હાર્દિકને અમદાવાદ ટીમનું સુકાન, આશિષ નહેરા કોચ

Wednesday 12th January 2022 06:34 EST
 
 

મુંબઇઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ-૨૦૨૨ની સિઝનમાં સામેલ અમદાવાદની ટીમને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીઆઇએ)એ ગ્રીન સિગ્નલ આપી દીધું છે. અને હવે અહેવાલ છે કે અમદાવાદ ટીમના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાને પસંદ કરાયો છે. આ ટીમની માલિક કંપની સીવીસી કેપિટલ્સ સામે ઘણા સવાલો ઉઠ્યા હતા, જેના પરિણામે બોર્ડે એક કમિટિની રચના કરી રિપોર્ટ્સ સોંપવા જણાવ્યું હતું. કમિટિએ રિપોર્ટમાં ક્લીનચીટ આપતાં બોર્ડે સીવીસી કેપિટલ્સને આઇપીએલમાં ટીમ બનાવવાની અનુમતિ આપી દીધી છે. અલબત્ત, હજુ સુધી આ મુદ્દે બોર્ડના અધિકારી કે બીસીસીઆઇએ કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. એક શક્યતા એવી છે કે ઓક્શન પહેલા અમદાવાદની ટીમ અંગે બીસીસીઆઇ સત્તાવાર જાહેરાત કરી શકે છે.
એક અહેવાલ અનુસાર, ફિટનેસની સમસ્યા વચ્ચે હાર્દિક પંડ્યાને અમદાવાદ ટીમનો કેપ્ટન બનાવાયો છે. ઉલ્લેખનીય છે કે આની પહેલા શ્રેયસ અય્યરનું નામ જોરશોરથી ચાલતું હતું પરંતુ હવે હાર્દિક પંડ્યાને અમદાવાદની ટીમના કેપ્ટન તરીકે પસંદ કરાયો હોવાના અહેવાલ છે. આઇપીએલ ૨૦૨૨ માટે મુંબઈ ઈન્ડિયન્સે આ ખેલાડીને રિટેન ન કરતા ઘણા સવાલો સામે આવ્યા હતા.
પંડ્યાને લોકલ ફેક્ટર કામ લાગ્યું
એક્સપર્ટ અનુમાન લગાવી રહ્યા છે કે હાર્દિક પંડ્યા ગુજરાતી છે અને તેના સ્થાનિક ફેન્સ પણ વધારે છે. વળી તેની વિસ્ફોટક બેટિંગને જોતા ફ્રેન્ચાઈઝી હાર્દિકને કેપ્ટન બનાવી શકે છે. તે મુંબઈ ઈન્ડિયન્સમાં રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ ટ્રેઇન થયો છે. આ મહત્ત્વપૂર્ણ મુદ્દાને ધ્યાનમાં રાખીને ફ્રેન્ચાઈઝીએ આ નિર્ણય લીધો હોય એવું અનુમાન છે. અત્યારે ભલે હાર્દિક પંડ્યા સંપૂર્ણપણે ફિટ ન હોય એટલે બોલિંગ કરી શકતો નથી છતા તે પોતાની ટીમ માટે એક મેચ વિનર સાબિત થઈ શકે છે.
હાર્દિકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી
મીડિયામાં આ સમાચાર આવતાની સાથે જ હાર્દિકે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી છે. તેણે એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે ફિટનેસ પર ફોકસ કરતો જોવા મળી રહ્યો છે તથા હાર્દિક બેટિંગની પ્રેક્ટિસ કરતો જોવા મળી રહ્યો છે.
રાશિદ ખાન પણ અમદાવાદમાં સામેલ થઈ શકે
હાર્દિક પંડ્યા ઉપરાંત અફઘાનિસ્તાનનો લેગ સ્પિનર ​​રાશિદ ખાન પણ અમદાવાદની ટીમ સાથે જોડાયો હોવાના સમાચાર આવી રહ્યા છે. ગત સિઝનમાં રાશિદ હૈદરાબાદ તરફથી રમ્યો હતો. આ વખતે તેણે પોતાને રિટેન્શનથી દૂર રાખ્યો હતો.
સીવીસી નવો કોન્ટ્રેક્ટ સાઇન કરશે
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અમદાવાદની ટીમને બીસીસીઆઇ અને સ્પેશિયલ કમિટિએ ગ્રીન સિગ્નલ આપી દીધું છે. હવે આ ટીમ બીસીસીઆઇ સાથે આઇપીએલનો નવો કોન્ટ્રેક્ટ સાઈન કરશે. જેમાં બોર્ડ કેટલાક નવા નિયમો અને માપદંડોનો ઉલ્લેખ કરી ટીમ સાથે આગળ વધશે. તેવામાં ૩૧ જાન્યુઆરી પહેલા અમદાવાદની ટીમને ત્રણ ખેલાડી સાઈન કરવાની ડેડલાઈન પણ આપશે. આ તમામ કોન્ટ્રાક્ટ સાઈન થયા પછી બોર્ડ આની જાહેરાત કરશે. દરમિયાન અમદાવાદ ટીમના હેડ કોચ તરીકે આશિષ નેહરાને જ્યારે મેન્ટોર તરીકે ગેરી કર્સ્ટનની પસંદગી થઈ છે. આની પહેલા એવી અટકળો હતી કે શ્રેયસ અય્યરને કેપ્ટનશિપ મળી શકે છે.
આઇપીએલ ઓક્શનમાં ૧૦ ટીમો સામેલ
આઇપીએલની ૧૫મી સિઝનમાં કુલ ૧૦ ટીમો સામેલ થશે. આરપી-સંજીવ ગોયન્કા ગ્રુપે લખનઉની ટીમને ૭૦૯૦ કરોડ રૂપિયામાં ખરીદી છે અને પાંચ વર્ષ પછી ફરીથી લીગમાં કમબેક કર્યું છે. આની પહેલા ગોયન્કા ગ્રુપ પાસે ૨ વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૭માં રાઈઝિંગ પૂણે સુપર જાયન્ટ્સની ટીમ રહી હતી. વળી સીવીસી કેપિટલ્સે ૫૧૬૬ કરોડ રૂપિયામાં અમદાવાદની ટીમ ખરીદી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter