જનજાગૃતિ થકી રચાય છે શુભ વિચાર - શુભ આચારની સાંકળ

તુષાર જોષી Saturday 17th August 2019 07:13 EDT
 

‘મને વચન આપ દીકરા, કે તું હયાત હો ત્યાં સુધી ૧૫મી ઓગસ્ટ અને ૨૬મી જાન્યુઆરીએ તું ‘દામાણીસ’ પર ધ્વજવંદન કરીશ અને રોજ રાષ્ટ્રગીત વગાડીને કામની શરૂઆત કરીશ.’
૮૮ વર્ષના ચુસ્ત જૈન ધર્મ પાળનાર માતા કમુબાએ દીકરા અશોકને ૨૦૦૬ના વર્ષમાં કહ્યું હતું અને ત્યારથી લઈને વર્તમાન સમયમાં - ૨૦૧૯ ઓગસ્ટ ૧૫ સુધી આ વચન દીકરાએ સાતત્યપૂર્ણ રીતે પાળ્યું છે.
સરકાર-જાહેર સંસ્થાઓ-શાળાઓ-ક્લબો-સેવા સંસ્થાઓ કે કોર્પોરેટ સંસ્થાઓ રાષ્ટ્રીય તહેવારોની ઊજવણી કરે જ છે, પરંતુ આ તો અમદાવાદ શહેરના એક વકીલની ઓફીસની વાત છે, જે પ્રત્યેક ભારતીયના લોહીમાં રાષ્ટ્રભક્તિ વહે છે, રાષ્ટ્રભક્તિથી એ પુલકિત છે એની પ્રતિતી કરાવે છે. અશોક દામાણીના દાદા હીરા ભગત પહેરવેશથી લઈને જીવન આચરણમાં નખશીખ ગાંધીવાદી. મૂળ વતન ભાવનગર જિલ્લાનું સોનગઢ ગામ. એમના પિતા ચુનીલાલભાઈ. આઝાદીની લડતના સમયે જેલવાસ ભોગવેલો.
૨૦૦૬ના વર્ષમાં અશોકભાઈએ પોતાની ઓફીસ ‘દામાણીસ’નો શુભારંભ માતા કમુબાના હસ્તે તેમના જ સ્વરમાં માંગલિક સાથે કરાવ્યો. એક મહિનામાં સ્વાતંત્ર્ય દિન ૧૫ ઓગસ્ટ આવ્યો. માએ દીકરાને કહ્યું, ‘બેટા, સ્વાતંત્ર્ય દિને ધ્વજવંદન તો કરીશું ને!’ થોડાક મિત્રો ભેગા થયા, માથે સાડીનો છેડો ઓઢીને માએ ધ્વજવંદન કર્યું. માએ દીકરાને હાથ ઝાલીને કહ્યું, ‘તારા બાપુ અને તારા દાદા ગાંધી રંગે રંગાયેલા હતા, આપણા ગામના પ્રથમ ધ્વજવંદનમાં હું હાજર હતી. એ દિવસો મને યાદ આવી ગયા.’ ને પછી એમણે લેખના આરંભે લખેલી વાત દીકરાને જણાવી.
એ દિવસથી ઓફીસના રોજિંદા કામનો આરંભ રાષ્ટ્રગીતની પ્રાર્થનાથી થાય છે. અશોકભાઈએ પોતાના શુભ વિચારોને સાકાર કરવા જાગૃતજન નામે ટ્રસ્ટનો આરંભ કર્યો. રાષ્ટ્રીય તહેવારોની ઊજવણી-શાળાઓમાં વિવિધ કાર્યક્રમો અને પ્રવચનો - વિવિધ સમાજોપયોગી અભિયાનો - સ્પર્ધાઓ - સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા ગયા. વર્ષ ૨૦૧૨થી ૧૨૦૦-૧૫૦૦ લોકોની હાજરીમાં હોલમાં યોજાતો થયો, સ્વાતંત્ર્ય પર્વનો કાર્યક્રમ.
ડો. સુમંત શાહના સૂચનથી ૨૦૧૨ના વર્ષથી સમાજના અલગ અલગ ક્ષેત્રોમાં સઘળું દાવ પર લગાવીને એકનિષ્ઠાથી કાર્ય કરી રહેલા સમાજસેવકોને જાગૃતજન એવોર્ડ આપવા નક્કી કરાયું. મહિલા જાગૃતિ - ગ્રામ્ય વિકાસ - આરોગ્ય - કુષ્ઠરોગ નિવારણ - આદિવાસી વિકાસ - બાળકોમાં શિક્ષણપ્રસાર - વ્યસનમુક્તિ - કૃષિ - પર્યાવરણ - દિવ્યાંગો માટે કાર્ય - સ્વરોજગારી - રમતગમત જેવા અનેક ક્ષેત્રોમાં કામ કરનારાઓને જાગૃતજન એવોર્ડ અપાય છે. જેમાં રૂ. ૫૧ હજાર, સન્માનપત્ર અને શાલ અર્પણ કરી એમના કાર્યને બિરદાવવામાં આવે છે.
‘જન જાગે, જગ જાગે’ સૂત્ર અંતર્ગંત માણસના રોજિંદા જનજીવનના પ્રશ્નો જેમ કે ટ્રાફિક સમસ્યા, પર્યાવરણ જાળવણી, જરૂરિયાતમંદોને આર્થિક કે અન્ય સહાય, શિક્ષણ સહાય, પાણીની બચત, ઊર્જાબચત, સ્વચ્છતા અભિયાન, રાષ્ટ્રીય સદ્ભાવનાનો પ્રસાર જેવા ક્ષેત્રે કામ થઈ રહ્યું છે. આ બધામાં મહત્વ એ વાતનું છે કે તેમાં સરકારી અનુદાન લેવા, રાજકીય વ્યક્તિને સામેલ કરવા, સ્વાર્થવશ કાર્યો કરવા અને કોમર્શીયલ સ્વરૂપ આપવા પર સંપૂર્ણપણે નિષેધ મુકાયો છે. પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈ, પદ્મશ્રી બાલકૃષ્ણ દોશી, હેમેન્દ્ર ગાંધી, શ્રીકાંત દામાણી, ડો. સુમંત શાહ, ડો. ધીરેન જોષી જેવા અનેક સ્વજનોનો સહયોગ સાંપડી રહ્યો છે જાગૃતજન ટ્રસ્ટની કામગીરીને.
ટ્રસ્ટના શ્રી કિરીટ દામાણી કહે છે કે, ‘એક પહોંચતો પામતો માણસ બીજા માત્ર એક માણસને પણ હૈયું - હાથ કે હૂંફ આપીને, એના જીવનને આગળ વધારવામાં નિમિત્ત બને તો સમાજ જીવનનું દૃશ્ય અનેકગણું ઊજળું થઈ શકે. વાત પણ સાચી છે. આપણી પાસે જે કાંઈ છે એ બીજાને આપીને, આપવાનો આનંદ પ્રાપ્ત કરનાર હંમેશા સુખી થાય છે. પ્રસન્ન રહે છે એ અનુભૂતિ બધાને ક્યારેક તો થઈ જ હશે.
જાગૃત થવું એટલે શરીરનું માત્ર ઊંઘમાંથી ઊઠવું એમ નહિ, પરંતુ મનને - હૃદયને સંવેદનાથી જાગૃત કરવું, પરદુઃખે દુઃખી થવું, કોઈની અસહાયતામાં એનું સન્માન જળવાય એમ એની પડખે ઊભા રહેવું, માત્ર અધિકારોની જ વાત કરવી એમ નહિ બલ્કે જવાબદારીઓનું વહન કરવું, પોતાના જ સ્વાર્થનું નહિ પરંતુ સર્વના હિતનું વિચારવું અને એ પ્રમાણે વર્તવું, નાગરિક ધર્મ નાની નાની બાબતોમાં સાચવવો અને યોગ્ય વિવેક સાથે સામાજિક જવાબદારીને અનુસરવું, સંપ્રદાય કે ધર્મ ભલે સ્વયં ગમે તે મુજબ અનુસરીએ પરંતુ માનવધર્મ ક્યારેય ચુકીએ નહિ... આવું થાય ત્યારે પ્રત્યેક જન જન જાગૃત બને ત્યારે શુભ વિચારોની અને શુભ આચારોની એક માનવસાંકળ આપોઆપ રચાય છે. માનવ ધર્મ માટે આપોઆપ સાહજિકપણે સહુ ભેળા થાય છે, માનવતાના મંદિરમાં માનવની પૂજા થાય છે અને જાગૃતિના-માનવધર્મના અજવાળાં રેલાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter