ઉજવણીના ઉલ્લાસમાં માનવતા-કરુણા-દાન-ધર્મનો સમન્વય

અજવાળું અજવાળું

તુષાર જોશી Monday 19th March 2018 06:05 EDT
 

‘પપ્પા-મમ્મીના દામ્પત્યજીવનની આપણે અનોખી ઉજવણી કરવી છે.’ દર્શકે પત્ની રીનાને કહ્યું અને તેમાં ઉમળકાપૂર્વક સૂર પૂરાવતા પપ્પા-મમ્મીને ખબર ન પડે એમ રીના પણ દામ્પત્યજીવનના ૫૦ વર્ષની ઊજવણી દ્વારા પપ્પા-મમ્મીને યાદગાર ભેટ આપવામાં જોડાઈ ગઈ.
વાત છે ભાવનગરના જાણીતા ઉદ્યોગપતિ રમેશભાઈ શાહ અને તેમના પત્ની વસુમતીબહેનના મધુર દામ્પત્યજીવનના ઉજવણીના અવસરની. દર્શકે વિચાર્યું કે ‘માણસ મૃત્યુ પામે પછી તેનો પરિવાર દાન-ધર્મ કરે એમ નહિ, પરંતુ અમારે તો આ અવસરે જ યોગ્ય જગ્યાઓએ દાન આપીને મા-બાપનો રાજીપો લેવો છે.’ રમેશભાઈ વાત કરતા કહે છે અને ઉમેરે છે કે અમને બેઉને તો ફંક્શનમાં લઈ ગયા ત્યારે ખબર પડી કે આવી સુંદર ઊજવણી થવાની છે.
મધુસીલીકા કંપની જગવિખ્યાત છે અને રમેશભાઈ એના ચેરપર્સન છે. એમનું યોગદાન અનેક સંસ્થાઓમાં રહ્યું છે. સરળ-સાલસ અને હસમુખ-પ્રેમાળ એવું વ્યક્તિત્વ એમનું રહ્યું છે. સંગીતના કાર્યક્રમોમાં ટિકિટ પોતાની તો ખરીદે, મિત્રોને પણ સાથે લઈને આવે. કલાકારોને બિરદાવે. એમના લગ્નજીવનની સુવર્ણજયંતિની ઉજવણી નિમિત્તે દીકરા-વહુએ વિવિધ સંસ્થાઓને રૂ. ૫૦ લાખનું દાન કર્યું હતું.
આ અવસરે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું દાદાસાહેબ જૈન દેરાસરમાં. પૂજ્ય જયઘોષસૂરીશ્વરજી મહારાજના સમુદાયના આચાર્ય ભગવંત શ્રી મેઘવલ્લભસૂરીશ્વરજી, આચાર્ય ભગવંત શ્રી ઉદયવલ્લભસૂરીશ્વરજી, આચાર્ય ભગવંત શ્રી હૃદયવલ્લભસૂરીશ્વરજીની નિશ્રામાં બહુ જ ટૂંકો, મુદ્દાસરનો કાર્યક્રમ સંપન્ન થયો.
પરફેક્ટ યુથ સેશન શિબિર દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં બે હજાર જેટલા યુવાનો ઉપસ્થિત હતા જેમણે આ પ્રેરણાત્મક કાર્ય નિહાળ્યું.
ભાવનગર શહેરની ઓળખ અહીંની સામાજિક સંસ્થાઓ છે. સાતત્યપૂર્ણ રીતે રમેશભાઈ આવી અનેક સંસ્થાઓ સાથે આત્મીયતાથી જોડાયેલા રહ્યા છે. આ અવસરે સામાજિક ક્ષેત્રે, માનવતા ક્ષેત્રે, જીવદયાના ક્ષેત્રે, સાધર્મિક ભક્તિના ક્ષેત્રે કામ કરતી ૧૫ જેટલી સંસ્થાઓને તેઓએ દાન આપ્યું હતું.
ભાવનગર શહેર સમસ્તના ઉપાશ્રયોની વ્યવસ્થા સંભાળી રહેલા સ્ટાફ અને પોતાની કંપનીના ૨૨૦૦ માણસોને હરખરૂપે મીઠાઈના બોક્સ વહેંચ્યા હતા. જૈન ધર્મનું શિક્ષણ આપતી ધાર્મિક પાઠશાળાઓમાં ૧૪૫ જેટલા શિક્ષકોને પણ સન્માનિત કરાયા હતા.
મધુસીલીકા કંપનીનું કાર્યક્ષેત્ર એક સમયે કચ્છમાં પણ હતું, હાલ ભાવનગરમાં વરતેજ જીઆઈડીસી અને ચિત્રામાં એમની ફેક્ટરી આવેલી છે. ૫૦ દેશોમાં એમની પ્રોડક્ટ એક્સપોર્ટ થાય છે. ૧૯૭૦માં શરૂ થયેલ કંપની એની પ્રોડક્શન કેપેસીટીમાં ભારતમાં પ્રથમ અને વિશ્વમાં ત્રીજા ક્રમે છે એમ કહેતા રમેશભાઈ આનંદ અનુભવે છે. ૧૪ ઓગસ્ટ ૧૯૪૫માં ભાવનગરમાં જ જન્મીને હાયર એજ્યુકેશન મુંબઈથી મેળવી તેઓ ભાવનગરમાં જ સેટલ થયા છે. કવિતા - સંગીત - જૈન ધર્મ-સાહિત્ય-ચિત્રો વગેરે જેવા વિષયોના શોખ ધરાવનાર રમેશભાઈ અને વસુમતીબહેનના પરિવારે લીધેલું સુંદર પગલું અન્ય માટે પણ પ્રેરક બની રહ્યું.

•••

જન્મદિવસ અને લગ્નદિવસ જેવા અનેક મહત્ત્વપૂર્ણ દિવસે લોકો પોતાના રસ-રૂચિ અનુસાર ઉજવતા રહે છે. સ્વાભાવિક રીતે એમાં જે-તે વ્યક્તિ કે પરિવારનો આર્થિક દબદબો અને સામાજિક માન-મોભો અભિવ્યક્ત થતા હોય છે. કેટલાક પરિવારો આવી વિશિષ્ટ ઉજવણી કરીને ઉજવણીના ઊલ્લાસમાં માનવતાને-કરુણાને-દાનને-ધર્મને પણ જોડે છે ત્યારે એ વિશેષ મહત્ત્વપૂર્ણ ઉજવણી બની જાય છે.
ઉજવણીનો આનંદ કે ઊલ્લાસ પછી એ વ્યક્તિગત હોય કે સામૂહિક એમાં સમાયેલો આનંદ જ્યારે બહુજન સુખાય-બહજન હિતાય સુધી પહોંચે છે ત્યારે એનો આનંદ વધુ ફેલાય છે.
અમીર વધુ અમીર બની રહ્યા છે અને ગરીબ વધુ ગરીબ બની રહ્યા છે, વચ્ચે આવતો મધ્યમ વર્ગ આર્થિક રીતે બે છેડા માંડ ભેગા કરી રહ્યો છે. આ સમયે આવી ઊજવણી એ ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં ક્યાંક શીતળ વૃક્ષના છાંયડા જેવી છે. આવા દૃશ્યો સેવાના, સદગુણના ને સંસ્કારના અજવાળાં પાથરે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter