આચરણ થકી, સત્કર્મ થકી જાગૃતિ આપતું પર્વ અખાત્રીજ

- તુષાર જોશી Monday 10th May 2021 06:11 EDT
 

એંસીના દાયકાના આરંભના એ વર્ષો મને બરાબર યાદ છે. કોલેજ કાળના એ સમયથી, અભ્યાસમાં મળેલી એકધારી નિષ્ફળતાઓ સામે લડતા લડતા અખાત્રીજ આવે ત્યારે નવી નોટ, નવી પેન લઈને મનના ભાવો એમાં ઉતાર્યા હતા. ચારેક દાયકાનો સમય થયો - આજે પણ સાંસારિક રીતે સાંસ્કૃતિક રીતે અખાત્રીજ ઉજવાય, પ્રિયજનોને પારણા કરાવવા જવાનું થાય, એનાથી વધુ પ્રસન્નતા આ લેખનના - કોઈ પ્રોજેક્ટના - શુભ અને શુદ્ધ આચરણના શુભારંભથી મને હંમેશાં થઈ છે.

વસ્ત્ર, આભૂષણ, વાહન ખરીદી, જપ-તપ-હવન-સ્વાધ્યાય, પિતૃ તર્પણ, ક્ષમાપ્રાર્થના માટે ઉત્તમ દિવસ છે અખાત્રીજ. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાને એક વર્ષનું તપ પૂર્ણ કરીને આ દિવસે શેરડીના રસથી પારણા કર્યા હતા. ભગવાન આદિનાથે ૪૦૦ દિવસની તપસ્યાના પારણા કર્યા હતા. આજે પણ વર્ષીતપના પારણાનો બહુ મોટો મહિમા છે અખાત્રીજે.
વૈશાખ મહિનાના શુકલ પક્ષની ત્રીજને અક્ષય તૃતીયા અથવા અખાત્રીજ કહેવાય. એવી માન્યતા છે કે પૃથ્વી પર અક્ષય - અખંડ અને સર્વવ્યાપક એક માત્ર પરમાત્મા જ છે, અખાત્રીજ એમના નામ સાથે જોડાયેલી તીથિ છે. આ દિવસે નર-નારાયણ, પરશુરામ અને હયગ્રીવ અવતાર થયો હતો એટલે એમની જયંતી પણ અખાત્રીજે ઉજવાય છે. ત્રેતાયુગનો આરંભ અખાત્રીજના દિવસે થયો હતો.
અખાત્રીજ એટલે વણજોયું સ્વયંસિદ્ધ મુહૂર્ત. આ દિવસે કોઈ પંડિતને પૂછ્યા વિના, શુભ કાર્યોનો - માંગલિક અવસરોનો આરંભ થઈ શકે છે. એથી જ આ દિવસે વેવિશાળ, લગ્ન અને નવા ઉદ્યોગો-વ્યાપાર સાહસના કાર્યક્રમો વિશેષ સંખ્યામાં યોજાતા હોય છે.
વિદ્યાર્થીઓ માટે અભ્યાસનો આરંભ હોય, લેખક કે સર્જક માટે કલાના વિવિધ સ્વરૂપોના પ્રોજેકેટનો આરંભ હોય, નવા વિચાર સાથે કોઈ નવા સાહસનો આરંભ હોય, યાત્રા કે તીર્થાટન હોય, અખાત્રીજ સૌથી ઉત્તમ ગણાય છે. વાસ્તુ, ગૃહપ્રવેશ, નદીઓમાં સ્નાન, દાન-પૂણ્ય વગેરે વગેરે આ દિવસે વિશેષરૂપે થાય છે.
અખાત્રીજના દિવસ માટે એવી માન્યતા છે કે આ દિવસે કરવામાં આવતું કાર્ય અક્ષય બને છે. આપણે જાણીએ છીએ કે માનવશરીર અને વસ્તુ માત્ર નાશવંત તો પછી કશુંયે અખંડ કે અક્ષય કેવી રીતે રહી શકે?
આચરણ અને સત્કર્મ અક્ષય રહે છે. અખાત્રીજનો દિવસ મને અને તમને સ્મૃતિ કરાવે છે - આ શુભ દિવસ છે દોસ્ત, માત્ર આયોજનો ના કર, શુભ કાર્યોનો આજથી આરંભ કર... આચરણ કર. લેખક - કલાકાર કે સર્જક તરીકે મારા અનેક સ્મરણો જોડાયેલા છે જ્યારે અખાત્રીજનાં દિવસે કોઈ એક પ્રોજેક્ટનો શુભારંભ કર્યો હોય.
મન-વચન-કર્મથી સમર્પિત થઈને જ્યારે આપણે કોઈ કાર્ય આચારણમાં મૂકીએ, એમાં આપણું હિત ભલે હોય, પણ કોઈનું અહિત ના હોય ત્યારે એ આચરણ થકી આપણને આનંદ - સમૃદ્ધિ - પ્રસન્નતા મળે છે અને એ અખંડ છે, અક્ષય છે.
કપરા કાળમાં કોઈને કરેલી મદદ, કોઈના માટે વહાવેલી કરુણા, કોઈની પડખે ઊભા રહ્યાની પળ, સ્વજનો તો ઠીક, અજાણ્યા માટે પણ કશુંક આપીને Joy of Givingનો મેળવેલો આનંદ આ બધ્ધું જ અક્ષય છે.
આપણા અને સામેના માણસના સમયની બરબાદી ના કરીએ, આપણા વિચારો કોઈના પર થોપવાની કોશિશ ના કરીએ, કોઈ પણ વ્યક્તિ કે વિચારધારાના અંધભક્ત બનીને ગાડરિયા પ્રવાહમાં ના તણાઈએ, બીજાએ શું કર્યું એ નહિ, મેં શું કર્યું એ વિચારીએ, જાતે અભ્યાસ કર્યા વિના ‘પેઇડ’ સર્વિસરૂપે તૈયાર કરાયેલા મેસેજીસ ફોરવર્ડ ના કરીએ, આપણી વાત સાચી હોય એમ સામેના વ્યક્તિની વાત પણ સાચી હોય એ ઉદારતા કેળવીએ, એક માણસ તરીકે માણસાઈનો અને જવાબદાર નાગરિક તરીકે નાગરિકનો ધર્મ બજાવીએ, પરિવાર, સ્વજન અને મિત્રોને પૂરતો સમય આપીએ સંબંધો દ્વારા પ્રાપ્ત થતો આનંદ માણીએ, કલાના કોઈ પણ સ્વરૂપમાં પ્રોફેશનલી અને નોન-પ્રોફેશનલી જોડાયેલ રહીએ, આવું આવું કેટકેટલું અખાત્રીજથી આરંભ કરી શકીએ.
અખાત્રીજના પર્વની આપ સહુ અને સ્વયં મને પણ જ્યારે શુભકામના પાઠવું છું ત્યારે થાય છે કે જે ગયું તે ભલે ગયું, આ ઉત્સવ જાગૃતિ આપે છે આચરણ થકી, સત્કર્મ થકી. હવે એવા દીવડા પ્રગટાવીએ, એવા કાર્યોનો શુભારંભ કરીએ જે આપણા ને આસપાસના જીવનમાં અજવાળાં રેલાવે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter