ગાંધીજીના સ્વપ્નને સાકાર કરતી આજની યુવા પેઢી

તુષાર જોષી Monday 14th May 2018 12:37 EDT
 

‘અરે અજાણ્યા ગામમાં સેવા કરવા જાવ તોયે કોણ સ્વીકારે? શરૂશરૂમાં બહુ કાઠું પડ્યું. બાળકોનો અને ગ્રામજનોનો પ્રેમ સંપાદન કર્યો એ પછી શરૂ થઈ મારી પેઢામલી ગામની યાત્રા.’

વાતવાતમાં એડવોકેટ અશોક દામાણીને જલદીપ ઠાકર કહે છે. જલદીપે પેઢામલી ગામમાં બાળકોના દાંત-નખ અને નાક-કાન સાફ કર્યાં છે, બાળકોને શાળાએ પહોંચતાં કર્યાં છે, શાળામાં વિદ્યાર્થીઓની જ નહીં, શિક્ષકોની સંખ્યામાં પણ અનેકગણો વધારો થયો છે. ગ્રામજનો સ્વચ્છતાનું, વ્યસનમુક્તિનું, શિક્ષણનું, સમૂહજીવનનું, પ્રાર્થનાનું અને સદભાવનાનું મૂલ્ય સમજતા થયા છે. ગામના લોકોએ અનેક તકલીફો-અણગમા સહન કરીને પણ એક વિચાર આંદોલન પ્રસરાવ્યું અને આજે ગામના બધા જ ઘરમાં ટોઈલેટ છે. ૨૦૧૬માં જાગૃતજન એવોર્ડ મેળવનાર જલદીપે ધખાવેલી ગ્રામ સુધારણાની ધૂણીના સુંદર પરિણામો નજરે પડી રહ્યા છે.
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં છેવાડે આવેલું છે પેઢામલી. ગામને ત્રણ તાલુકાના સીમાડા સ્પર્શે છે - ઈડર, હિંમતનગર અને વિજાપુર. વસ્તી માંડ હજારની ને મોટા ભાગે બક્ષીપંચના લોકોની. ઈતિહાસ કહે છે કે સાત-આઠ દાયકા પહેલાં ગામ ૨૫-૩૦ ગામોના હટાણાનું કેન્દ્ર હતું. અહીં ધંધા-રોજગાર ધમધમતા હતા. કાળક્રમે સમૃદ્ધિ ઘટી ને હવે સામાન્ય ગામડું બનીને રહી ગયું છે પેઢામલી.
ગાંધીજીના સ્વપ્નના ગ્રામોદ્ધારના કાર્યને સચ્ચાઈથી વળગી રહેનાર કેટલીક સંસ્થાઓમાંથી એક તે ગૂજરાત વિદ્યાપીઠ. આની એક શાખા રાંધેજામાં છે. અહીંથી માસ્ટર ઈન રુરલ મેનેજમેન્ટમાં સ્નાતક યુવાન જલદીપ ૨૦૦૬-૦૭થી ગામમાં આવીને વસ્યો છે. પિતા કનૈયાલાલ અને માતા જયશ્રીબહેનનો આ એકનો એક દીકરો છે. એ કહે છે, ‘ગૂજરાત વિદ્યાપીઠના સૂચનથી પેઢામલી જવાનું થયું, માતાએ અનુમતિ આપી, અને હું પહોંચ્યો અહીં.’
આદર્શો લઈને આવનારની વાતો ગામવાળા થોડા સાંભળે? એટલે શરૂમાં કાઠું પડ્યું પણ બાળકોના શિક્ષણના કાર્યો કરતાં કરતાં જલદીપે ગામલોકોનો વિશ્વાસ સંપાદિત કર્યો. શાળામાં બાળકો આવતા થયા, ભણતા થયા. એ સમયે ૩ શિક્ષકો હતા આજે ૯થી ૧૦ શિક્ષકો છે અને ૨૦૦ બાળકો ભણે છે. વ્યસનમુક્ત-સ્વચ્છ સમાજ ઘડતર માટેના એના પ્રયત્નો ફ્ળ્યા છે. જલદીપના પ્રયાસોથી, સરકારની સહાયથી, દાતાઓની મદદથી પેઢામલીના તમામ ઘરમાં શૌચાલય બન્યા છે. ઈન્દિરા આવાસ યોજનાના મકાનોનો લાભ અપાવ્યો છે. એમ.એ., બી.એડ. થયેલી સ્નેહલ ન કેવળ પત્ની બની, બલ્કે જલદીપના એક બાળકની જનેતા અને ગામના બે અનાથ બાળકોની પાલક માતા બની છે ને પતિના સેવાયજ્ઞમાં સતત પડખે રહે છે. છેલ્લા એક દાયકામાં ગામના એવા દર્દી જેને શહેરોની હોસ્પિટલોમાં ઓપરેશન જરૂરી હોય તેમના ઓપરેશનનો ખર્ચ રૂ. ૬૦ લાખને પહોંચી વળવા ઝોળી ફેરવવાનું કામ પણ જલદીપે કર્યું છે.
પેઢામલી ગામમાં શિક્ષણ, સ્વચ્છતા, મહિલાબચત, આરોગ્ય જેવા અનેક સામાજિક સુધારણાના પાયાના કાર્યો આ યુવાને ઉપાડ્યા છે. નિર્વ્યસની સેવાભાવી આ ગ્રામશિલ્પીને એના સુંદર કાર્યો માટે સલામ.

•••

ગ્રામ સ્વરાજની ગાંધીજીની પરિકલ્પનાને સાકાર કરવા મથનારા યુવાનો આજેય આપણી આસપાસ શ્વસે છે એ જ લાપસીના આંધણ મૂકવા જેવી ઘટના છે. અંતરિયાળ ગામમાં રહીને, ગ્રામજનો માટે જીવન સમર્પિત કરીને, આધુનિકતાનો અંચળો ઓઢ્યા વિના તેઓ ગામડાંઓની ભૌતિક રીતે કાયાપલટ કરવામાં લાગી પડ્યા છે. ગ્રામજનોના વ્યક્તિગત અને સામૂહિક પ્રશ્નોની કાયમી નિરાકરણની દિશામાં ભગીરથ કાર્યો તેમના દ્વારા થઈ રહ્યા છે. હસતાં હસતાં તેમનો પૂરો પરિવાર આવા કાર્યમાં જોડાય છે અને તેમના થકી ગ્રામજનોના ચહેરા પર હાસ્ય લહેરાય છે.
શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી, વીજળી, સડક, બજારવ્યવસ્થા જેવા મહત્ત્વના ક્ષેત્રોમાં ગામડાંનો વિકાસ આવા સમર્પિત લોકોના માધ્યમથી થતો જોવા મળે, એવા કાર્યોમાં વ્યક્તિગત કે સામૂહિક રીતે સ્વયંભૂ રીતે જનભાગીદારી જોડાય ત્યારે અજવાળાં રેલાય છે.

લાઈટ હાઉસ
હિન્દી ફિલ્મોના ગીતોમાં અને ગુજરાતી કવિતાઓમાં ગ્રામ્ય વિસ્તારનું સુંદર વાતાવરણ જોવા મળે છે એવું આહલાદક વાતાવરણ સર્જવાની કોશિશ કરીએ.


comments powered by Disqus


The Expansion of Heathrow Airport


Dear valued reader,

Here at Gujarat Samachar, we are conducting an investigation in to the potential impacts of the expansion of London's Heathrow Airport. Following Parliaments' approval of the construction of a third runway, we are seeking to gain a better understanding of how the public feels regarding this sizeable proposal. We ask that you reply to our questionnaire so that we can get a feel of how our readers view the potential expansion. Views of those local to West London are particularly welcome.to the free, weekly Gujarat Samachar email newsletter