સોશ્યલ મીડિયા સ્ટાર બની ગયાં છે ક્રોયડનના ક્રિકેટપ્રેમી ચારુલતા પટેલ

Friday 05th July 2019 09:03 EDT
 
 

લંડન, આણંદઃ સોશ્યલ મીડિયાની તાકાત એવી છે કે તેના પર મૂકાતી એક પોસ્ટ, ટ્વીટ કે ફોટો થોડાક કલાકોમાં તો વ્યક્તિને સ્ટાર બનાવી દે છે અને આવા જ સ્ટાર બની ગયાં છે ક્રોયડનમાં રહેતાં ૮૭ વર્ષનાં ચારુલતાબહેન પટેલ. ક્રિકેટ મેચમાં બેસ્ટ પર્ફોમન્સ આપનાર ખેલાડીને મેન ઓફ મેચ જાહેર કરાય છે તો સોશ્યલ મીડિયામાં દાદીમાની વયનાં ચારુલતાબહેનને ‘ફેન ઓફ ધ મેચ’ તરીકે ઓળખાવાઇ રહ્યા છે. અને કેમ ન ઓળખાવે? વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ટીમ ઇંડિયાના કેપ્ટન વિરાટ કોહલી, ઉદ્યોગપતિ મહિન્દ્રા, અભિનેતા રણવીરસિંહ અને બોમન ઇરાની, અભિનેત્રી અનુષ્કા શર્મા સહિત અનેક દિગ્ગજોએ તેમના ફોટા ટ્વીટ કર્યા છે.
વાત એમ છે કે ગયા મંગળવારે ભારતની બંગલા દેશ સામેની મેચમાં ચારુલતાબહેન તિરંગા સાથે જોવા મળ્યાં હતાં. તેમના હાથમાં પીપુડુ પણ હતું અને તેઓ થોડી થોડી વારે ટીમ ઇંડિયાને ચીયર અપ કરતાં હતાં. મેચનું લાઇવ ટેલિકાસ્ટ કરી રહેલા એક કેમેરામેનની તેમના પર નજર પડી. અને તેમને ગ્રાઉન્ડના જાયન્ટ સ્ક્રીન પર ચમકાવ્યા. થોડી વાર પછી ફરી તેઓ મોટા પરદે દેખાયા. અને ચારુલતાબહેન સ્ટાર બની ગયાં.
કેપ્ટન વિરાટ કોહલીનું ધ્યાન ખેંચાયું અને મેચ પૂરી થયે તે રોહિત શર્મા સાથે ચારુલતાબહેનને મળવા પહોંચી ગયો. બન્ને ચારુલતાબહેનને મળ્યા અને આ ઉંમરે પણ ક્રિકેટ માટેનો તેમનો લગાવ, જુસ્સો બિરદાવતાં ટીમને ચિયરઅપ કરવા બદલ તેમનો આભાર માનીને આશીર્વાદ લીધા. ચારુલતાબહેને પણ પ્રેમનો વરસાદ વરસાવ્યો હતો. બસ, આ તસવીર દુનિયાભરના ક્રિકેટચાહકોમાં ફરતી થઇ ગઇ.
આ મુલાકાત વિશે ચારુલતાબહેને એક અખબારને જણાવ્યું હતું કે ‘મેં કોહલીને આશીર્વાદ આપ્યાં હતાં અને તેને વર્લ્ડ કપ જીતવા માટે કહ્યું હતું. તેમની સફળતા માટે હું હંમેશાં પ્રાર્થના કરીશ એમ પણ મેં તેમને કહ્યું હતું. રોહિતે પગે પડીને મારા આશીર્વાદ લીધા હતા. રોહિતે મને કહ્યું હતું કે તેણે બિગ સ્ક્રીન પર તેને અને ઇન્ડિયન ટીમને ચિયર કરતા જોયા હતા.’

જોકે આ કંઇ પહેલી મચ નથી જે જોવા માટે ચારુલતાબહેન મેદાનમાં પહોંચ્યાં હોય. ઇંગ્લેન્ડમાં ગયા વર્ષે રમાયેલી ત્રણ મેચ વન-ડે સિરીઝમાં પણ તેઓ ત્યાં ગયાં હતાં. ૧૯૮૩ના વર્લ્ડ કપમાં પણ તેઓ કપિલ દેવની મેચ જોવા માટે સ્ટેડિયમમાં હાજર હતાં. આ વિશે તેમણે મુંબઇના ‘મિડ-ડે’ દૈનિકને જણાવ્યું હતું કે હતું કે ‘મેં ૧૯૮૩ના વર્લ્ડ કપમાં કપિલ દેવને રમતા જોયો હતો. એકદમ ફેન્ટાસ્ટિક અનુભવ રહ્યો હતો.’

ચારુલતાબહેનનો ઉત્સાહ જોઈને વિરાટ કોહલીએ તેમને સેમી ફાઇનલ્સ અને ફાઇનલની ટિકિટ તેના તરફથી ગિફ્ટ કરવાનું વચન આપ્યું હતું. ઇન્ડિયા ફાઇનલમાં ન જાય તો પણ કોહલી તેમને આ ટિકિટ ગિફ્ટ કરશે. ૧૯૮૩ના વર્લ્ડ કપની જીત બાદ ક્રિકેટ તેમના જીવનનો એક ભાગ બની ગયું છે. આ વિશે જણાવતાં ચારુલતાબહેને કહ્યું હતું કે ‘મને ક્રિકેટ ખૂબ જ પસંદ છે. લોકો મને હંમેશાં ક્રિકેટર્સના ફોટો અને ક્લિપ સેન્ડ કરતા રહે છે. કેટલાક લોકોએ મને ઇન્ડિયાની ટોપી પણ મોકલી છે. આ વર્લ્ડ કપ માટે મેં ખાસ સ્કાય સ્પોર્ટ્‍સ ટીવીનું સબસ્ક્રિપ્શન લીધુ છે. હું ક્રિકેટની ક્રેઝી ફેન છું. મને ભોજન ન મળે તો વાંધો નહીં, પરંતુ મને ક્રિકેટ વગર નહીં ચાલે.’

ટીમ ઇન્ડિયાના ફેન એવા ૮૭ વર્ષીય ચારુલતાબહેન ચરોતરના પેટલાદના સુણાવના રહેવાસી છે. તેઓએ વર્લ્ડ કપની સેમિફાઇનલ, ફાઇનલ સહિત ભારતની તમામ મેચોનું એડવાન્સ બુકિંગ કરાવી લીધું હતું. તેઓ વ્હીલચેરમાં બેસીને ગાલ પર ભારતીય ધ્વજનું ચિહન લગાવીને પીપુડુ વગાડતા ભારતીય ક્રિકેટ ટીમનો જુસ્સો વધારવા સ્ટેડિયમમાં પહોંચી જાય છે. ભારતની ટીમ તમામ મેચો જીતે અને વર્લ્ડકપ મેળવે તેવી ભગવાનને પ્રાર્થના કરે છે.
ચારુલતાબહેનના બે દીકરાઓ લંડનની સરે લીગમાં ક્રિકેટ રમે છે. ક્રિકેટ વિશે વધુ જણાવતાં ચારુલતાબહેને કહ્યું હતું કે ‘ઇન્ડિયન ટીમ જ્યારે પણ ઇંગ્લેન્ડમાં આવે છે ત્યારે તેમને એક વાર તો હું જોવા જાઉં જ છું. તેમને રમતા જોઈને મને એવું લાગે છે કે મારાં બાળકો રમી રહ્યાં છે. મારો જન્મ ઇન્ડિયામાં નથી થયો, પરંતુ મારા પેરન્ટ્સ ઇન્ડિયન છે એટલે ઇન્ડિયા પણ મારો જ દેશ છે.’
ચારુલતા પટેલની ગ્રાન્ડ ડોટર અંજલી તેમને વર્લ્ડ કપની મેચ જોવા માટે લાવી હતી. અંજલીએ કહ્યું હતું કે ‘તેમના માટે વ્હીલચેર વાળી ટિકિટ ઉપલબ્ધ નહોતી, પરંતુ એમ છતાં મેં આ ટિકિટ ખરીદી હતી. તેઓ અમારા લિવિંગ રૂમમાં બેસીને ઇન્ડિયાને ખૂબ જ ઉત્સાહથી ચિયર કરી રહ્યાં હતાં એથી તેમને હું વર્લ્ડ કપની આ મેચનો અનુભવ કરાવવા માટે લાવી હતી. જોકે અમે નસીબદાર છીએ કે અમને વ્હીલચેર ફેસિલિટીનો ઉપયોગ કરવા મળ્યો.’

ઇન્ડિયાના ફેન લંડનના ક્રોયડનમાં રહેતાં ચારુલતાબહેનના પુત્ર યોગીનભાઈ પટેલ વિદ્યાનગરમાં રહે છે. તેમણે એક સ્થાનિક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વિશ્વમાં ગમે તે સ્થળે ક્રિકેટ મેચ રમાતી હોય મારા માતા ટીવી સામે ગોઠવાઈ જાય છે. ક્યા વર્ષે કઈ ટીમ અને કયા બેટ્સમેન કેટલા રન કે બોલરની વિકેટો, પરિણામ સહિત તમામ મેચોની માહિતી ઉપલબ્ધ છે. હવે ફોન આવતા તે હવે ચોપડામાં લખતાં નથી. દસ વર્ષ પહેલા થાપાનું હાડકું તૂટી ગયું હોવાથી તેઓ વ્હીલચેરમાં ફરે છે. છતાં તેઓ ઇંગ્લેન્ડમાં તમામ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ જોવા માટે જાય છે. બર્મિંગહામમાં ટીમ ઇન્ડિયાને જોશ પૂરું પાડવા માટે લંડનથી રાત્રે ૧૨ કલાકે કારમાં બેસીને પાંચ કલાકની મુસાફરી કરીને પહોંચી ગયા હતા.

સોશિયલ મીડિયા પર ચારૂલતા બેનના ફોટા, વિડિયો મુકાયા બાદ ચાર જ કલાકમાં તેમના ફોટા અને વિડિયોને ૭૦ લાખ લાઈક મળી છે. વિશ્વમાં ચાર કલાકમાં લાખોની લાઇક મેળવવામાં ત્રીજા ક્રમે આવે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter