એક પુસ્તકનું પ્રાગટ્ય નગરજીવનને શ્રીમંત-સમૃદ્ધ બનાવે છે

અજવાળું અજવાળું

તુષાર જોષી Monday 03rd June 2019 05:26 EDT
 

૧૯૮૦ના વર્ષમાં ધોરણ દસની પરીક્ષાનું પરિણામ આવ્યું. ગાંધીનગરમાં રહેતા વિદ્યાર્થી પુલક ત્રિવેદીને ૫૮ ટકા માર્ક્સ આવ્યા. પિતા શ્રી મનુભાઈ ત્રિવેદીએ કહ્યું, ‘બેટા, મેથ્સ અને સાયન્સના વિષય કરતાં તું અભિવ્યક્તિની દુનિયામાં તારું ભવિષ્ય બનાવ તો સારું. તને ગમશે અને આગળ પણ આવીશ તારા જીવનમાં....’

પિતાજીના આ શબ્દો સાર્થક થયાનું ૩૧ મે ૨૦૧૯ની સાંજે, પોતાના જન્મદિવસે અનુભવી રહ્યા હતા રાજ્ય સરકારના માહિતી ખાતામાં સંયુક્ત માહિતી નિયામક તરીકે ફરજ બજાવતા અધિકારી અને ‘ગાંધીનગર સમાચાર’ની લોકપ્રિય કોલમ ‘આત્મનાદ’ના લેખક શ્રી પુલક ત્રિવેદી. અમદાવાદના એએમએમાં આવેલા જે.બી. ઓડિટોરિયમમાં એમના દ્વારા લિખિત અને જેપી ગ્રૂપ – નવભારત પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત પુસ્તક ‘ટૂંકું ને ટચ’ના લોકાર્પણનો એ યાદગાર અવસર હતો.

ગુજરાતમાં પ્રગતિશીલ-પારદર્શક સુશાસનના સારથી અને જેઓ સાહિત્ય-સંગીત તથા કલાના વિવિધ સ્વરૂપો સાથે આત્મીયતાથી જોડાયેલા રહ્યા છે એવા સંવેદનશીલ મુખ્ય પ્રધાન શ્રી વિજયભાઈ રૂપાણીએ પુસ્તકનું લોકાર્પણ કરતાં જણાવ્યું હતું કે સરસ્વતી સાધાનામાં ચોખા લગાવવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું છે. તેમણે લેખકને અભિનંદન પાઠવતાં ઉમેર્યું કે વિચાર અને લાગણીનો સમન્વય હોય તે સાહિત્ય અમરત્વ પ્રાપ્ત કરે છે. આ પ્રસંગે મુખ્ય પ્રધાનના હસ્તે લેખકના બ્લોગનો પણ શુભારંભ કરાયો હતો.

લેખકને પોતાના અખબારમાં કોલમ લખવા પ્રેરિત કરનાર શ્રી કૃષ્ણકાંત જ્હાએ પુસ્તકને આવકારતાં કહ્યું કે એક પુસ્તક પ્રગટ થાય એટલે નગરજીવન શ્રીમંત-સમૃદ્ધ બને છે. લેખકના સંદર્ભે તેઓએ ઉમેર્યું કે જીવનમંદિરમાં આરતીની ઝાલર વાગે તો તમારું લખેલું ને મારું છાપેલું સાર્થક થાય, જે આજે થયું છે એનો આનંદ છે.

જાણીતા પત્રકાર અને કોલમિસ્ટ શ્રી ભવેન કચ્છીએ કહ્યું કે આપણે સૌ સંવેદનાથી ક્ષતિગ્રસ્ત સમાજ વ્યવસ્થામાં જીવી રહ્યા છીએ એવા સમયે ‘ટૂંકું ને ટચ’ પુસ્તકના લેખોમાં સંવેદના ધબકે છે જે આત્મનાદથી આત્મસાક્ષાત્કારની દિશામાં વાચકને ગતિ કરાવે છે.

લોકપ્રિય લેખક અને વક્તા શ્રી જય વસાવડાએ કહ્યું કે સરકારમાં અને એ પણ ગાંધીનગરમાં રહીને અસરકારક લેખક થવું એ અઘરી વાત છે અને એ કામ લેખક શ્રી પુલક ત્રિવેદીએ સુપેરે કર્યું છે.

પુલક ત્રિવેદીને જાણનારા અને સમજનારા મિત્રો એમને વિચારવંત અધિકારી અને સંવેદનશીલ સર્જક તથા હંમેશા હાસ્યથી પુલકિત, ઊર્જાસભર વ્યક્તિત્વના ધની માનવી તરીકે ઓળખે છે. લાગણી અને બુદ્ધિ બંને વચ્ચે સંકલિત જીવનશૈલી અપનાવનાર પુલકભાઈની આસપાસ હંમેશા મિત્રોનો મેળો હોય, પછી એ એમની ઓફિસ હોય કે ચાની કીટલીની બેઠક. લોકો વચ્ચે રહીને લોકજીવનને સ્પર્શતી ઘટનાઓમાંથી તેઓ હંમેશા પોઝિટિવીટીને આત્મસાત કરતા રહ્યા છે.

પુસ્તક લોકાર્પણ અવસરે તેમણે પોતાના પ્રથમ પુસ્તકના લોકાર્પણને પ્રથમ બાળકના જન્મના આનંદ સાથે સરખાવી તેમની કારકિર્દીમાં માર્ગદર્શન-આશીર્વાદને શુભકામના પાઠવનાર સહુના પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી હતી. પરિધિ ત્રિવેદી-પરીખના સ્વરમાં શ્લોકગાન અને કેવલ ત્રિવેદીના આભારના શબ્દ સાથે સમાપન થયેલ કાર્યક્રમમાં જેપી ગ્રૂપ – નવભારત પબ્લિકેશન્સના શ્રી જયેશ શાહ અનિવાર્ય સંજોગોવશાત્ ઉપસ્થિત ન રહી શકતા એમનો સંદેશો શ્રી વિરેન્દ્ર શાહે વાંચી સંભળાવ્યો હતો. શ્રીમતી આરતી ત્રિવેદી અને વિરાંગ શાહે મહેમાનોનું પુસ્તકથી સ્વાગત કર્યું હતું.

મુખ્યમંત્રી કાર્યાલયના અગ્રસચિવ અશ્વની કુમાર, રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો તથા ઉચ્ચ અધિકારીઓ, પત્રકાર અને સાહિત્ય જગતના મહાનુભાવો, મીડિયાકર્મીઓ, કલાકારો, માહિતી ખાતાના અધિકારીઓ, પરિવારજનો અને સમાજના વિધવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

મિત્રો તો મહામૂલી મૂડી છે... તક આવીને ખોળામાં ક્યારેય પડતી નથી, ઊભી કરવાની હોય છે... જે પોતાના કામથી ખુશ હોય છે, એનાથી દુનિયા પણ ખુશ હોય છે.

આવા અનેક પોઝિટિવીટી તરફ લઈ જતા વનલાઈનર આ પુસ્તકમાં છે જે આપણા-વાચકના જીવનમાં અજવાળાં પાથરે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter