પરંપરાના જતન સાથે સૂરિલી સફળતાનું સંવર્ધન

તુષાર જોષી Monday 29th May 2017 08:01 EDT
 

‘અરે મોતીકાકા કેમ દેખાતા નથી, ક્યાં ગયા?’ બેન્ડ વગાડી રહેલા વાદકો તરફ જોઈને શહેરના જાણીતા એડવોકેટ અને જાગૃત જન સંસ્થાના સ્થાપક અશોક દામાણીએ પૂછ્યું તો જવાબ મળ્યો કે... ‘સાહેબ અહીં જે વગાડે છે તે બધા જ મોતીકાકા તો છે!’

અવસર હતો ગુજરાતના જાણીતા બિઝનેસ ગ્રૂપ ગાંધી કોર્પોરેશન દ્વારા આયોજિત ‘વેકેશન-૨૦૧૭’ના ઉદ્ઘાટનનો. ગાંધી પરિવારના હેમુ ગાંધી, પુત્ર અમલ ગાંધી, પુત્રવધુ સલોની અમલ ગાંધી અને યુવાન પુત્ર અમલ ગાંધીના માર્ગદર્શન અને આયોજનમાં વેકેશન-૨૦૧૭નું શાનદાર આયોજન કરાયું હતું. ૨૦ વર્ષની સાતત્યપૂર્ણ યાત્રા પુરી કરીને આયોજન ૨૧મા વર્ષમાં પ્રવેશ્યું છે. અમદાવાદમાં રહેતા અને આસપાસથી વેકેશનમાં અમદાવાદ આવતા પરિવારો અને તેમના બાળકો માટે મનોરંજન તથા માહિતીનું અદભૂત નજરાણું બની રહેલા વેકેશનમાં દર વર્ષે ભારતના અને વિશ્વના જાણીતા સ્થળો તથા પ્રવાસન સ્થળોની પ્રતિકૃતિ થીમ આધારિત થાય છે. લંડન બ્રિજ, વેનિસ, એફિલ ટાવર, ભારતની સંસદ જેવી અનેક થીમ બાદ આ વર્ષે દુબઈની થીમ પ્રયોજાઇ છે. ૧૧ દિવસમાં ૮-૯ લાખ વ્યક્તિઓ તેની મુલાકાત લે છે અને આનંદ મેળવે છે. બાળકોમાં રહેલી વૈવિધ્યપૂર્ણ કલાને પ્રોત્સાહન આપવા અહીં જ રોજ વિશાળ સ્ટેજ પર કોમ્પિટીશન થાય છે અને તેને વિધવિધ ક્ષેત્રના મહાનુભાવો દ્વારા પુરસ્કૃત કરાય છે.

વર્ષોથી આ આયોજનમાં હિન્દ જીઆ બેન્ડ દર્શકોના આગમનને મધૂર સુરોથી સજાવે છે. અમદાવાદના માણેક ચોક અને સીજી રોડ વિસ્તારમાં ઓફિસ ધરાવતા આ બેન્ડની સ્થાપના સમયના કાર્યકાળને યાદ કરતા રીમાબહેન કહે છે, ‘૧૯૩૬માં મારા દાદા જીઆલાલ થડાનીએ આ બેન્ડની સ્થાપના કરી હતી. એ પછી અમારો પરિવાર ૧૯૪૦માં અમદાવાદ સ્થાયી થયો. એમના ત્રણે પુત્રોએ અમદાવાદ-જયપુર-દિલ્હીમાં એ જ જોમ-જુસ્સો અને સમર્પણથી જીઆ બેન્ડના કાર્યક્ષેત્રનો વિસ્તાર કર્યો. બ્રાસ બેન્ડને નવી ઓળખ આપી.’

અમદાવાદમાં જીઆ બેન્ડ કોઈ શુભ અવસરે પરફોર્મ કરે એ ગૌરવની ઘટના ગણાય છે. અમદાવાદમાં કાર્યભાર સંભાળનાર મોતીલાલજી પોતે ખૂબ સારા અકોર્ડીયન પ્લેયર હતા. એમની સંગીતની સુઝ અને સમર્પણના કારણે તેમજ માનવીય અભિગમના લીધે જીઆ બેન્ડ માત્ર એક કંપની ન બની રહેતા એક પરિવાર બની રહ્યો. અંદાજે ૩૦૦ જેટલા લોકો જીઆ બેન્ડ સાથે જોડાયેલા છે અને એમાંના કેટલાયે ૩૫-૪૦ વર્ષોથી સતત સાથે રહ્યા છે. આમ ૩૦૦ જેટલા પરિવારો માટે જીઆ બેન્ડ રોજગારીનું ગૌરવપૂર્ણ માધ્યમ બની રહ્યું છે. મોતીલાલજીના દીકરા લંડનમાં રહે છે. એમના દીકરી રીમાબહેન બેન્ડના કાર્યને, તેના સ્ટાફના પ્રશ્નોને, કામગીરીને બરાબર સમજી લીધા એ પછી જ મોતીલાલજીએ દીકરીને બેન્ડનું કામ સોંપ્યું.

રીમાબહેન પિતાજીના સ્મરણો યાદ કરતા કહે છે કે પિતાજીએ ગ્રાસ રૂટ લેવલે કામ કર્યું. એમણે મને કહ્યું હતું કે રાજા અથવા પ્રજા બેમાંથી એક પસંદ કરો - પ્રજાને રાજી રાખવાની જવાબદારી સ્વીકારો તો એને ઉપાય આપજો... આજે એમના આશીર્વાદથી ૮૧ વર્ષ જૂની આ કંપનીની ધરોહરને અમે આગળ વધારી રહ્યા છીએ એનો આનંદ છે. આ ક્ષેત્રમાં કામ કરનાર એકમાત્ર દીકરી રીમાને જીઆ બેન્ડનું કાર્ય સંભાળવાનું અપાર ગૌરવ છે. લગ્નના અવસરે પ્રિ અને પોસ્ટ વેડિંગ હોય કે વરરાજાનો વરઘોડો હોય, રાજ્ય સરકારના કાર્યક્રમો હોય કે ધાર્મિક-સામાજિક કાર્યક્રમો હોય... જીઆ બેન્ડ સૂરથી વાતાવરણને ઉલ્લાસમય બનાવી દે છે.

•••

ઘટના એવી હતી જ નહિ કે એના પર ધ્યાન જાય... એક નાનકડો સંવાદ કાને પડ્યો અને એમાંથી સમર્પણની સંગીતની નોખી-અનોખી વાત મળી.

બ્રાસ બેન્ડની એક કંપની આઠ દાયકા સતત ચાલે એ જ એક મોટી ઘટના. બીજી ઘટના એ કે કંપનીના માલિકો સાથે કામ કરનારાને પરિવારના સભ્યો માનીને તેમનું ધ્યાન રાખે. ત્રીજી વાત એ કે એક દીકરી આજે બ્રાસ બેન્ડની સમગ્ર વ્યવસ્થા સંભાળે... સ્ત્રીશક્તિકરણનો મહિમા જીવંત થાય.

એક વ્યક્તિના નહિ, ત્રણ પેઢીના લોકો એકસમાન પદ્ધતિથી કામ કરે... જીવનના મૂલ્યોને વધુ સંવર્ધિત કરે.. એક વ્યક્તિ ન રહે પણ એમની સાથેના કામ કરનારા જાણે એમનું જ સ્વરૂપ છે એવી ભાવના વ્યક્ત કરે ત્યારે સૂરોના દીવડા પ્રગટે છે અને એના અજવાળા રેલાય છે.

લાઇટ હાઉસ

મેં જહાં રહું,

મેં કહીં ભી રહું,

તેરી યાદ સાથ હૈ...


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter