આખરે વાત જીવનમાં પ્રેમને પામવાની છે અને પરસ્પરના વાણી-વર્તનને સમજવાની છે

અજવાળું અજવાળું

તુષાર જોશી Tuesday 13th April 2021 03:53 EDT
 

‘હું ને તારી મામી, અમારા ઘરના ફ્લેટની ગેલેરીમાં બેઠા બેઠા હીંચકે ઝુલતા ઝુલતા સરસ મજાની વાર્તા કરતા હતા, અને તારી મામીએ મને જે વાતો કહી ને....’ આટલું કહેતા કહેતા નવીનમામાની આંખો સહજ પ્રેમથી ભીની થઈ ગઈ. વાત મારા મામી, ચંદ્રિકાબેન રાજ્યગુરૂ અને મામા નવીનભાઈ રાજ્યગુરૂના પ્રેમાળ દાંમ્પત્યજીવનની અને જીવનની અર્થપૂર્ણ સમજણની છે. ગત વર્ષે એકાદ દિવસની ટૂંકી બીમારીમાં ચંદ્રિકામામીનું અવસાન થયું. કોરોનાની પરિસ્થિતિ હળવી થતા જ્યારે ભાવનગર જઈને મામાને અને પરિવારને મળવાનું થયું ત્યારે મામાએ લેખના આરંભે લખેલા શબ્દો કહ્યાને ઉમેર્યું કે તારી મામીએ સાવ અચાનક, કોઈ સંદર્ભ વિના મારો હાથ હાથમાં લઈને અત્યંત પ્રેમાળસ્વરે કીધું કે ‘મેં તમારી પાસે હક્કથી - જીદથી અને દાદાગીરીથી કેટલીક વસ્તુઓ મારી માટે લીધી છે, માંગી છે. તમે બધી જ વસ્તુઓ વિના વિલંબે આપી છે. તમને કદાચ એમ થતું હશે કે આ બધી વસ્તુ મેં જીદથી માંગી છે પણ તમે મારાથી ઉંમરમાં મોટા છો એટલે મેં લાડથી માંગી છે તમે લાડથી માંગેલી બધી માંગણીઓ પૂરી કરી છે એનો મને સંતોષ પણ છે અને અભિમાન પણ છે.’

મામીએ ગદગદ કંઠે આ વાત કહી એના દસેક દિવસ બાદ એમણે દેહ છોડી દીધો. મામા અને એમના સંતાનો હિતેષ-ચેતન-અવની તથા પુત્રવધુઓ ધરતી-વિધિ અને પૌત્ર-પૌત્રીઓને મધમીઠાં સંભારણા આપીને તેઓ તો જતા રહ્યા.
વ્યક્તિગત વાત કરું તો મને પણ એમના કેટકેટલા સ્મરણો સતત યાદ આવ્યા કરે... મારું બાળપણ મોસાળમાં હરિદાદા અને હીરાબાના સાન્નિધ્યમાં વીત્યું. ચંદ્રિકામામી પરણીને પાલીતાણા આવ્યા ત્યારે સાવ નાની ઉંમર... ગામડાગામની આખાબોલી પણ દંભ વિનાની ભાષા.. સંયુક્ત પરિવારમાં રહીને રસોઈ-ગૃહકાર્યને મહેમાનોનું આતિથ્ય શીખ્યા.
મારા પર અનહદ પ્રેમ. કોઈ કાર્યક્રમ જેમાં હું વક્તા હોઉ ને તેઓ શ્રોતામાં હોય. કાર્યક્રમ પુરો થયે પગે લાગું. રાજી થાય. મારી પત્ની મનીષાને ખુણામાં લઈ જઈને કહે પણ ખરા. ‘આ તો હવે બધું આવડ્યું અમારા ભાણાભાઈને બાકી તો...’ ને એવી એવી વાતો કરે કે બન્ને હસી પડે! ખૂબ હસે ને ખૂબ હસાવે, સતત વાતો કરે, ક્યારેક ખોટું પણ લાગી જાય. કોઈના પર ગુસ્સે પણ થઈ જાય, પણ મનમાં ન રાખે. થોડી જ વારમાં પ્રેમ પણ વરસાવી દે. નવીનમામા અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા અને વ્યવસાયે ટેક્સ કન્સલટન્ટ, શહેરના દિગ્ગજો એમને પુછે પણ એમણે તો મામી જેટલું કહે એટલું જ કરવાનું!
નવીનમામા સ્મરણો યાદ કરતા ગયા, એમ એમ એમના ચહેરા પર પચાસ વર્ષના મધુર દામ્પત્યનો આનંદ વ્યક્ત થતો ગયો.
‘એક વાર મામીએ એમને કહ્યું કે ગાડી લઈને ચાલો મારી સાથે.’ ગાડીમાં બેસીને કહે ‘મારે બુટિયાં લેવા છે...’ જ્વેલર્સને ત્યાં ગયા, એમની પસંદના ના મળ્યા. પારિવારિક મિત્ર રશ્મિભાઈને ફોન કર્યો કે તમારા પત્ની રક્ષાબેન જે બુટિયાં પહેરે છે તે મને આપી જાવ... એ મિત્રએ એવી મિત્રતા નિભાવી કે પત્નીના કાનમાંથી બુટિયાં કઢાવીને આપી ગયા. ને પછી ચંદ્રિકામામીએ એવા જ સોનાના બુટિયાં કરાવ્યા. મામા કહે છે કે ‘મને આવા દોસ્તો મળ્યા, એમની દોસ્તીને પણ સલામ!’
વિદેશમાં ફરવા જવું હોય, મન થાય એટલે જવાનું જ, તરતાં ન આવડે પણ સ્વીમીંગ પુલમાં તો પડવાનું જ... કોઈ ફિલોસોફર, ધર્મગુરૂ કે વિચારધારાને અનુસર્યા વિના સરળ સહજ-મસ્તીથી, મૌજથી, જલસાથી ને ઝિંદાદિલીથી જીવન જીવી ગયા. પરિવારના સભ્યોની પ્રગતિ જોઈને રાજી થાય... મનમાં કોઈ વાત ભરીને નહિ, પરંતુ મનભરીને જીત્યા. નવીનમામા એમના જીવનસાથીના સ્મરણો અને એમણે જ પ્રેરેલા આત્મવિશ્વાસ સાથે બાળકો-પરિવાર અને મિત્રોની હૂંફમાં જીવનની પરિસ્થિતિને સ્વીકારીને સહજતાથી, આનંદથી જીવન જીવી રહ્યા છે.
•••
મારી ને તમારી આસપાસ (ક્યારેક નજર માંડીએ તો આપણા ઘરમાં જ) આવા પરમ પ્રસન્નતાથી ભર્યા ભર્યા દામ્પત્યો જોવા મળશે. વૈધાનિક કે વૈચારિક મતભેદ હોય, ઉંમરનો ડિફરન્સ હોય કે ના હોય, પણ આખરે વાત જીવનમાં પ્રેમને પામવાની છે - જિંદગી જલસો છે એ સૂત્રને સાર્થક કરવાની છે અને પરસ્પરના વાણી-વર્તન-વ્યવહારને અર્થપૂર્ણ રીતે સમજવાની છે. આવા દામ્પત્યમાં પ્રેમના દીવડા ઝળહળે છે ને આસપાસ ઉજાસ રેલાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter