આપણા ઇતિહાસને અજવાળતી શૌર્યગાથા

તુષાર જોશી Tuesday 23rd August 2016 08:26 EDT
 

‘મારે અંગ્રેજી ભાષામાં ઝવેરચંદ મેઘાણી વિશે સ્કૂલમાં નિબંધ લખવો છે. હું આપની વેબસાઈટમાંથી વિગતો લઈને કઈ બાબતોને આવરી શકું? માર્ગદર્શન આપશો?’

અંગ્રેજી ભાષામાં આ મતલબનું લખાણ આવ્યું હતું, ઈ-મેઈલમાં. એને મોકલનાર હતી અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટની એક ૧૩ વર્ષની દીકરી અને સ્વીકારનાર હતા અમદાવાદસ્થિત શ્રી પિનાકી મેઘાણી. જેઓ ઝવેરચંદ મેઘાણીના પૌત્ર છે.

એમણે હોંશેહોંશે તુરંત જ વિસ્તૃત જવાબ આપ્યો અને આ વેબસાઈટ નિર્માણ કરવાનો હેતુ સફળ થયાનો આનંદ અનુભવ્યો.

પ્રત્યેક ગુજરાતીને જેમના માટે ગૌરવ થાય એવું બહુઆયામી વ્યક્તિત્વ એટલે શ્રી ઝવેરચંદ મેઘાણી. તેમની કલમમાંથી નીતરેલો શૌર્યરસ આજેય વાંચનારના રૂંવાડા ખડા કરી દે છે.

મહાત્મા ગાંધીએ જેમને ‘રાષ્ટ્રીય શાયર’નું ગૌરવવંતુ બિરુદ આપ્યું એ ઝવેરચંદ મેઘાણીનો જન્મ ૨૮ ઓગસ્ટ ૧૮૯૬ (શ્રાવણ વદ પાંચમ, નાગપંચમી, વિક્રમ સંવત ૧૯૫૨)ના દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામની પોલીસબેડાની જગ્યામાં થયો. પિતા કાળીદાસ દેવચંદ મેઘાણીનું વતન બગસરા અને ચોટીલામાં ફોજદાર તરીકે સેવા આપી રહ્યા હતા. ધર્મપરાયણ માતા ધોળીબહેને પુત્રમાં સંસ્કારોનું સિંચન કર્યું.

અત્યારે ભારતના વડા પ્રધાન અને તત્કાલીન સમયે ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૧૦માં ૧૧૪મી મેઘાણી જયંતિએ સહુ પ્રથમ વાર એમના જન્મસ્થળને જાહેર જનતા માટે ખુલ્લું મૂકાયું હતું. જન્મસ્થળની બાજુમાં આવેલ નવનીર્મિત પોલીસ સ્ટેશનનું વર્ષ ૨૦૧૫માં ‘રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પોલીસ ભવન’ નામકરણ કરાયું છે.

ઝવેરચંદ મેઘાણીની શૌર્યરસની વાત ‘સમરાંગણ’માં ઝીલાઈ છે. ઈતિહાસમાં બનેલી ઘટના કાંઈક આવી છે. ‘મેઘાણી ગાથા’માં એનો ઉલ્લેખ છે.

ગુજરાતનો સુલતાન નહનુ મુઝ્ઝફર શાહ ત્રીજો મુગલ બાદશાહ અકબર સાથેના યુદ્ધમાં હાર્યા બાદ રજવાડામાં આશ્રય શોધતો હતો. નવાનગરના જામ સતાજીએ એને આશ્રય આપવાનું સ્વીકાર્યું. રોષે ભરાયેલા અકબરે મુઝ્ઝફરને જીવતો પકડી આણવા ગુજરાત ખાતેના પોતાના સુબા મિર્ઝા અઝીઝ કોકાને લશ્કર અને સૈન્યસામગ્રી સાથે મોકલ્યો. જામ સતાજીએ રાજપૂત તરીકેના પોતાના ધર્મ અનુસાર મુઝ્ઝફરનું રક્ષણ કરવા નિર્ધાર કર્યો. ભીષણ જંગ થયો. હજારો માર્યા ગયા. લોહીની નદીઓ વહી.

જામ સતાજીના શૂરવીર પુત્ર કુમાર અજાજીના લગ્નની વિધિ ચાલુ હતી. અધૂરા ફેરે તેઓ મિત્રો-મહેમાનો સાથે યુદ્ધસ્થળે પહોંચ્યા અને જાનની બાજી ખેલતા વીરગતિ પામ્યા. અજાજીના બાળપણના સખા નાગ વજીરે પણ બન્ને બાહુ છેદાયા બાદ ઠુંઠા હાથે ઝઝૂમતા રહીને શહાદત વહોરી.

દ્વારકાની જાત્રા કરીને વતન પરત ફરી રહેલા ૧૦૦૦ જેટલા નાગા બાવાની જમાત ત્યાંથી પસાર થઈ, તેમણે પણ યુદ્ધમાં ઝંપલાવ્યું અને ઉમદા ઉદ્દેશ કાજે લડતા લડતા તમામે પ્રાણની આહૂતિ આપી.

ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે કે ‘હું ભૂચર મોરીનું સ્થળ જોવા ગયો. સંવત ૧૬૪૮, શ્રાવણ વદ સાતમને બુધવારનો એ યાદગાર બનાવ ધ્રોળના પાદરના રણથળ પર અંકિત છે. એ કેવળ સંહારભૂમિ હોત તો ઝાઝો રસ ન પડત, પણ ભૂચર મોરીનું એ પ્રેતસ્થાન માનવતાના સદ-અસદ આવેશોની લીલાભૂમિ છે. ‘સમરાંગણ’ એક જ મહિનામાં ચાલુ કામ સાથે પૂરી કરેલી. જેવી હો તેવી, મને તો મારા અંતરની અંદર સંઘરાયેલી કવિતા જેવી હતી. ‘સમરાંગણ’ તને ભૂલી નહીં શકું.’

સાહસ, શૌર્ય, માતૃભૂમિનો પ્રેમ, અતિથિની રક્ષા અને રાજપૂત ધર્મ જેવા સદગુણો ઝવેરચંદ મેઘાણીની કલમમાંથી ‘સમરાંગણ’ના પાને-પાને ધબક્યા કરે છે. (સંદર્ભઃ શ્રી ઝવેરચંદ મેઘાણી સંકલિત ‘મેઘાણી ગાથા’માંથી)

•••

રાજકોટથી ૫૦ કિલોમીટરના અંતરે જામનગર જિલ્લામાં ધ્રોળ પાસે ભૂચર મોરીમાં ખેલાયેલા ભીષણ યુદ્ધની કરૂણ કથની પર આધારિત નવલકથા ઝવેરચંદ મેઘાણીએ લખી હતી, જે ૧૯૩૮માં પ્રગટ થઈ.

શ્રાવણ મહિનાના દિવસો અને રાષ્ટ્રીય શાયરનો જન્મદિવસ પણ એ જ એટલે આ ઘટનાનું સ્મરણ થયું.

શૌર્યની વાતો અને ઘટનાઓથી આપણો ઈતિહાસ ઊજળો છે અને તેની વાત્યું લોકસમુદાય સુધી પહોંચાડનારા શ્રી ઝવેરચંદ મેઘાણી જેવા અનેક લેખકોએ આ વાતોને - ઈતિહાસને લોકો સુધી પહોંચાડ્યો છે જે વાંચીને આપણી આસપાસ અજવાળાં રેલાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter