પરિશ્રમ, બચત ને રોકાણનું મહત્ત્વ સમજવું રહ્યું

અજવાળું અજવાળું

તુષાર જોષી Tuesday 01st October 2019 15:17 EDT
 

‘અરે મૈં હું ના બારહમાસી મજદુર, મૈં હી ઈસે લીફ્ટ મેં નીચે લે જાકર, કલ યા પરસો સુબહ સુબહ અપને ઘર સે થોડે દૂર જહાં રાસ્તે કા નિર્માણ હો રહા હૈ વહાં ડાલ આઉંગા....’ હસતાં હસતાં પિયુષે કહ્યું અને ભૂતકાળમાં કરેલા આવા સ્વાભાવિક પરિશ્રમના કેટલાક કિસ્સાઓ પણ કહ્યા. જે સાંભળીને આવા પરિશ્રમી ને કરકસરમાં માનનારો જમાઈ મળ્યાનો આનંદ અને ગૌરવ એના સાસુ-સસરાએ અનુભવ્યા.

‘અરે મૈં હું ના બારહમાસી મજદુર, મૈં હી ઈસે લીફ્ટ મેં નીચે લે જાકર, કલ યા પરસો સુબહ સુબહ અપને ઘર સે થોડે દૂર જહાં રાસ્તે કા નિર્માણ હો રહા હૈ વહાં ડાલ આઉંગા....’ હસતાં હસતાં પિયુષે કહ્યું અને ભૂતકાળમાં કરેલા આવા સ્વાભાવિક પરિશ્રમના કેટલાક કિસ્સાઓ પણ કહ્યા. જે સાંભળીને આવા પરિશ્રમી ને કરકસરમાં માનનારો જમાઈ મળ્યાનો આનંદ અને ગૌરવ એના સાસુ-સસરાએ અનુભવ્યા.

અત્યારે એવું જોવા મળે છે કે એમાંયે જિંદગીના બીજા-ત્રીજા દાયકામાં જીવી રહેલા યુવાનો પરિશ્રમ કરવાનું પસંદ નથી કરતા, એ લોકો આવા કામો પૈસા આપીને કરાવી લે છે. એમની માનસિકતા એમને મુબારક પણ આથી સમાજજીવનમાં સ્વપુરુષાર્થ કે સ્વપરિશ્રમનું મહત્ત્વ ઘટતું જતું દેખાય છે. અલબત્ત આ એક સામાન્ય અવલોકન છે. બધા જ આવા હોય એવું માનવાને કારણ નથી એ વાતની પ્રતીતિ પરિવારજનોને પિયુષે કરાવી હતી.
મા રેવા એટલે કે નર્મદાનો પ્રાર્દુભાવ જ્યાંથી થયો એ ભૂમિ મધ્ય પ્રદેશ અને વિશ્વપ્રસિદ્ધ ભેડાઘાટની નજીક આવેલા જબલપુર શહેરમાં એનો જન્મ અને ઉછેર. એની ઉંમર માંડ ત્રણ-ચાર વર્ષની હશે ત્યાં બીમારીએ પિતાનો ભોગ લીધો. મમ્મીએ કોલેજમાં લેક્ચરર તરીકે નોકરી કરતાં કરતાં પરિશ્રમ કરીને મોટી બહેન અને પિયુષનો ઉછેર કર્યો. પિયુષે એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી.
કારકિર્દીના ઘડતર માટે ઈન્દોર એક ખાનગી કંપનીમાં જોડાયો. મિત્રો સાથે રહેતા રહેતા વ્યક્તિ-ઘડતરના પાઠ શીખવા માંડ્યો. મમ્મીનો સંઘર્ષ એની નજર સામે હતો એટલે બિનજરૂરી એક પણ રૂપિયો ક્યાંયે વાપરવો નહીં, કપડાં ધોવાં, કચરાં-પોતાં કરવા, રસોઈ બનાવવી જેવા તમામ કામ જાતે કરવા... એમ સ્વયં અનુશાસનથી ટેવાઈ ગયો.
એક વર્ષ પસાર થયું. ઈન્દોરથી દિલ્હી જવાનું આવ્યું. એ દિવસોનું સ્મરણ કરતાં તેણે કહેલી વાતનો સાર એ હતો કે ઈન્દોર રેલવે સ્ટેશને તો મિત્રોએ સામાન ટ્રેનમાં ચડાવી આપવામાં મદદ કરી હતી, પણ ટ્રેન દિલ્હી પહોંચી ત્યારે એ ચિંતા હતી કારણ કે એકલા પિયુષ પાસે કુલ ૬ દાગીના હતા. બહાર પ્લેટફોર્મ પર મૂકે તો સામાનનું ધ્યાન કોણ રાખે? જેમ તેમ કરીને, સાથી મુસાફરને વિનંતી કરી એ પ્લેટફોર્મ પર ઊભો રહ્યો. કુલીને પૂછ્યું તો કોઈ કુલી ૨૫૦ રૂપિયાથી ઓછી રકમમાં આવવા તૈયાર નહીં. દિલ્હી જેવા મહાનગરમાં પગ મુકતાં જ પૈસા આમ વાપરવા તે યોગ્ય છે કે નહીં? પાંચ મિનિટ વિચાર કર્યો અને પછી કહે છે કે, ‘મૈં હી કુલી બન ગયા, અપના સામાન અપને કંધે પે લે લીયા, માથે પે ભી લીયા, હાથો મેં લીયા ઔર સારે કે સારે ૬ લગેજ લેકર મેં હી દાદર ચઢકર - ઉતરકર ટેક્સી તક પહુંચા... મુશ્કીલ કામ થા મગર પૈસે બચાને થે!’
આમ એણે દિલ્હીમાં સેટલ થઈને કરકસર સાથે પોતાની કરિયરને ગતિ આપી. ત્યાંથી મુંબઈ ગયો. તો પણ એ જ લાઈફસ્ટાઈલ.... આજે પણ એ મોંઘા અને બ્રાન્ડેડ વસ્ત્રો કે પરફ્યુમ વાપરે પણ જરૂર હોય ત્યારે જ ખરીદે. બજારમાં ગયા હતા એટલે ખરીદતા આવ્યા કે ‘સેલ’ હતું એટલે લેતાં આવ્યા એમ નહીં!
આજની પેઢીમાં પરિશ્રમનો મહિમા સમજાય, તેઓ પોતે કમાયેલા પૈસા વેડફે નહીં, યોગ્ય બચત કરે, તેનું યોગ્ય રીતે ઈન્વેસ્ટમેન્ટ કરે, ખુબ હરે-ફરે, પ્રવાસ કરે એ બધી વાતોને આ યુવાને પોતાના જીવનમાં અત્યાર સુધી આત્મસાત્ કરી છે.
સમગ્ર વિશ્વમાં જ્યારે આર્થિક ક્ષેત્રની ચિંતા છે, એવા સમયે જરૂર હોય ત્યાં વાપરવા પણ આંધળી ખરીદી ના કરવી, જાતે પરિશ્રમ કરીને શક્ય તેટલા પૈસા બચાવવા, કરકસર કરીને બચત કરવી, એ પૈસા પોતાના આનંદ માટે વાપરવા, આવા આવા વિચારો સાથે વ્યક્તિત્વો જોવા મળે ત્યારે પરિશ્રમના દીવડા પ્રગટે છે અને અજવાળાં રેલાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter