અર્થપૂર્ણ - પ્રેમપૂર્ણ મૈત્રી એટલે પરમાનંદનો અનુભવ

અજવાળું અજવાળું

તુષાર જોષી Saturday 22nd February 2020 05:19 EST
 
 

આનંદ એના સ્કૂટર પર ધીમે ધીમે રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. અચાનક એનું ધ્યાન ગયું કે આગળ જઈ રહેલી કારની ડ્રાઈવર સીટમાંથી જમણો હાથ બહાર આવ્યો છે અને તેના દ્વારા પોતાને વાહન રોકવા ઈશારો થઈ રહ્યો છે. નવાઈ લાગે કે કોણ હશે? શું હશે? હાથમાં પહેરેલી ઘડિયાળ-બંગડી અને વસ્ત્રો પરથી ખ્યાલ આવ્યો કે કોઈ યુવતી છે, જે એને રોકી રહી છે. ગાડી સાઈડમાં ઊભી રહી, એણે પણ આગળ જઈને પોતાનું સ્કૂટર રોક્યું. એ યુવતી કારમાંથી બહાર આવી. બંનેની આંખો મળી. ‘અરે તું...?!’ બંનેના વાક્યો એકબીજામાં ભળ્યા અને એ બંને પણ એકબીજાને વ્હાલથી મળ્યાં. વાસ્તવમાં બંનેની આંખોમાં હર્ષના વર્ષો બાદ મળ્યાના આંસુ હતા.

હા, એ અનાહિતા હતી, આનંદની પરમ મિત્ર. આનંદની એકમાત્ર સખી.
બંનેનો પરિચય કોલેજમાં થયો હતો. આનંદ ભણવા ઉપરાંત વકતૃત્વ, નાટક અને રમત-ગમતની પ્રવૃત્તિમાં ભાગ લેતો હતો અને અનાહિતાને માત્ર ને માત્ર ભણવામાં જ રસ હતો. બંનેના મુખ્ય વિષયો પણ જુદા જુદા તો મળવાનું ક્યાં બને? અંગ્રેજી વિષયના લેક્ચરમાં અઠવાડિયાના ત્રણ દિવસ અંગ્રેજીમાં ભણવામાં બંને મળતા થયા. હસતાં થયાં. ક્યારેય કોલેજમાં કેન્ટીનમાં કે બહાર સિનેમામાં જવાનો ખ્યાલ પણ બંનેને ન આવ્યો. એ છતાં એટલું ચોક્કસ કે જ્યારે પણ મળે ત્યારે પૂર્ણ પ્રેમથી - શ્રદ્ધાથી - વિશ્વાસથી બંનેની આંખો જાણે વાતો કરે.
અંગ્રેજીના ટીચર પાસેથી આઈએમપી પ્રશ્નોની યાદી મળી તો કોઈનેય નહીં આપું એમ કહીને એ અનાહિતાને તો આપી જ આવ્યો. ‘કોઈને નથી આપવાના તો મને કેમ?’ એમ અનાહિતાએ પૂછ્યું તો જવાબ આપ્યો કે, ‘તું પરમ મિત્ર છે એટલે’ મિત્રતાના દિવસોને રંગ ચડતો ગયો અને ત્રણ વર્ષ પૂરાં પણ થઈ ગયા.
એક દિવસ અનાહિતાએ કહ્યું, ‘મારા લગ્ન નક્કી થયા છે.’ આનંદ રાજી તો થયો, મૌન પણ. લગ્નમાં શું ભેટ આપવી એ પ્રશ્નનો જવાબ મળતો ન હતો. ને આખરે ‘શ્રદ્ધા’ લખેલી ફ્રેમ ભેટ આપી. અનાહિતા લગ્ન કરીને ગઈ તે ગઈ. કોઈ સંપર્ક નહીં. પાંચેક વર્ષ પછી આજે આમ રસ્તા પર મળી. બંનેએ કોફી પીધી. નિયમિત મળતા રહ્યા.
પાંચ વર્ષના લગ્નજીવનમાં દાંપત્યની ભેટરૂપે ત્રણ વર્ષના એક દીકરાને લઈને એ સિંગલ મધર તરીકે પરત આવી હતી. પપ્પાના પરિવારનો સપોર્ટ અને સારી નોકરી હતી એટલે આર્થિક ચિંતા તો ન હતી. આનંદ અને તેની પત્ની તથા દીકરીએ અનાહિતા અને દીકરાને સાચા અર્થમાં મિત્ર - પરમ મિત્ર બનીને વધાવ્યા. અનહદ અને અપરંપાર મૈત્રીની સુગંધથી તરબતર રહ્યા.
સમય જતાં આનંદના જ એક મિત્ર સાથે અનાહિતાના લગ્ન થયા. લગ્ન બાદ પણ અર્થપૂર્ણ - પ્રેમપૂર્ણ મૈત્રીનો - પ્રેમનો આનંદ અનુભવી રહ્યા છે આ બંને મિત્રો... વેલેન્ટાઈન ડે આવે ત્યારે એમણે એકબીજાને કોઈ ગિફ્ટ આપવી પડતી નથી અને છતાંય પ્રેમની અનહદ બાની એમના સંબંધોમાં સતત ગુંજારવ કરતી રહે છે.

•••

વેલેન્ટાઈન ડે આવે એટલે આવા દૃશ્યો - પાત્રો નજર સામે આવે જેમાં ક્યાંયે આછકલાઈ નહીં પરંતુ નીતર્યો પ્રેમ જ સમાયેલો હોય. પ્રેમના નામે ચાલતા ખેલ હંમેશા પરખાઈ જતા હોય છે અને એમાં રમનારાને પણ એનો ખ્યાલ હોય જ છે.
વાસ્તવમાં પ્રેમ વિશે લખવા કરતાં, બોલવાં કરતાં પ્રેમ કરવો એ જ શ્રેષ્ઠ અનુભૂતિ છે. અનુભવનું સત્ય એ છે કે આપણને કોઈ પ્રેમ કરે છે અને કોઈને આપણે પ્રેમ કરીએ છીએ એનાથી ઉચ્ચ, એનાથી વધુ ઉત્તમ અનુભૂતિ આ વિશ્વમાં કોઈ જ ના હોઈ શકે. આવા પ્રેમના દીવડાં જ્યાં જ્યાં પ્રગટે છે ત્યાં ત્યાં પ્રસન્નાતાના અજવાળાં રેલાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter