પ્રેમમાં જે માપવા જાય તે ક્યારેય ના ફાવે, પ્રેમમાં તો બસ માત્ર પામવાનું હોય

અજવાળું અજવાળું

તુષાર જોષી Tuesday 14th December 2021 05:53 EST
 

‘લગ્નજીવનના ત્રણ દાયકા પુરા કર્યા એ માટે તમને બંનેને અભિનંદન...’ એક દંપતીના ઘરે મેરેજ એનિવર્સરી નિમિત્તે યોજાયેલા મિલન સમારોહમાં બીજા મિત્રે શુભેચ્છા પાઠવતાં કહ્યું.

બીજા મિત્રે પ્રસન્ન અને સમજદારીભર્યા દામ્પત્યજીવનનું રહસ્ય પૂછ્યું એટલે જેમની લગ્નતિથિ હતી એ પત્નીએ કહ્યું, ‘હું જરા જેટલું બોલું અને એ પંદર મિનિટ પ્રવચન આપે... બસ એમાં તમે સમજી જાવ.’ એટલે આ વાતનો છેડો આગળ લઈ જતાં પ્રથમ મિત્રે કહ્યું, ‘ભાભી, તમે જરાક બોલો છો પણ અમારો આ ભાઈબંધ એની પાછળ પંદર મિનિટનો સમય આપે છે, તમારે મન એ સમય ટાઈમપાસ છે’ અને બધા હસી પડ્યા.
સામાન્ય રીતે દર વર્ષે શિયાળા કે ઉનાળામાં મેરેજ સિઝન આવે એટલે જેમના લગ્નના દસ-વીસ કે પચ્ચીસ વર્ષ પૂરા થયા હોય એવા દામ્પત્યજીવનના યાત્રીઓ સોશિયલ મીડિયામાં ફોટા સાથે પોસ્ટ મૂકે અને એમના ગ્રૂપના મિત્રો શુભકામના પાઠવે. એવું પણ નોંધ્યું છે કે જેની મેરેજ એનિવર્સરી હોય એ ભાઈ સોશિયલ મીડિયામાં રાત્રે ૧૨ (એટલે કે જે તે તારીખના પહેલા કલાકમાં) વીશ કરે એની પત્નીને - કહેવાનું મન થાય કે ભાઈ, તારી બાજુમાં તારી સાથે તારા પત્ની છે, એમને તારા રૂમમાં જ વીશ કરને!
દામ્પત્યજીવનની ખાટી-મીઠી દાળ આખરે પાચક પણ હોય છે ને સ્વાદિષ્ટ પણ હોય છે, એવો અનુભવ મોટા ભાગના લોકોનો હોય છે. દામ્પત્યજીવનમાં પત્નીને પ્રેમ અને પુરુષને અધિકાર જોઈએ છે, પત્નીને સુંદર દેખાવું ગમે ને પતિને સુંદરતા જોવી ગમે. પત્નીના સમર્પણ સામે પતિ પણ સમર્પણ કરતો જ હોય છે. પતિ એટલે માત્ર ધાર્યું કરનારો કે જોહુકમી કરનારો એવી છાપ સમાજમાંથી દૂર થતી જાય છે.
એક હળવી વાતના કેન્દ્રમાં સ્પલીટ એરકન્ડીશન કેન્દ્રમાં છે, પ્રતિકરૂપે છે. સ્પલીટ એસી જેમ બહાર જ અવાજ કરે એમ જ ડાહ્યો પતિ ઘરની બહાર જ વધુ બોલે છે.
કવિ બાલમુકુંદ દવેની એક ગીત રચનાના મુખડામાં ગવાયું છે.
‘તારી તે વાટ મહીં મારું તે તેલ,
મહીં જ્યોતિ તે આપણા બેની.’
અર્થ એ કે પતિ-પત્ની સાથે મળીને એમના કર્મો થકી, એમના સંસ્કાર થકી સમાજજીવનમાં અજવાળાં પાથરે છે. લાગણીની સંવેદનાઓ-પ્રેમ-હાસ્ય-આનંદ પ્રસરાવે છે. એવી જ બીજી યાદગાર રચના તો ગુજરાતી કાવ્ય સંગીતનું શિરમોર ગીત બની રહી છે.
કેવા રે મળેલા મનના મેળ
રૂદિયાના રાજા...
લગ્નજીવનના સફળ અને સાર્થક જીવનના પાયામાં છે પરસ્પરને પામવાની સમજણ. પ્રેમમાં જે માપવા જાય તે ક્યારેય ના ફાવે, પ્રેમમાં તો માત્ર પામવાનું હોય, કેટલું મેળવ્યું એ નહીં કેટલું આપ્યું એની મહત્તા થકી જ આ સંબંધમાં ગૌરવ ભળે છે. દામ્પત્યજીવનમાં બંને પાત્ર એકબીજાના સ્વભાવને સમજે, આદતોનો સ્વીકાર કરે, પ્રકૃતિને પામે તો બહુ વાંધો ન આવે, પરંતુ પોતાની જ અપેક્ષા, વિચાર કે જીદ પ્રમાણે સામેની વ્યક્તિએ જીવવું જોઈએ એમ જો આગ્રહ રાખે ને એવું જ આચરણ કરે તો દામ્પત્યમાં વિખવાદ આવે જ. પરસ્પર પ્રત્યે ક્યારેય શંકા નહિ, પણ શ્રદ્ધા જ જો હૃદયમાં ને બુદ્ધિમાં ઠાંસોઠાસ ભરેલી હોય તો જીવતરમાં પ્રસન્નતાના અજવાળાં પથરાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter