આગોતરું આયોજન અને સમયસર અમલ થાય તો સફળતામાં સુગંધ ભળે

અજવાળું અજવાળું

તુષાર જોષી Wednesday 03rd May 2023 06:25 EDT
 
 

એક રવિવારે સાંજે એક ઘરે થોડા દોસ્તો જમવા ભેગા થાય છે. સહુ પારિવારિક છે એટલે અન્ય મહિલાઓએ કહ્યું કે, ‘લાવો બધા સાથે મળીને વાસણ સાફ કરી અને રસોડામાં ગોઠવી દઈએ.’ પરંતુ યજમાન સ્ત્રીએ પૂર્ણ આતિથ્યભાવથી કહ્યું કે, ‘ના, ના, કામવાળા બહેન આવે જ છે, રહેવા દો.’ ને બીજે દિવસે સવારે કામ માટે આવનાર બહેને ફોન કરી કહ્યું કે ‘આજે મારે બીમારી આવી ગઈ છે, નહિ આવું.’

એક બીજા કિસ્સામાં એક કોલમ લેખકને એમના મેગેઝિનના તંત્રી ઘણી વાર પ્રેમપૂર્વક કહે કે, ‘તમે લેખ બે દિવસ પહેલાં આપો અથવા ત્રણ – ચાર લેખની એક બેન્ક ઊભી કરી દો તો સારું.’ પેલા લેખક પણ એવું જ ઈચ્છતા હતા એટલે એવું કરવામાં ક્યારેક સફળ થાય, પરંતુ મોટાભાગે બેન્ક ઊભી ના કરી શકે. પછી ક્યાંક પ્રવાસમાં અચાનક જવાનું થાય કે અચાનક બીમાર પડે એટલે ‘સોરી ભાઈ, આ અઠવાડિયે લેખ નહીં આપી શકું, ક્ષમા કરશો...’ કહેવું પડે.
એક ભાઈને ઓફિસમાં એમના ભાગે આવતું કામ સાંજ પડે જ પૂરું કરવાની આદત. એ પાછળ એક હેતુ એવો પણ ખરો કે, કોઈ નવું કામ આવે નહીં. પરંતુ અચાનક અંગત કામ આવી ચડે પછી ઘાંઘા થાય, કામમાં વેઠ ઉતારે અથવા બીજાને સોંપે.
આ અને આવા અનેક કિસ્સાઓમાં આપણે જીવીએ છીએ, આપણી આસપાસ પણ જીવાય છે. આગોતરા પ્લાનિંગ કરતા નથી. આગ લાગે ત્યારે પાણી ગોતવા નીકળીએ છીએ અને પરિણામે કાં તો સ્ટ્રેસ આવે છે અથવા તો કામમાં અધૂરી સફળતા અથવા નિષ્ફળતા આવે છે.
આવું ન થાય એ માટે વડીલો કહેતા હોય છે કે એક અઠવાડિયાનું, એક મહિનાનું પ્લાનિંગ કરવું અને સમય મર્યાદામાં કામ પૂરું કરવું. આમ કરવાથી આપણી શક્તિનો યોગ્ય ઉપયોગ થાય છે, શક્તિ વેડફાતી નથી, સહજપણે આનંદ સાથે કામ પૂરું થાય છે.
મૂળમાં આજનું કામ તો આજે કરીએ જ પરંતુ આવનારા દિવસોના કામ પણ બને તેટલા વહેલા, કોર્પોરેટ ભાષામાં કહીએ તો ડેડલાઈન આવે તે પહેલાં પુરા કરીએ તો કામનો આનંદ મળે છે. નહિતર પછીથી ‘ગનપોઈન્ટ’ પર કામ કરવા પડે છે, જે તાણ લાવે છે, ગુસ્સો ને વિસંવાદિતા લાવે છે. ધીમે ધીમે પરંતુ નિયમિતરૂપે બેન્કમાં પૈસા બચતરૂપે જમા કરાવ્યા હશે તો એક સાથે જરૂર પડે ઉપયોગ થઈ શકશે, જમા જ નહીં કરાવ્યા હોય તો શું? કોઈ પણ પ્લાનિંગમાં શક્ય હોય ત્યાં સુધી આગોતરા આયોજન કર્યા હશે તો આપણને જ ફાયદો થવાનો છે.
ટેક્સ ભરવાના હોય, મેઈન્ટેનન્સ ભરવાના હોય, ક્રેડિટ કાર્ડની રકમ ભરવાની હોય કે કારમાં પેટ્રોલ ભરાવવાનું હોય... આવા ઘણા કામો છે જેમાં સમયે સમયે નિર્ણય લઈને અમલીકરણ કરીએ તો પછી ભૂલી જવાયું એવું થતું નથી. દંડની રકમ ભરવી પડતી નથી.
કેટલાક લોકો હોય છે જે મોટા ભાગે લાસ્ટ મિનિટના જ કામો કરે છે અને સફળ પણ થાય છે, પરંતુ આવું બધાને અનુકૂળ ન આવે અથવા ક્યારેક જ આવે આ સંજોગોમાં જો પ્લાનિંગ સાથે ચાલ્યા હોઈએ તો એ કમસે કમ હેરાન ઓછા થઈએ.
જ્યારે જ્યારે આયોજનપૂર્વક, ગણતરી સાથે, કામ થાય છે, ત્યારે ત્યારે એના પરિણામે સફળતાના દીવડા પ્રગટે છે અને અજવાળાં ફેલાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter