અકીકમાં અવ્વલઃ કૃષ્ણાભાઈ

દેશવિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Wednesday 13th November 2019 05:17 EST
 
 

સિંધુ સંસ્કૃતિના લોથલમાં ખંભાતના અકીકના મણકા મળ્યા હતા. આમ ખંભાતનો અકીક વ્યવસાય હજારો વર્ષ જૂનો છે. આજે ખંભાતના અકીક વ્યવસાયીઓમાં કૃષ્ણાભાઈ પટેલ પ્રથમ હરોળમાં આવે છે. એમની દુકાને ગમે ત્યારે જાવ તો તમને ભારતના કે વિદેશના અકીકના અલંકારો ખરીદનાર મળે. ક્યારેક તો એમની મોટી દુકાનને ય આવનાર ગ્રાહકોની ભીડ નાની બનાવી દે છે. જ્યોતિષીની ભલામણ મુજબ શનિ, મંગળ, ગુરુ વગેરે ધારણ કરનારા કૃષ્ણાભાઈની ‘કૃષ્ણા અગેટ’ પેઢીએ મોટી સંખ્યામાં ખાતરીબંધ અને વાજબી ભાવે માલ મેળવવા આવે છે. જથ્થાબંધ માલ ખરીદીને છૂટક વેચીને નફો રળનારા નાના-મોટા વેપારીઓ કૃષ્ણા અગેટના પગથિયાં ચઢતા હોય છે. કૃષ્ણાભાઈને ત્યાં વિશ્વાસે વહાણ ચાલે એવી દશા. પોતાની પ્રતિષ્ઠા ધનલોભે ના ખરડાય તેની તેઓ કાળજી રાખે છે.
કૃષ્ણાભાઈની કંપની અને તેમની સહયોગી કંપનીઓ અકીકના વિવિધ પ્રકારના આધુનિક ફેશનના અલંકારોના ક્ષેત્રે નામના ધરાવે છે. અકીકની બુટ્ટી, નેકલેસ, કડાં, હાર, બાજુબંધ અને ભાતભાતના અલંકારો બનાવે છે. આધુનિક ફેશનના અલંકારોની જેમ પરંપરાગત ફેશનના અલંકારોના સર્જનમાં ય તે જાણીતા છે.
કૃષ્ણાભાઈનું મૂળ નામ વિનેશચંદ્ર આજે ભૂલાયું છે. કદાચ એ નામ વાપરો તો એમનેય નવાઈ લાગે. તેમની મોટી ખાસિયત તે સંબંધોનો જીવ છે. પૈસા જતાં કરે, પણ સંબંધ જતો ના કરે. આના કારણે જ ભારે હરીફાઈના જમાનામાં વિના જાહેરાતે એમનો માલ વેચાય છે. ઘરાક શોધવા જવું પડતું નથી.
કૃષ્ણાભાઈ ૧૯૫૩માં ખંભાતમાં જન્મ્યા. પરસોત્તમદાસ અને કમળાબહેનના એ પુત્ર. કૃષ્ણાભાઈ માત્ર છ વર્ષના હતા ત્યારે પિતાનું અવસાન થતાં વિધવા મા કમળાબહેને એકલા હાથે સતત પરિશ્રમ કરીને પુત્રને ઉછેર્યા. સતત મહેનતમાં કાયા ઘસી અને જે મળ્યું તે કામ કર્યું પણ કોઈનીય પાસે હાથ લાંબો ના કર્યો.
કૃષ્ણાભાઈએ નાની વયે માનો પરિશ્રમ જોતાં બાળવયે મનોમન સંકલ્પ કર્યો કે હું એટલા પૈસા કમાઈશ કે મારાં સંતાનોને આવી મજૂરી કરવી ના પડે. માને મદદરૂપ થતાં થતાં તે દશ ધોરણ સુધી ભણ્યા પછી માને મજૂરીમાંથી મુક્ત કરાવવા ખંભાતમાં જ ઝવેરાતનું કામ શીખવા ગયા. તે જમાનામાં શિખાઉને મહિને દશથી પંદર રૂપિયા મળતા, શેઠ આ નવયુવાનને રોજનો રૂપિયો આપતા. બે-અઢી વર્ષમાં કામ પર હાથ બેઠો એટલે માત્ર ૧૮ વર્ષની વયે હીરા ઘસવાની ઘંટી કરી. બે વર્ષ પછી ઝવેરાતની દલાલી શરૂ કરતાં ભાતભાતના લોકો સાથે સંપર્ક થયો. ગ્રાહક ખાલી ભાવ પૂછે છે કે માલ ખરીદનાર તે અનુભવે સમજાયું. ઝવેરાતના ધંધામાં માત્ર માલની કિંમતની પરખથી ધંધો ના ચાલે. ગ્રાહકનું મન વાંચતા ય આવડવું જોઈએ અને કૃષ્ણાભાઈને આવડ્યું. આત્મવિશ્વાસ વધ્યો અને સ્વતંત્ર ધંધો શરૂ કર્યો. ૧૯૭૮માં ૨૬ વર્ષની વયે નયનાબહેન સાથે પરણ્યા. ધંધો વધ્યો. પરિવાર વધ્યો. ત્રણ સંતાનના પિતા થયા - ધરતી, બીજલ અને પરાગ.
૨૦૦૪ સુધી સમૃદ્ધિની ટોચે પહોંચ્યા. ત્યારે માળો વિંખાયો. નયનાબહેનનું અવસાન થયું. ૨૬ વર્ષના સહવાસે થયેલા પરસ્પારલંબન અને જન્મેલી એકતા પછી ખાલીપો જન્મ્યો. ધંધામાં મન ના લાગે. છતાં પગ ધંધા તરફ ખેંચી જાય. ધંધાનો મોટો પથારો. ૩૫-૪૦ માણસ ધંધામાં કામ કરે. ઉત્પાદન અને વેચાણનો જબરો પથારો. તેમાં પ્રશ્નો થાય ત્યારે સ્થાનિક વકીલ હેતલબહેનની સલાહ લે. અદાલતી કામમાં તેઓ નિષ્ણાત તેથી જીત મળતી. હેતલબહેનનો સંપર્ક કામકાજ અંગે વધતો ગયો. હેતલબહેન નિખાલસ અને સ્નેહાળ.
કૃષ્ણાભાઈ અને હેતલબહેનને સરખી જરૂરિયાત. કૃષ્ણાભાઈ વિધુર તો હેતલબહેનનું લગ્નજીવન નિષ્ફળ નીવડેલું. હેતલબહેન સમસંવેદના અને સ્નેહથી કૃષ્ણાભાઈનું દિલ જીત્યાં અને બંને પરણ્યાં. હેતલબહેનને એક દીકરી હતી. કૃષ્ણાભાઈએ એને ધામધૂમથી પરણાવી. કૃષ્ણાભાઈનો પુત્ર પરાગ પિતાની સાથે ઘડાઈને ધંધામાં સક્રિય છે. કૃષ્ણાભાઈ ચાર કંપનીના માલિક અને મોભી. પરાગની પત્ની સિદ્ધિ.
પરાગ અને હેતલબહેન દરેક એક-એક કંપની સંભાળે છે.
હેતલબહેનના આગમને સમગ્ર પરિવાર આનંદે ભર્યોભર્યો થયો છે. હેતલબહેનની હેતવર્ષાએ એકલા કૃષ્ણાભાઈ નહીં, પણ પુત્ર પરાગ અને પુત્રવધૂ સિદ્ધિ પણ ભીંજાતાં. બધાં સુખેથી જીવે છે.
કૃષ્ણાભાઈની કંપનીના મેનેજર પાસે બિઝનેસ છે, પણ કૃષ્ણાભાઈ પાસે નથી. કૃષ્ણાભાઈ વિશ્વાસનો જીવ છે. દશ ધોરણ ભણેલા કૃષ્ણાભાઈ ખંભાત એજ્યુકેશન સોસાયટીના ઉપપ્રમુખ છે જેમાં ૨૦૦ શિક્ષકો અને છ હજાર વિદ્યાર્થી છે. કૃષ્ણાભાઈ શિક્ષણક્ષેત્રે અને મંદિરોમાં મોટા દાતા છે. સેવા અને સખાવતથી તે શોભ્યા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter