વિરાટ વિક્રમોની વણઝાર સર્જતો કેપ્ટન કોહલી

Wednesday 06th December 2017 09:01 EST
 
 

નવી દિલ્હીઃ ટીમ ઇંડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ જૂના રેકોર્ડ તોડીને નવા વિક્રમોની વણઝાર રચી છે. શ્રીલંકા સામે રમાતી ત્રીજી ટેસ્ટના બીજા દિવસે કોહલીએ ૨૪૩ રનની ઇનિંગ્સ સાથે છઠ્ઠી બેવડી સદી ફટકારી હતી. આ સાથે જ કોહલીએ કેપ્ટન તરીકે સૌથી વધુ બેવડી સદીનો બ્રાયન લારાનો રેકોર્ડ તોડયો છે. 

આ ઉપરાંત કોહલી સતત બે ટેસ્ટ ઇનિંગ્સમાં બેવડી સદી ફટકારીને અનોખી ક્લબમાં સામેલ થઇ ગયો છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં વોલિ હેમન્ડ, ડોન બ્રેડમેન, કુમાર સંગાકારા, વિનાદ કાંબલી, માઇકલ ક્લાર્ક જ એવા બેટ્સમેન છે જેમણે સતત બે ઇનિંગ્સમાં બેવડી સદી ફટકારી છે. કોહલીએ તેની તમામ છ બેવડી સદી છેલ્લા ૪૯૯ દિવસમાં ફટકારી છે. સૌથી ઓછા દિવસમાં સૌથી વધુ બેવડી સદીનો અગાઉનો રેકોર્ડ ડોન બ્રેડમેનને નામે હતો, તેમણે ૫૮૧ દિવસમાં આ સિદ્ધિ મેળવી હતી. કોહલી શ્રીલંકા સામેની વર્તમાન શ્રેણીમાં ૧૦૦૨ મિનિટ બેટિંગ કરી ચૂક્યો છે. જુલાઇ ૨૦૧૬ અગાઉ કોહલીની ટેસ્ટ બેટિંગ એવરેજ ૪૪ હતી, જે હવે ૫૪ થઇ ગઇ છે.
કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૬ હજાર રન પૂરા કરવાની સિદ્ધિ પણ મેળવી છે. સૌથી ઝડપી ૧૬ હજાર રન કરવાનો રેકોર્ડ હવે કોહલીને નામે છે, તેણે ૩૫૦ ઇનિંગ્સમાં આ કમાલ કરી છે. બીજી તરફ અમલાએ ૩૬૩, લારાએ ૩૭૪, તેંડુલકરે ૩૭૬ ઇનિંગ્સમાં ૧૬ હજાર રન પૂરા કર્યા હતા. કોહલીએ આ સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૦ હજાર બોલ રમવાની સિદ્ધિ મેળવી છે. વિરાટ કોહલીએ શ્રીલંકા સામેની ત્રીજી ટેસ્ટમાં કયા રેકોર્ડ તોડયા છે તેના ઉપર એક નજર...

ટેસ્ટમાં ૫ હજાર રન

કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં ૫ હજાર રન પૂરા કર્યા છે. વધુ મહત્વની વાત એ છે કે સૌથી ઝડપી ૫૦૦૦ રન કરનારા ભારતીયોમાં તે હવે ચોથા ક્રમે છે. સુનીલ ગાવસ્કરે ૯૫, વીરેન્દ્ર સેહવાગે ૯૯, સચિન તેંડુલકરે ૧૦૩ જ્યારે કોહલીએ ૧૦૫ ઇનિંગ્સમાં ૫ હજાર રન કર્યા છે. ભારતીય ટીમમાંથી કુલ ૧૧ બેટ્સમેન ટેસ્ટમાં ૫ હજારથી વધુ રન નોંધાવી ચૂક્યા છે.

કેપ્ટન તરીકે ૩ હજાર રન

કોહલીએ કેપ્ટન તરીકે ૫૦ ઇનિંગ્સમાં ૩ હજાર રન પણ પૂરા કરી લીધા છે. કેપ્ટન તરીકે સૌથી ઝડપી ૩૦૦૦ રન કરવામાં કોહલી હવે પાંચમાં સ્થાને આવી ગયો છે. સર ડોન બ્રેડમેને ૩૭, મહેલા જયવર્દનેએ ૪૮, ગ્રેહામ ગૂચ, સ્ટિવ સ્મિથે ૪૯ ઇનિંગ્સમાં ત્રણ હજાર રન પૂરા કર્યા છે.

સતત ત્રણ ટેસ્ટમાં સદી: સૌપ્રથમ કેપ્ટન

કોહલી આજે એક જ ટેસ્ટ શ્રેણીની સતત ત્રણ ટેસ્ટમાં સદી ફટકારનારો વિશ્વનો સૌપ્રથમ કેપ્ટન બન્યો છે. ભારતીય બેટ્સમેનમાંથી અગાઉ વિજય હઝારે (૧૯૪૯થી ૧૯૫૧), પોલી ઉમરીગર (૧૯૬૧), સુનીલ ગાવસ્કર (૧૯૭૧ અને ૧૯૭૮), વિનોદ કાંબલી (૧૯૯૩) સતત ત્રણ ટેસ્ટમાં સદી ફટકારી ચૂક્યા છે. રાહુલ દ્રવિડ સતત ચાર ટેસ્ટમાં સદી કરવાનો રેકોર્ડ ધરાવે છે.

એક વર્ષમાં ૧૧ સદી

કોહલીએ આ વર્ષે કુલ ૧૧ સદી ફટકારી છે. આ પૈકી છ સદી તેણે શ્રીલંકા સામે ફટકારી છે. એક જ હરીફ સામે એક વર્ષમાં સૌથી વધુ સદી કરવાને મામલે કોહલીએ ડેસમન્ડ હેઇન્સ, સચિન તેંડુલકરની બરાબરી કરી છે. એક જ વર્ષમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી કરવામાં તેંડુલકર (૧૨) જ મોખરે છે. કોહલી છેલ્લી છ ટેસ્ટ ઇનિંગ્સમાં ૫૦થી વધુનો સ્કોર કરે છે એટલે તેણે સદી અવશ્ય ફટકારી છે.

આ ઉપરાંત ફેબ્રુઆરી ૨૦૧૦ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વખત સદીની ભાગીદારી કરવાનો રેકોર્ડ કોહલી-રોહિતની જોડીના નામે છે. બંનેએ ૯૨ ઇનિંગ્સમાં ૧૮ વખત સદીની ભાગીદારી નોંધાવી છે. કોહલીએ આ વર્ષે ૭૭.૬૧ની એવરેજથી ૧૦૦૯ રન ટેસ્ટ ક્રિકેટમાં નોંધાવ્યા છે. ગત વર્ષે કોહલીએ ટેસ્ટમાં ૭૫.૯૩ની એવરેજથી ૧૨૧૫ રન કર્યા હતા. સતત બે વર્ષમાં ટેસ્ટ ક્રિકેટમાં ૧ હજાર રન કરનારો કોહલી સૌપ્રથમ ભારતીય કેપ્ટન બની ગયો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter