલમાં

મેચના બીજા દિવસે ન્યૂઝીલેન્ડ ૪૬.૧ ઓવરમાં ૫ વિકેટે ૨૧૧ રનથી આગળ રમવાનું શરૂ કર્યું. તેમણે ૨૩ બોલમાં માત્ર ૨૮ રન કર્યા અને ૩ વિકેટ ગુમાવી હતી. ન્યૂઝીલેન્ડે ભારતને ૨૪૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો. વિજય સાથે જ ન્યૂઝીલેન્ડ સતત બીજી વખત વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચ્યું હતું. માન્ચેસ્ટર ખાતે ન્યૂઝીલેન્ડ વર્લ્ડ કપની આ ત્રીજી સેમિ-ફાઈનલ રમ્યું હતું. આ મેદાન ઉપર અત્યાર સુધી બે સેમિ-ફાઈનલ હારનાર ન્યૂઝીલેન્ડે ત્રીજી સેમિ-ફાઈનલ જીતી લીધી હતી. આ સતત બીજી ઘટના છે જ્યારે ભારત સેમિ-ફાઈનલમાં પરાજિત થઈને વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું છે. ૨૦૧૫માં ઓસ્ટ્રેલિયાએ તેને સેમિ-ફાઈનલમાં પરાજય આપ્યો હતો.

ધોની-જાડેજા ઝઝૂમ્યા પણ...

ભારત માટે આ ટાર્ગેટ ખાસ મોટો નહોતો પણ ટીમના ટોપ ઓર્ડરનો ધબડકો અને મિડલ ઓર્ડરના આયોજન વગરના પરફોર્મન્સને કારણે પરાજય થયો હતો. માત્ર પાંચ રનમાં ત્રણ વિકેટ પડી ગઇ હતી. રોહિત શર્મા, રાહુલ અને વિરાટ માત્ર ૧-૧ રન બનાવીને પેવેલિયન ભેગા થઈ ગયા હતા. એક તબક્કે ૯૨ રનમાં ૬ વિકેટ પડી ગઈ હતી. જોકે જાડેજા (૭૭) અને ધોની (૫૦)એ સાતમી વિકેટ માટે મોરચો સંભાળીને કુલ ૧૧૬ રનની ભાગીદારી નોંધાવી હતી.

જોકે આ પીચમાં ટાર્ગેટ મુશ્કેલ હતો

જાણકારોના મતે ઓલ્ડ ટ્રેફર્ડની પીચ ઉપર ૨૪૦ રનનો ટાર્ગેટ મુશ્કેલ હતો, કારણ કે વરસાદ અને ભેજવાળા વાતાવરણના કારણે પીચ બેટ્સમેન માટે રમવા યોગ્ય જ નહોતી. શરૂઆતના સમયમાં બોલ વધુ ઝડપી આવતા હતા અને ઝડપી બોલરોને મદદ મળતી હતી. ભારતે ૯૨ રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. રવીન્દ્ર જાડેજા અને ધોનીએ અંતિમ ઘડી સુધી લડત આપી પણ તેમનો પનો ટૂંકો પડયો હતો. તેમની ૧૧૬ રનની ભાગીદારી ભારતને જીત અપાવી શકી નહોતી. વર્લ્ડ કપમાં સાતમી વિકેટ માટે આ બીજા ક્રમની સૌથી મોટી ભાગીદારી છે.

નિરાશાજનક ૩ વાત

• ટોપ-૩નું સૌથી ખરાબ પ્રદર્શન
ટીમ ઇન્ડિયાના ટોપ-૩ બેટ્સમેન માત્ર ૩ રન કરી શક્યા. આ વન-ડે ઇતિહાસમાં આપણા ટોપ-૩નું સૌથી ખરાબ પ્રદર્શન છે. આ પહેલા ૨૦૦૫માં સાઉથ આફ્રિકા વિરુદ્ધ અને ૨૦૦૯માં વિન્ડીઝ વિરુદ્ધ ટોપ-૩ ખેલાડીઓએ ૪-૪ રન કર્યા હતા.
• નોકઆઉટમાં કોહલી ઝંખવાયો
કેપ્ટન કોહલીનું પ્રદર્શન વર્લ્ડ કપ નોકઆઉટ મેચોમાં સારું નથી રહ્યું. તે ૬ મેચમાં ૧૨ની એવરેજથી માત્ર ૭૩ રન જ કરી શક્યો છે. તે એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી. આ ૬ ઇનિંગ્સમાં તેનો શ્રેષ્ઠ સ્કોર ૩૫ રહ્યો છે.
• ૪૧ મેચમાં બીજી હાર
ટીમ ઇન્ડિયા છેલ્લા ૭ વર્ષમાં ૨૪૦ અથવા તેનાથી ઓછા સ્કોર ચેઝ કરતા માત્ર બીજી વાર હારી છે. આ દરમિયાન ટીમે ૪૧ મેચ રમી અને ૩૯ જીતી છે. ધોનીની આ ૩૫૦મી ઇન્ટરનેશનલ વન-ડે મેચ હતી. તેણે ૭૩મી અડધી સદી ફટકારી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter