પુસ્તકો એ સમાજનું પ્રતિબિંબ છે

અજવાળું અજવાળું

તુષાર જોષી Monday 03rd December 2018 06:06 EST
 

‘હું સાત વર્ષથી નિયમિત આ પુસ્તક મેળામાં આવું છું. શિક્ષક છું ને વિદ્યાર્થીઓને પણ અહીં આવવા માટે આગ્રહ કરું છું.’ મૌરેયા ગામના શિક્ષક ત્રિભુવન રાઠોડે કહ્યું. ‘અમે દર વર્ષે મારી આસપાસ રહેતા વિદ્યાર્થીઓને લઈને આવીએ, પુસ્તક મેળાના તમામ કાર્યક્રમો માણીએ છીએ.’ નવા વાડજની શિક્ષિકાએ કહ્યું. ‘અમે અમેરિકાથી આવીએ તો હવે પુસ્તક મેળો હોય એ દિવસોમાં આવવાનો પ્રયત્ન કરીએ છીએ.’ ડો. બ્રહ્મભટ્ટે કહ્યું અને એમના જેવો જ ધ્વનિ સંભળાયો લંડનથી આવેલા પત્રકાર જ્યોત્સનાબહેન શાહની વાતમાં.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતત સાતમા વર્ષે યોજાયેલા પુસ્તક મેળાને અહીં આવેલા મહાનુભાવો-વાચકો-ભાવકો-પદાધિકારીઓ-અધિકારીઓ અને વિધવિધ કલાના ઉપાસકોએ આવકાર્યો હતો, વધાવ્યો હતો. નેશનલ બુક ફેરમાં પરબ અને ફૂડ કોર્ટ તથા પ્રદર્શન હતા. સાથે સાથે જ રોજ સાંજે યોજાયેલા કાવ્યસંગીત-લોકસંગીત-હાસ્યરસ-કવિ સંમેલન-હિન્દી ફિલ્મી ગીતોના કાર્યક્રમો લોકોએ મનભરીને માણ્યા. ફિલ્મ સ્ક્રિપ્ટ, બ્લોગ રાઈટિંગ, કવિતાલેખન જેવા વિષયો પર યોજાયેલા સેમિનારમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. બાળકોને લક્ષમાં લઈને વિવિધ વર્કશોપ પણ યોજાયા હતા.
પુસ્તકો એ સમાજનું પ્રતિબિંબ છે એવું આપણે સાંભળતા-વાંચતાં આવ્યા છીએ. પુસ્તકો સુખદુઃખના સમયે આપણા ઉત્તમ સાથી બની રહે છે એ વાત આપણે અનુભવી છે. બધું જ વાંચવાલાયક હોય છે એવું કહેવાનો પણ આશય નથી, કેટલીક વાર તો ૨૦૦-૩૦૦ પાનાનાં પુસ્તકનો અર્ક કે સાર પામતા માંડ ૩૦ મિનિટ થાય છે. માણસ પાસે શું વાંચવું અને શું ના વાંચવું એનો સાહજિક વિવેક હોય છે જે એને સાચા પુસ્તકો સુધી લઈ જાય છે.
પુસ્તકોના વાંચનથી શું પ્રાપ્ત થાય? વ્યક્તિગત રીતે - ઉંમરના જુદા જુદા તબક્કે જુદા જુદા જવાબો હોઈ શકે, કેટલાક આ રહ્યા.
• આપણે માત્ર બીજાના જ નહિ, આપણા દોષ પણ જોઈ શકીએ છીએ. • મનને, બુદ્ધિને ઉદાર અને ઉદ્દાત બનાવે છે. • જ્ઞાન અને માહિતીની સાથે ભાવનાત્મક ઊર્જા મળે છે. • સદ્ગુણોનો વિકાસ થાય છે. • સંસ્કાર સિંચન થાય છે, મનોરંજન મળે છે. • બીજાના અનુભવો આપણા સુધી પહોંચે છે. પરિણામે આપણા જીવનમાં એવા પ્રસંગો બને ત્યારે ઉકેલની દિશા - કમસે કમ જાણકારી જેટલી તો - ખુલ્લી જ હોય છે. પુસ્તકો ઘરેબેઠાં સમગ્ર વિશ્વનો પ્રવાસ કરાવી શકે છે. પ્રાચીન સભ્યતા કે સંસ્કૃતિ વિશે, વેદ-ઉપનિષદ વિશે, વિશ્વના દેશો વિશે જાણકારી મેળવવી હોય તો ક્યાંથી મળે? માધ્યમ ગમે તે હોય આખરે તો પુસ્તક સુધી જ જવું પડે છે. કોઈ એક શ્લોક-સૂત્ર-ગીત-કાવ્ય-વાર્તા-બોધકથા આપણને બહુમૂલ્ય લેશન આપે છે ને પરિણામે એમાંથી આપણે આપણા જીવનમાં જ્યાં છીએ ત્યાંથી બે ડગલાં આગળ જવાનો પ્રયત્ન કરી શકીએ છીએ.
પરિવર્તનના પવનને ઝીલતા ઝીલતા હવે યુવાનો હાર્ડ કોપીના બદલે સોફ્ટ કોપી, ઈન્ટરનેટના માધ્યમ પર પુસ્તકો વાંચતાં થયાં છે. ટ્રેનમાંને, એરપોર્ટ પર આ વાતની પુષ્ટિ કરતાં અનેક દૃશ્યો આપણને જોવા મળે છે. અમદાવાદ નેશનલ બુક ફેરમાં પણ મોટી સંખ્યામાં યુવાનો આવ્યા. તેઓએ ખાસ્સો સમય ત્યાં વિતાવ્યો અને પોતાનો આનંદ બીજે વહેંચ્યો પણ ખરો! એમ કહીને કે ‘અમે પુસ્તક મેળામાં ગયાં’તાં. બહુ આનંદ આવ્યો...’ નાના બાળકો એમના ગમતાં પુસ્તકો લઈને મમ્મી-પપ્પા સાથે બહાર આવતાં હોય ત્યારે જાણે મીઠાઈ, રમકડાં કે ડ્રાયફ્રુટ્સ તહેવાર નિમિત્તે લઈ આવતા હોય તેવો આનંદ એમના ચહેરા પર જોવા મળતા હતો. અમદાવાદના મેયર બીજલબહેન પટેલના માર્ગદર્શનમાં યોજાયેલા સમગ્ર આયોજનની સરાહના થઈ. અહીં આવનાર પુસ્તકપ્રેમીને પોતપોતાની રસ-રુચિ અનુસાર બહુભાષી પુસ્તકો અને આનુષાંગિક પ્રવૃત્તિઓ મળી રહ્યાં એનો આનંદ તેમના ચહેરા પર અને તેમના શબ્દોમાં અભિવ્યક્ત થયો.

•••

મહાત્મા ગાંધીથી લઈને દેશ-વિદેશના મહાનુભાવોના જીવનનો અભ્યાસ કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે ક્યાંક-ક્યારેક અથવા મોટાભાગે તેઓ પુસ્તકો સાથે વાચક તરીકે જોડાયેલા રહ્યા છે. આપણે ત્યાં ૬૪ કલાનું વર્ણન છે એમાંની એક પુસ્તક વાંચન પણ છે. પુસ્તક વાંચન જીવનનો એક ભાગ બની જાય, એના વિના દિવસ અધૂરો લાગે ત્યારે પુસ્તકપ્રેમીને પુસ્તકનું મહત્ત્વ સમજાય છે. આવો, ૨૪ કલાકના દિવસમાં ૨૪ મિનિટ પણ પુસ્તક વાંચનની આદત કેળવીએ અને પુસ્તકોમાંથી મળતાં અજવાળાંને ઝીલીએ.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter